દીકરા સાથે ઝેરી દવા ગટગટાવી પણ બચી ગયો, વતન પહોંચી આત્મહત્યાના પ્રયાસમાં હતો
નવસારી : નિર્દયતા પૂર્વક ઝેરી દવા આપ્યા બાદ ગળે ટૂપો આપીને માસૂમ વંશની હત્યા કરીને ફરાર થયેલો હત્યારો પિતા અને TRB જવાન સંજય બારીયા તેના વતન લુણાવાડા પાસેની વેરણીયા ચોકડી પાસેથી નવસારી LCB પોલીસનાં હાથે ચઢ્યો હતો. પત્ની સાથેનાં ઘરકંકાસથી કંટાળી, સંજય આત્મહત્યા કરવા માંગતો હતો, પણ તેના પછી પુત્રનું કોણ..? એ વિચારે, પુત્રની હત્યા કરી હતી. દીકરા સાથે સંજયે પણ ઝેરી દવા ગટગટાવી હતી, પણ બચી જતા પોતાના વતન નજીક આત્મહત્યા કરવાના પ્રયાસમાં હતો, પણ પોલીસે પકડી પાડ્યો હતો.
પોલીસે 7 ટીમો બનાવી, ટેકનીકલ સર્વેલન્સની લીધી મદદ, વતન લુણાવાડાથી હત્યારો પિતા મળ્યો
નવસારીના મોટા બજાર સ્થિત ટ્રાફિક ભવનના સ્ટોર રૂમમાંથી ગત શનિવારે, છેલ્લા 14 વર્ષોથી ટ્રાફિક વિભાગમાં TRB જવાન તરીકે ફરજ બજાવતા સંજય બહાદુરસિંહ બારીયાના 10 વર્ષીય પુત્ર વંશ બારિયાની ઝેરી દવા તેમજ નાયલોન દોરીથી ગળે ટૂપો આપી હત્યા કરેલો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનામાં TRB જવાન સંજય બારિયાએ જ ગત 31 મે, ની બપોરે તેના પુત્રની હત્યા કરી હતી અને 24 કલાક બાદ તેની પત્નીને ફોન કરીને વંશ જોઈતો હોય તો ટ્રાફિક ભવનના સ્ટોર રૂમમાં પહોંચી જા અને મારી ચિંતા કરતી નહીં… જેથી સંજયની પત્નીએ સ્થાનિક પોલીસને જાણ કરી, ટ્રાફિક ભવનના સ્ટોર રૂમનો દરવાજો તોડીને જોતા તેમાંથી વંશનો મૃતદેહ મળી આવ્યો હતો. બીજી તરફ હત્યારા સંજય બારીયાએ તેની પત્નીને ફોન કર્યા બાદ નવસારીથી બીલીમોરા પહોંચ્યો હતો અને ત્યાંથી બસમાં બેસી પોતાના વતન લુણાવાડા જવા રવાના થયો હતો. જ્યાં પોતાના વતનની નજીક પહોંચી તેણે પોતાના પિતાને ફોન કરી પોતે ગામની નજીક હોવાનું જણાવીને ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો. સમગ્ર મુદ્દે પોલીસે તાત્કલિક સીસીટીવી ફૂટેજ ચકાસી, અલગ અલગ 7 ટીમો બનાવી આરોપી સંજય બારિયાને પકડી પાડવાના પ્રયાસો હાથ ધર્યા હતા. જેમાં એક ટીમ સંજયના વતન લુણાવાડાના રામાવાટા ગામ જવા રવાના થઇ હતી. જેમાં સંજયના ગામ જવાના રાસ્તા પર વેરણીયા ચોકડી પાસે કોઈ વાહન સાથે અથડાઈને આત્મહત્યા કરવાની ફિરાકમાં ઉભા રહેલા હત્યારા પિતા સંજયને નવસારી LCB પોલીસની ટીમે પકડી પાડ્યો હતો. જેની પાસેથી સ્યુસાઈડ નોટ પણ મળી આવી હતી. જેથી પોલીસે આરોપી સંજયની ધરપકડ કરી, તેને નવસારી લાવી વધુ તપાસ અર્થે નવસારી ટાઉન પોલીસને સોંપ્યો હતો.
