સામાજિક વનીકરણ વિભાગ દ્વારા 20 લાખ વૃક્ષોના ઉછેરનો લક્ષ્યાંક
નવસારી : ગ્લોબલ વોર્મિંગથી પર્યાવરણને બચાવવા વૃક્ષો જરૂરી છે. ત્યારે ગત 5 જૂન, 2024 ને વિશ્વ પર્યાવરણ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ” એક પેડ માં કે નામ ” અભિયાનની શરૂઆત કરી છે. જે અંતર્ગત આજે નવસારી જિલ્લા કલેકટરાલય ખાતે નાણામંત્રી અને નવસારીના પ્રભારી મંત્રી કનુ દેસાઈના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતુ. નવસારી જિલ્લા સામાજિક વનીકરણ વિભાગ દ્વારા સમગ્ર જિલ્લામાં 20 લાખ વૃક્ષોના ઉછેરનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
નવસારીમાં વધુમાં વધુ વૃક્ષોના વાવેતર સાથે જતન કરવા નાણામંત્રીની અપીલ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ગત 5 જૂન, 2024 ને વિશ્વ પર્યાવરણ દિવસે લોકો વૃક્ષ ઉછેર સાથે ભાવનાત્મક રીતે જોડાય અને વધુમાં વધુ વૃક્ષારોપણ થાય એ હેતુથી ” એક પેડ માં કે નામ ” અભિયાનની સમગ્ર દેશમાં શરૂઆત કરાવી હતી. જે અંતર્ગત આજે રાજ્યના નાણામંત્રી અને નવસારી જિલ્લાના પ્રભારી મંત્રી કનુ દેસાઈના હસ્તે નવસારી જિલ્લા કલેકટર કચેરીના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરાયું હતુ. સાથે નાણામંત્રીએ નવસારીવાસીઓ વડાપ્રધાનના ” એક પેડ માં કે નામ ” અભિયાનને વેગવંતુ બનાવી, જિલ્લામાં વધુમાં વધુ વૃક્ષોના વાવેતર સાથે તેનું જતન કરતા થાય એવી આશા વ્યક્ત કરી હતી.
સામાજિક વનીકરણની ચાર રેન્જમાં 4.50 લાખ રોપાનું કરાયું વાવેતર

નવસારી જિલ્લા સામાજિક વનીકરણ વિભાગ દ્વારા સમગ્ર જિલ્લામાં 20 લાખથી વધુ વૃક્ષોના વાવેતર સાથે તેનો ઉછેર કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. જે અંતર્ગત વન વિભાગ દ્વારા જિલ્લાની 4 રેન્જમાં 4.50 લાખ રોપાનું વાવેતર થઈ ચૂક્યું છે. જ્યારે સમગ્ર જિલ્લામાં અત્યાર સુધીમાં 12.92 લાખ રોપાનું વિતરણ પણ કરાયું છે. જ્યારે બાકી રહેલા લક્ષ્યાંકને પૂર્ણ કરવા માટે વન વિભાગ પ્રયાસો કરી રહ્યું છે, ત્યારે અભિયાનમાં જોડાવા માટે વન વિભાગના QR કોડને સ્કેન કરી કોઈપણ વ્યક્તિ નિશુલ્ક રોપા મેળવી શકે છે.
નાણામંત્રી સાથે નવસારીના મહાનુભાવો પણ વૃક્ષારોપણમાં જોડાયા
નવસારી જિલ્લા કલેકટર કચેરીના પ્રાંગણમાં યોજાયેલા વૃક્ષારોપણ કાર્યક્રમમાં નાણામંત્રી સાથે ગણદેવીના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી નરેશ પટેલ, નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ, જિલ્લા પંચાયત પ્રમુખ પરેશ દેસાઈ, સામાજિક વનીકરણ વિભાગના નાયબ વન સંરક્ષક ભાવના દેસાઈ, કલેકટર ક્ષિપ્રા અગ્રે, DDO પુષ્પલતા, સુપા રેન્જના RFO હિના પટેલ સહિત અધિકારીઓ અને પદાધિકારીઓ પણ જોડાયા હતા.