નવસારીના આસુંદર ગામે વિલેજ સીટી ફાર્મ હાઉસમાં મહેફિલ માણતા 9 નબીરા પકડાયા
નવસારી : નવસારીના ગ્રામ્ય વિસ્તારોમાં સુરતીઓ ફાર્મ હાઉસ બનાવી રહ્યા છે, ઘણી જગ્યાએ ફાર્મ હાઉસ સ્ટાઇલની સોસાયટીઓ બની છે. જેમાંથી બંધ રહેતા ઘણા ફાર્મ હાઉસ સુરતીલાલા મહેફીલ માણવા ઉપયોગમાં લેતા હોય છે. આજ પ્રકારે નવસારી મરોલી માર્ગ પર આસુંદર ગામે આવેલા વિલેજ સીટી ફાર્મ હાઉસમાં ચાલતી શરાબ કબાબની મહેફીલના રંગમાં નવસારી ગ્રામ્ય પોલીસે ભંગ પાડી 9 સુરતીલાલાઓની ધરપકડ કરી હતી.
મળતી માહિતી અનુસાર, નવસારી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં બનેલા ફાર્મ હાઉસ મોટા ભાગે મોજ મજાના સ્થળ બની રહ્યા છે. વાર તહેવારે આવા ફાર્મ હાઉસમાં સુરતીલાલાઓ પાર્ટી કરતા હોવાની ફરિયાદો ઉઠતી રહી છે. જેમાં રાત્રીના સમયે મોંઘી બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો સાથે સાઉન્ડ સીસ્ટમ ઉપર ઉંચા અવાજે છાકટા બની મજા માણતા હોય અને બાજુમાં રહેતા લોકોને ખલેલ પહોંચાડતા પોલીસ કંટ્રોલ રૂમના નંબર પર ફરિયાદ થતા જ પોલીસ રંગમાં ભંગ પાડી દારૂના નશામાં ભાન ભુલનારાઓને ભાનમાં લાવે છે. ગત રાતે પણ નવસારી મરોલી માર્ગ પર આસુંદર ગામે આવેલા ગેટ વે ફાર્મ હાઉસમાં બંગલા નં. A/99 માં સુરતીલાલાઓ શરાબ અને કબાબની મહેફીલ માણી રહ્યા હતા. સંબંધીઓ સાથે આવેલા સુરતના જરીવાલા પરિવારની પાર્ટીમાં મહિલાઓ સાથે 22 સભ્યો હતા. જેમાં 70 વર્ષીય વૃદ્ધ તેમજ યુવાનો મોંઘી દારૂ પી રહ્યા હતા. પરંતુ કોઈકે નવસારી પોલીસ કન્ટ્રોલ રૂમ ઉપર ફરિયાદ કરતા
ગ્રામ્ય પોલીસના PSI કછવાહા પોતાની ટીમ સાથે ગેટ વે ફાર્મ હાઉસ પહોંચ્યા હતા. જ્યાં પોલીસને જોતા જ જરીવાલા પરિવારના હોશ ઉડી ગયા હતા. પરિવાર તેમજ સંબંધીઓએ પોલીસને સમજાવવાનો પ્રયાસ કર્યો, પણ ઘટના સ્થળે વિદેશી દારૂની બોટલો જોતા જ પોલીસે ઉપસ્થિત લોકોને ચકાસતા 9 લોકોએ નશો કર્યો હોવાનું જણાયુ હતુ. જેથી PSI કછવાહાએ મહેફીલ માણતા હોવાનો કેસ કરી તમામ 9 નશેડીઓની ધરપકડ કરી હતી. જ્યારે બાકીનાને છોડ્યા હતા. જ્યારે ઘટના સ્થળેથી 3375 રૂપિયાની મોંઘી બ્રાન્ડની 9 દારૂની બોટલો, 72 હજાર રૂપિયાના 6 મોબાઈલ ફોન અને 16 લાખ રૂપિયાની 5 કાર મળી કુલ 16.75 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. સમગ્ર મુદ્દે નવસારી ગ્રામ્ય પોલીસે તપાસ આરંભી છે.
70 વર્ષના વૃદ્ધ પણ મહેફીલમાં નશાની હાલતમાં પકડાયા
સુરતના સલાબતપુરાના ઈચ્છા દોશીની વાડી ખાતે રહેતા 43 વર્ષીય સંદિપ જરીવાલા નવસારીના આસુંદર ગામે ગેટ વે ફાર્મ હાઉસમાં A/99 ફાર્મ હાઉસ ધરાવે છે. જેમણે પરિવાર અને સંબંધીઓને પાર્ટી આપી હતી, જેમાં તેમના 67 વર્ષીય પિતા સુરેશ જરીવાલા, પરવત ગામના મહેશ્વર સોસાયટીના 70 વર્ષીય નવિન કાપડિયા, આચાર્ય પાર્કના 60 વર્ષીય ગણેશ જરીવાલા, અલથાનના 51 વર્ષીય પરિમલ જરીવાલા, ઉધના આશિર્વાદ સોસાયટીના 45 વર્ષીય અજય કાપડિયા, નવાગામની ઓમકાર રેસીડેન્સીના 44 વર્ષીય પંકજ ડોકટરવાળા, સગરામપુરામાં કલ્પઋષિ પેલેસના 35 વર્ષીય અમિત કાપડિયા અને સગરામપૂરા મુખ્ય માર્ગ પિયુષ જરીવાલા મહેફીલમાં મોંઘી બ્રાન્ડની દારૂ પી રહ્યા હતા.