માઝાની બોટલમાં ઉધઇ મારવાની દવા ભેળવી, બંનેએ પીધી, બાદમાં પુત્રને ગળે ટૂપો આપી કરી હત્યા
હત્યારા પિતા સંજય બારીયાની પૂછપરછ કરતામાં તેણે પત્ની સાથેના ઘરકંકાસથી કંટાળી 3 મહિનાથી આત્મહત્યા કરવાનું વિચાર્યુ હતું. પણ તેના પછી તેના લાડકા પુત્ર વંશનું શું થશે એ વિચારે અટકી જતો હતો. ગત 29 મે, બુધવારે પુત્ર વંશ સાથે દાંડીના દરિયા કિનારે આત્મહત્યા કરવા ગયો, પણ કિનારો બંધ હોવાથી પરત ફર્યો, 30 મે, ગુરૂવારે ટ્રાફિક ભવનમાં પણ ચહલપહલ વધુ હોવાથી નિષ્ફળ રહ્યો હતો. બાદમાં 31 મે, શુક્રવારે ચાન્સ મળતા જ બપોરે વંશને ઘરેથી ટ્રાફિક ભવન લાવ્યા બાદ સ્ટોર રૂમમાં બાપ દીકરા બંનેએ ઉધઈ મારવાની દવા ગટગટાવી હતી અને મોડે સુધી પોતે પોતાના વહાલસોયા સાથે પડી રહ્યો હતો. પરંતુ ઝેરી દવાથી વંશને તકલીફ શરૂ થતા, સંજયે બચી જવાની શંકાએ સાથે રાખેલી નાયલોનની દોરીથી તેનું ગળું દબાવી હત્યા કરી દીધી હતી. જોકે દવાની અસર સંજયને પણ થઇ ન હતી અને પોતે બચી જતા, પોલીસ મથકેથી ભાગીને નવસારી ST ડેપો પહોંચી ગયો હતો. જ્યાંથી તેણે પોતાની પત્નીને ફોન કરી વંશ ટ્રાફિક ભવનના ગોડાઉનમાં હોવાનું જણાવ્યુ હતુ. પછી સંજય નવસારીથી બીલીમોરા અને ત્યાંથી પોતાના વતન લુણાવાડા પહોંચ્યો હતો. વતન જતી વખતે સંજયે અનેક રીતે આત્મહત્યા કરવાનો વિચાર કર્યો હતો, પણ પરિવાર વતન હોવાથી વતન નજીક જ આત્મહત્યા કરવાનો વિચાર કર્યો હતો. પરંતુ સંજય આપઘાત કરે એ પૂર્વે જ પોલીસના હાથે પકડાઇ ગયો હતો.
પુત્ર સાથે આત્મહત્યા કરવાનો હોય, સંજયે પત્ની અને પ્રેમિકા બંનેના પરિવારોને ભેગા કરી રાખ્યા હતા
TRB જવાન સંજય પત્ની અને પ્રેમિકા વચ્ચે સંબંધો સાચવવામાં મુશ્કેલી અનુભવતો હોય એવી સ્થિતિ બની હતી. સાથે જ તેની પત્ની સાથે ઘરકંકાસ ચાલતો હોવાથી સંજય જીવનથી કંટાળ્યો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ છે. જેથી પુત્ર સાથે આત્મહત્યા બાદ બંનેની અંતિમ ક્રિયામાં પત્ની અને પ્રેમિકા બંને અને તેમનો પરિવાર પણ સાથે હોય એવો પ્લાન ઘડ્યો હતો. જેમાં 31, મેના રોજ નવી ગાડી લેવાની વાત કરી પત્નીના પરિવારને અને લગ્ન કરવાની વાતે પ્રમિકાના પરિવારને ભેગા થવા કહ્યુ હતુ. જોકે સંજય તેના પ્લાનમાં નિષ્ફળ રહ્યો અને પુત્રને ખોઇ જેલના સળીયા પાછળ ધકેલાયો છે.