હિન્દુ મંદિરોનો વિધ્વંશ કરવા નિકળેલા મુઘલ બાદશાહ ઔરંગઝેબને વિઘ્નહર્તાએ પાડ્યો હતો ઘૂંટણીએ
નવસારી : ગણેશ પુરણમાં ભક્ત માટે વડમાં સ્વયંભુ પ્રગટેલા ભગવાન શ્રી ગણેશે, હિન્દુ મંદિરોનો વિધ્વંશ કરવા નિકળેલા મુઘલ બાદશાહ ઔરંગઝેબને સતનો પરચો બતાવી ઘૂંટણીએ પાડ્યો હતો. એવા અલૌકિક અને ચમત્કારી નવસારીના ગણેશવડ મંદિરે આજે ગણેશ ચતુર્થીના પવન પર્વ પર મોટી સંખ્યામાં ભક્તોએ વિઘ્નહર્તાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
ભક્ત ભૂખો ન રહે એ માટે વડમાં પ્રગટ થયા વિનાયક



આજથી ગણેશોત્સવનો ભક્તિભાવ અને હર્ષોલ્લાસ સાથે પ્રારંભ થયો છે. નવસારીમાં ગલી, મોહલ્લા, સોસાયટી, એપાર્ટમેન્ટ, ઘરોમાં ભક્તોએ એકદંતની વિધીવિધાન સાથે સ્થાપના કરી બાપ્પાને આવકાર્યા છે. ત્યારે નવસારીના સિસોદ્રા ગામે આવેલા પૌરાણિક ગણેશવડ મંદિરે પણ વહેલી વહેલી સવારથી શ્રધ્ધાળુઓ સ્વયંભુ શ્રી ગણેશજીના દર્શનાર્થે પહોંચ્યા હતા. ભક્તોએ અંતરના ઉમળકાથી લંબોદરનું પૂજન કરી, તેમના આશિર્વાદ મેળવ્યા હતા. ગણેશવડમાં બિરાજમાન વિઘ્નહર્તાનો ઉલ્લેખ ગણેશ પુરાણમાં જોવા મળે છે. હજારો વર્ષ પૂર્વે એક સંઘ જાત્રાએ નિકળ્યો હતો, એમાં એક ભગવાન શ્રી ગણપતિનો ભક્ત હતો, જે શ્રીજીના દર્શન કાર્ય બાદ જ ભોજન કરતો હતો. સંઘ જયારે નવસારીના સિસોદ્રા પાસે પહોંચ્યો, ત્યારે અંધારૂ થતા રાતવાસો કરવાનો નિર્ણય કર્યો. પરંતુ લંબોદરના દર્શન વિના અન્નનો દાણો ન આરોગતા ભક્તને મુશ્કેલી પડી, કારણ આસપાસ ક્યાંય વિઘ્નહર્તાનું મંદિર ન હતુ. ત્યારે ભક્તને ભુખુ ન રહેવું પડે એ માટે ભગવાન શ્રી ગણપતિ સ્વયંભુ પ્રગટ થયા અને ભક્તને દર્શન આપી તેની શ્રદ્ધાને જીવંત રાખી હતી. ત્યારથી દક્ષિણ ગુજરાત સહિત ગુજરાત તેમજ દેશ વિદેશમાં તેની પ્રસિદ્ધિ ફેલાય છે. શ્રધ્ધાળુઓ અહીં પોતાની મનોકામના લઇને આવે છે, જેને વિઘ્નહર્તા પૂર્ણ કરતા ભક્તો બાપ્પાના દર્શન કરી કૃતજ્ઞતા વ્યક્ત કરે છે.
ગણેશવડ મંદિરના પુજારીઓ પાસે આજે પણ છે ફારસી દસ્તાવેજો

વિઘ્નહર્તાના ચમત્કારનો બીજો કિસ્સો પણ ઘણો રસપ્રદ છે. ઈ.સ. 1662 વર્ષ પૂર્વે ભારતમાં મુઘલ સલ્તનત બાદશાહ ઔરંગઝેબ હિન્દુ મંદિરોનો વિધ્ન્વંશ કરી રહ્યો હતો. ઔરંગઝેબની સેના ભારતમાં મંદિરોને તોડી રહી હતી, ત્યારે સુરતથી મુઘલીયા સેના એ સમયના સુપા પરગણામાં સ્થિત ગણેશવડ મંદિરે પહોંચી. મંદિર તોડવા જતા જ વિઘ્નહર્તા નજીકમાં આવેલા વડમાં શ્રીજીની આકૃતિ બની અને વડમાંથી ભમરાઓનું ઝુંડ ઉડ્યું અને સૈનિકો ઉપર તૂટી પડતા તેમણે ભાગવા પડ્યુ હતુ. જયારે ઔરંગઝેબને ઘટનાની જાણ થઇ, તો ક્રૂર બાદશાહ પણ વિઘ્નહર્તાના ચમત્કારથી પીગળી ગયો હતો. બાદશાહે ભગવાન શ્રી ગણેશ આગળ માથું ટેકવી માફી માંગી હતી અને મંદિરના પુજારીને 20 વીઘા જમીન દાન પણ કરી હતી. ત્યારથી સિસોદ્રાનું ગણેશ મંદિર ગણેશવડ તરીકે જાણીતું થયુ છે.
આજે પણ મળે છે ગજાનનના પરચા, ભક્તો થાય છે બાપ્પાની આરાધનામાં લીન

હાલમાં પણ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ મંદિરની જમીનમાંથી પસાર થવાની સંભાવના જોવાતી હતી, પરંતુ બાપ્પાના આશિર્વાદથી મંદિરથી થોડે દૂર પ્રોજેક્ટ આકાર પામ્યો છે અને મંદિરને કોઈ મુશ્કેલી પડી નથી. ત્યારે ગણેશોત્સવ દરમિયાન હજારોની સંખ્યામાં ભક્તો ગણેશવડ સિસોદ્રામાં બાપ્પાના દર્શને ઉમટી પડશે અને પોતાની શ્રદ્ધાનુસાર પૂજન કરી બાપ્પાની આરાધના કરી ધન્યતા અનુભવશે.