ચાર હરણોનો શિકાર કરતા વન વિભાગ દોડતું થયુ
દીપડાને પાંજરે પુરવા પાર્કમાં ૭ પાંજરા, ૨૮ નાઈટ વિઝન કેમેરા લગાવાયા
નવસારી : નવસારી જિલ્લાના વાંસદાનાં ઐતિહાસિક દિગ્વીર પેલેસની બાજુમાં આવેલા ડીયર પાર્કમાં ચાર દિવસ અગાઉ દીપડાએ ચાર હરણોનો શિકાર કરતા વન વિભાગ એક્ટીવ થયું છે. વિભાગ દ્વારા પાર્ક ફરતે ૭ પાંજરા અને નાઈટ વિઝન કેમરા લગાવી રાઉન્ડ ધ કલોક દીપડાને પકડવાનો પ્રયાસ હાથ ધરાયો છે.

અખંડ ભારતમાં જોડાયેલા રજવાડાઓમાનાં એક વાંસદા સ્ટેટના અંતિમ મહારાજા દિગ્વીરેન્દ્રસિંહ સોલંકીને પ્રાણીઓ પ્રત્યે પ્રેમ હતો. જેથી તેમના દિગ્વીર પેલેસની નજીક જ ડીયર પાર્ક બનાવી હરણોને વસાવ્યા હતા. હાલ આ પાર્કમાં ૧૫ કરતા વધુ હરણો છે, આ હરણો તેમજ આ પેલેસને નિહાળવા લોકો મોટી સંખ્યામાં આવતા હોય છે. જેમાં ગત રવિવારે રાતે પાર્ક પાછળથી વહેતી નદી પાર કરીને એક કદ્દાવર દીપડો ડીયર પાર્કમાં ઘુસી આવ્યો હતો. દીપડાએ એક હરણ અને તેના બચ્ચાને શિકાર બનાવ્યું હતુ અને સવાર થતા પાર્કમાંથી ભાગી છૂટ્યો હતો. સોમવારે સવારે પાર્કમાં મજુરોએ હરણને મૃત જોતા રાજવી પરિવારને ઘટનાની જાણ કરી હતી. બાદમાં સોમવારે ફરી દીપડાએ બીજા બે હરણોને શિકાર બનાવ્યા હતા. જેથી રાજવી પરિવારે વાંસદા વન વિભાગને જાણ કરતા વિભાગ દ્વારા ડીયર પાર્કમાં પાંજરા ગોઠવવા સાથે નાઈટ વિઝન કેમેરા લગાવી દીપડાને પકડવા માટેના પ્રયાસો હાથ ધર્યા હતા. જોકે દીપડો હાથ તાળી આપી જતા બુધવારે વન વિભાગના એસીએફ, આરએફઓ સહીત કર્મચારીઓએ ડીયર પાર્કમાં વધુ પાંજરા ગોઠવી કુલ ૭ પાંજરા ગોઠવ્યા છે. સાથે જ 28 નાઈટ વિઝનના સીસીટીવી કેમેરા ગોઠવી બને એટલી જલ્દી દિપડાને પાંજરે પુરવાની કવાયત હાથ ધરી છે. આજે ડીસીએફ,એસીએફ સહિત 35 જેટલા વનવિભાગનો સ્ટાફ હાલ સ્થળ પર હાજર છે અને આજે દીપડો પાંજરે પુરાય એવી આશા સેવી રહ્યા છે.

વાંસદાના દિગ્વીર પેલેસના ડીયર પાર્કમાં દીપડાનાં આવન જાવનને લઈને રાજવી પરિવાર પણ ચિંતિત બન્યો છે. ખાસ કરીને વર્ષોથી પાર્કમાં વસાવેલા હરણોને બચાવવા માટે વન વિભાગ સાથે પ્રયાસ કરી રહ્યો છે અને આજે રાતે દીપડો પાંજરે પુરાય એવી આશા સેવી રહ્યો છે. આ બાબાતે રાજવી પરિવારના સદસ્ય શિવેન્દ્રસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, વાંસદાના સ્વ. મહારાજા દિગ્વિરેન્દ્રસિંહ દ્વારા પેલેસની પાસે જ પાર્ક બનાવડાવ્યો હતો. જેમાં ચાર દિવસથી રાત્રીના સમયે નદી પારના જંગલ વિસ્તારમાંથી દીપડો આવી રહ્યો છે. જેણે ગત રવિવારે હરણ અને તેના બચ્ચાનું મારણ કર્યું હતુ. જેની વન વિભાગને જાણ કરતા તેના પકડવાના પ્રયાસો શરૂ કર્યા છે. પગના પંજાને જોતા ૫ થી ૬ વર્ષનો અને કદ્દાવર હોય એવું અધિકારીઓનું અનુમાન છે. હાલ પાર્કમાં દીપડાને પકડવા પીંજરા અને કેમેરા લગાવવામાં આવ્યા છે અને આજે રાતે દીપડો પકડાઈ જાય એવું લાગી રહ્યું છે.

ડીયર પાર્કના હરણોનું થશે સ્થળાંતર!!
જયારે દીપડાનાં આતંકને કારણે હરણોનું સ્થળાંતર કરવાની વાતને શિવેન્દ્રસિંહ સોલંકીએ રદિયો આપ્યો હતો. તેમણે જણાવ્યું કે, હાલ પાર્કમાં ૧૫ હરણો છે, જેમાંથી થોડા હરણો વાંસદા નેશનલ પાર્કનાં હરણ બ્રિડિંગ સેન્ટરમાં અને થોડા હરણો મહાલ કેમ્પ સાઈટમાં આપવાનો નિર્ણય લેવાયો છે. જયારે બાકીનાં પાર્કમાં જ રાખવામાં આવશે. અગાઉ પણ સુરત અને સેલવાસ પાર્કમાં પણ વાંસદાનાં દિગ્વીર પેલેસનાં ડીયર પાર્કમાંથી હરણો આપવામાં આવ્યા હતા.