પોલીસે આરોપી પાસેથી ૩૦ હજાર મળી કુલ 1 લાખ રૂપિયા થયા રિકવર
નવસારી : નવસારીમાં ઓટો રીપેરીંગના દુકાનદારની કારમાંથી અઢી લાખ રૂપિયા ભરેલી બેગ તફડાવી ફરાર થનાર અમદાવાદની ટોળકીના વધુ એક આરોપીને નવસારી ટાઉન પોલીસે ઝડપી પાડી, તેની પાસેથી લૂટના લાખોમાંથી 30 હજાર રૂપિયા રિકવર કર્યા છે. અગાઉ પણ એક આરોપીને પોલીસે પકડ્યો હતો, જેથી અત્યાર સુધીમાં પોલીસે કુલ 1 લાખ રૂપિયા રિકવર કરી તપાસને વેગ આપ્યો છે.
દુકાનની સામે સિગારેટ પીતા પીતા બનાવ્યો લૂટનો પ્લાન..!
મળતી માહિતી અનુસાર, નવસારીના રામજી મંદિર શોપિંગ સેન્ટરમાં કાર્યરત ગાંધી મોટર્સના દુકાનદાર કમલેશ ગાંધીએ ગત 6 જૂન, 2023 ની સાંજે પોતાની દુકાનેથી અઢી લાખ રૂપિયા ભરેલ બેગ પોતાની કારમાં મુક્યુ હતું. બાદમાં પોતાના નિત્યક્રમ મુજબ તેઓ દુકાનની શટરને મારેલા તાળા ચકાસવા ગયા હતા. આ સમય દરમિયાન સામેની દુકાન પાસે ઉભેલા અજાણ્યા શખ્સોએ સિગારેટ પીતા પીતા કમલેશ ગાંધીની બેગમાં મોટી રકમ હોવાનું અનુમાન લગાવી, તેમની કારમાંથી અઢી લાખ રૂપિયા ભરેલ બેગ ઉઠાવી ઘટના સ્થળેથી ભાગી છુટ્યા હતા.
પોલીસે સીસીટીવી ફૂટેજ અને બાતમીદારોના નેટવર્કને આધારે આરોપી પકડ્યો
નવસારી ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાયા બાદ હરકતમાં આવેલી પોલીસે ગાંધી મોટર્સ અને શહેરમાં નેત્રમ હેઠળ લગાવેલા સીસીટીવી કેમેરાઓના ફૂટેજ ચકાસ્યા હતા, જેમાં બાઇક પર આવેલા ચાર શખ્સો પર પોલીસને શંકા ગઈ હતી. સાથે જ રૂપિયા તફડાવવાની મોડસ ઓપરેન્ડી જોઈ અમદાવાદની છારા ગેંગની કરામત હોવાનું અનુમાન લગાવ્યું હતું. જેથી બાતમીદારોનાં નેટવર્કને એક્ટીવ કરીને તપાસને વેગ આપ્યો હતો. દરમિયાન આજે પેટ્રોલિંગ સમયે મળેલી બાતમીને આધારે નવસારી એસ. ટી. ડેપો પાસેથી અમદાવાદના સરદારનગર રેલ્વે સ્ટેશન નજીક છારાનગરમાં રહેતા ચેતન ઉર્ફે ચિન્ટુ વિજય ઘમંડેને દબોચી લીધો હતો. આરોપી ચેતન પાસેથી પોલીસે રોકડા 30 હજાર રૂપિયા પણ રિકવર કર્યા હતા.
આરોપી ચેતન ઘમંડે રીઢો ગુનેગાર
કારમાંથી લાખો તફડાવી જવાના ગુનામાં પકડાયેલો આરોપી ચેતન ઘમંડે રીઢો ગુનેગાર છે. જેના વિરૂદ્ધ અમદાવાદમાં 4 અને ગાંધીનગરમાં એક મળી કુલ 5 ગુનાઓ નોંધાયેલા છે.
અગાઉ અન્ય એક આરોપી પકડાયો હતો
ગાંધી મોટર્સના દુકાનદાર કમલેશ ગાંધીની કારમાંથી લાખો રૂપિયા ભરેલ બેગ તફડાવી જવાના ગુનામાં અગાઉ અમદાવાદનો જ છારાનગરમાં રહેતો ચંદ્રકાંત ઉર્ફે સોનું તમંચે ટાઉન પોલીસના હાથે પકડાઈ ચુક્યો હતો. પોલીસે ચંદ્રકાંત તમંચે પાસેથી 70 હજાર રૂપિયા રિકવર પણ કર્યા હતા. જેથી અત્યાર સુધીમાં બે આરોપી અને બંને પાસેથી કુલ 1 લાખ રૂપિયા પોલીસ રિકવર કરી ચુકી છે.
આ છે મોડસ ઓપરેન્ડી

અમદાવાદની છારા ગેંગ રૂપિયા ભરેલા બેગ તફડાવવામાં માહિર છે. વ્યક્તિના હાથમાં કે ગજવામાં મુકેલા બેગ કે પર્સ જોઈને અનુમાન લગાવે છે કે આમાં રૂપિયા હશે. બાદમાં સીફત પૂર્વક એને તફડાવી લે છે. ચંદ્રકાંત અને ચેતન બંને ગત 6 જૂને બપોરના સમયથી નવસારીમાં ફરી રહ્યા હતા, પણ તેમને હાથે કંઈ લાગ્યું ન હતું. દરમિયાન સાંજના સમયે ગાંધી મોટર્સ સામેની દુકાનમાં ઉભા રહી સિગારેટ પી રહ્યા હતા, ત્યારે કમલેશ ગાંધી રૂપિયા ભરેલ બેગ બગલમાં દબાવીને નીકળ્યા હતા અને કારમાં મુક્યુ હતું. જેને જોઈને તેમણે અનુમાન લગાવી લીધું હતું કે બેગમાં રૂપિયા છે અને તક મળતા જ ગણતરીની મીનીટોમાં રૂપિયા ભરેલ બેગ તફડાવી ભાગી છૂટ્યા હતા.