Connect with us

ગુજરાત

વિજલપોર ભાજપમાં ભર શિયાળે ગરમાટો

Published

on

વિજલપોર પાલિકા પ્રમુખ જગદીશ મોદીએ પક્ષના હોદ્દા પરથી રાજીનામું ધર્યું

પાલિકા પ્રમુખના સમર્થનમાં વિવિધ મોર્ચાના પદાધિકારીઓના પણ સામુહિક રાજીનામાં

નવસારી : વિજલપોર નગર પાલિકામાં ગત વર્ષે પાલિકા પ્રમુખને ઉપપ્રમુખે મારેલી થપ્પડની ગુંજ નવા વર્ષે જીલ્લા ભાજપ સુધી પહોંચી છે. જેમાં જિલ્લા ભાજપ સહીત પ્રદેશ કક્ષાએ રજૂઆત કર્યા બાદ પણ વિજલપોર નગર પાલિકાના બાગી ૧૫ નગર સેવકોને પક્ષમાંથી હાંકી કાઢવાની વિજલપોર ભાજપ સંગઠન અને પાલિકા પ્રમુખની માંગને મોવડી મંડળે કાને ન ધરતા આજે વિજલપોર પાલિકા પ્રમુખ જગદીશ મોદીએ પક્ષના તમાંમ હોદ્દા પરથી રાજીનામું ધરી દીધુ છે. જેમની સાથે જ સંગઠનના વિવિધ મોર્ચાના હોદ્દેદારોએ પણ પોતાના હોદ્દા પરથી સામુહિક રાજીનામાં ધરી દેતા વિજલપોરના રાજકારણમાં ભર શિયાળે ગરમાટો જોવા મળ્યો છે. જોકે જિલ્લા પ્રમુખે સમગ્ર મુદ્દે એક-બે દિવસમાં નિર્ણય લેવાની વાત કરી હતી.

વિજલપોર નગર પાલિકાની ચુંટણી પત્યા બાદ ભાજપી સભ્યોમાં ભાગબટાઇને પગલે તિરાડ પડી હતી. વિજલપોરની સત્તાનું સુકાન યુવાન નેતા જગદીશ મોદીનાં હાથમાં આપતા જ જુના ભાજપી નેતાઓમાં રોષ જોવા મળ્યો હતો. જેમાં સમય વિતાવતા જગદીશ મોદી તેમના વિસ્તારના કામો ન કરતા હોવાની ફરિયાદોનું ગાણું ગાવા માંડ્યા હતા. જેના પગલે ભાજપી નગરસેવકોમાં ત્રણ મહીનામાં જ ભાગબટાઇનાં આંતરિક વિખવાદ વચ્ચે ભાજપી સાશકો બે ફાડ થયા હતા. વાત વધતા જ બાગી થયેલા ૧૭ ભાજપી સભ્યોએ પક્ષ સામે પડીને સામુહિક રાજીનામા ધરી દીધા હતા, જોકે જેતે સમયે પક્ષે રાજીનામાં સ્વીકાર્યા ન હતા. બાદમાં બાગી ભાજપી સભ્યો એ વિજલપોર વિકાસ મંચ બનાવી પાલિકાના વિકાસ કામોમા પ્રશ્નો શરૂ કર્યા હતા. જેમા ગત 27 ડિસેમ્બરના રોજ નવસારીમાં વિજલપોરના સમાવેશ કરવાના મુદ્દે મળેલી ખાસ સભામાં આક્રોશિત ઉપપ્રમુખ સંતોષ પુંડકરે પાલિકા પ્રમુખ જગદીશ મોદીને ગળેથી પકડી થપ્પડ મારી દેતા મામલો ગુંચવાયો હતો. સમગ્ર મુદ્દે જગદીશ મોદીએ જલાલપોર પોલીસ મથકે ઉપપ્રમુખ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કર્યા બાદ ગત દિવસોમાં વિજલપોર પાલિકાએ ઉપપ્રમુખ સંતોષ પુંડકર સહીત ચાર બાગી નગર સેવકોને તેમના પદ પરથી દુર કરવા માટે પાલિકા નિયામકને લેખિત રજૂઆત પણ મોકલી હતી. સાથે જ પાલિકા પ્રમુખ સહીત તેમના સમર્થકોએ જિલ્લા ભાજપ તેમજ પ્રદેશ કક્ષાએ બાગી ૧૫ નગર સેવકો પક્ષ વિરૂદ્ધ કાર્ય કરતા હોવાનાં આક્ષેપો સાથે તેમને પક્ષમાંથી હાંકી કાઢવાની માંગ કરી હતી. જેમાં ભાજપ મોવડી મંડળ દ્વારા કોઈ કાર્યવાહી ન થતા વિજલપોર નગર પાલિકાના પ્રમુખ જગદીશ મોદીએ સંગઠનના હોદ્દા તેમજ તેમની સાથે શહેર સંગઠનના વિવિધ મોર્ચાના પદાધિકારીઓ ૨૫૦ જેટલા કાર્યકર્તાઓના સમર્થન સાથે તેમના હોદ્દાઓ પરથી રાજીનામા ધરી દિધા હતા. જેને પગલે સ્થાનિક રાજકારણમાં મોસમના સૌથી ઠંડા દિવસે ગરમાટો આવી ગયો છે. 

પરિવારની વાત છે, સમજાવી લેવાશે, જયારે ૧૫ બાગીઓ માટે પ્રદેશમાં જાણ કરવામાં આવી છે, પ્રદેશમાંથી આદેશ થતા કાર્યવાહી કરીશું… – નરેશ પટેલ

વિજલપોરના રાજકારણમાં આવેલા ભુકંપનો ઝટકો સુરતના મહુવા ખાતે મુખ્યમંત્રીના કાર્યક્રમ સુધી અનુભવાયો હતો. જેને પગલે જિલ્લા ભાજપ પ્રમુખ નરેશ પટેલ દોડતા નવસારી પહોંચ્યા હતા. સાથે જ તેમણે સમગ્ર મુદ્દે વિજલપોર પાલિકા પ્રમુખ જગદિશ મોદી સહિતના લોકોએ આપેલા રાજીનામા પ્રકરણમાં પરિવારની વાત હોવાનુ જણાવી સમજાવી લેવાનો સુર આલાપ્યો હતો. જયારે બાગી ૧૫ નગર સેવકોને પક્ષની પરંપરા અનુસાર પ્રથમ નોટીસ આપ્યા બાદ તેમને પક્ષમાંથી બહાર કાઢવા માટેનો નિર્ણય જિલ્લા સંકલનમાં લેવાયો છે અને સમગ્ર મુદ્દે પ્રદેશ કક્ષાએ જાન કરવામાં આવી છે. જેથી વિજલપોર પાલિકાના ૧૫ બાગી નગર સેવકો મુદ્દે પ્રદેશમાંથી એક-બે દિવસમાં ત્યાંથી નિર્યણ આવતા જ બાગીઓને નોટિસ આપી પક્ષમાંથી દૂર કરવા સુધીના પગલા લેવાની કેફિયત રજૂ કરી હતી.

દક્ષિણ-ગુજરાત

વયોશ્રી કેન્દ્ર : નવસારીના આંગણે આશાનું નવું કિરણ

Published

on

By

ગુજરાતના ચોથા PM-DVK કેન્દ્રથી દિવ્યાંગો અને વરિષ્ઠ નાગરિકો માટે સ્વાવલંબન અને સન્માનજનક જીવનનો માર્ગ થશે મોકળો

નવસારી : નવસારી જિલ્લાના ચીખલી ખાતે સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ પરિસરમાં પ્રધાનમંત્રી દિવ્યાશા-વયોશ્રી કેન્દ્ર (PM-DVK) નો આજથી શુભારંભ થયો છે. આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલના હસ્તે ઉદ્ઘાટન કરાયેલું આ સેવાકેન્દ્ર માત્ર એક સરકારી ઉપક્રમ નથી, પરંતુ ઉંમરના ઉત્તરાધાર્ધમાં પહોંચેલા વડીલો અને શારીરિક પડકારોનો સામનો કરતા દિવ્યાંગજનોના જીવનમાં નવી રોશની લાવતો એક સંવેદનશીલ પ્રયાસ છે. જિલ્લા પ્રશાસન અને કલેક્ટર મનીષ ગુરવાનીની અંગત કાળજીના પરિણામે આકાર પામેલું આ કેન્દ્ર હવેથી જરૂરિયાતમંદ નાગરિકોને કાયમી ધોરણે નિઃશુલ્ક સહાયક સાધનો અને આરોગ્ય વિષયક સેવાઓ સ્થળ પર જ ઉપલબ્ધ કરાવશે.

પ્રશાસનિક સંવેદનશીલતા અને નિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ

એક સરકારી યોજના જ્યારે કેવળ કાગળ પર ન રહેતા માનવીય સ્પર્શ મેળવે છે, ત્યારે તે સમાજના છેવાડાના માનવી સુધી પહોંચે છે. જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીએ વડીલો અને દિવ્યાંગજનોની દૈનિક તકલીફોને પોતાની સમજીને જે સબળ નેતૃત્વ પૂરું પાડ્યું, તેના લીધે જ આ કેન્દ્ર રેકોર્ડ સમયમાં કાર્યરત થઈ શક્યું છે. ભારત સરકારના સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય હેઠળની ‘એલીમ્કો’ કંપનીના સહયોગથી શરૂ થયેલા આ કેન્દ્ર માટે કલેક્ટ મનીષ ગુરવાનીએ સતત ફોલોઅપ લીધું હતું. અમદાવાદ, ભાવનગર અને આણંદ બાદ હવે ચીખલી ખાતે શરૂ થયેલું આ ગુજરાતનું ચોથું કેન્દ્ર દર્શાવે છે કે જ્યારે વહીવટીતંત્રમાં ઈચ્છાશક્તિ હોય, ત્યારે પ્રજાકલ્યાણના કાર્યો ઝડપથી આકાર લે છે.

સ્થળ પર જ તપાસ, સારવાર અને સાધનોનું કાયમી નિદાન

ઘણીવાર દિવ્યાંગો કે વયોવૃદ્ધો માટે સાધનો કે આરોગ્ય સેવાઓ મેળવવા દૂર-દૂર સુધી ધક્કા ખાવા અત્યંત કષ્ટદાયક હોય છે. આ કેન્દ્ર તેમની આ પીડાનો કાયમી અંત લાવશે. હવેથી જરૂરિયાતમંદ નાગરિકોને સહાયક સાધનો માટે લાંબી પ્રક્રિયામાંથી પસાર નહીં થવું પડે. PM-DVK કેન્દ્ર ખાતે જ દિવ્યાંગજનો અને વરિષ્ઠ નાગરિકોની જરૂરિયાતોનું નિષ્ણાતો દ્વારા સ્થળ પર જ મૂલ્યાંકન કરવામાં આવશે. અહીં નિઃશુલ્ક સાધન વિતરણ ઉપરાંત, કૃત્રિમ અંગ તથા ઓર્થોસિસ ફિટમેન્ટ, શ્રવણશક્તિની સુક્ષ્મ તપાસ અને શ્રવણયંત્ર (Hearing Aid) સંબંધિત તમામ સેવાઓ એક જ છત નીચે ઉપલબ્ધ કરાવાશે, જે તેમના સ્વાસ્થ્યની સુરક્ષા સુનિશ્ચિત કરશે.

વહીવટી તંત્ર અને સમાજનો સંયુક્ત સંકલ્પ

આ ઉદ્ઘાટન પ્રસંગ માત્ર એક ઔપચારિક કાર્યક્રમ ન રહેતા, સમાજના વંચિત વર્ગ પ્રત્યેની સામાજિક જવાબદારીનો ઉત્સવ બની રહ્યો હતો. કાર્યક્રમમાં ચીખલી પ્રાંત અધિકારી નિશાંત કુગાશીયા, તાલુકા વિકાસ અધિકારી ભાવનાબેન યાદવ, મામલતદાર હિરેનભાઈ સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે વયના કારણે શ્રવણશક્તિ ગુમાવી ચૂકેલા વડીલને સાંભળવાની ક્ષમતા પરત મળવી કે ચાલવામાં અસમર્થ દિવ્યાંગને કૃત્રિમ અંગનો ટેકો મળવો, જેનાથી આ કેન્દ્ર આવનારા દિવસોમાં હજારો ચહેરાઓ પર આત્મવિશ્વાસભર્યું સ્મિત લાવવા માટે સજ્જ બન્યું છે.

 

Continue Reading

રમતગમત

વડોદરામાં ગુજરાત ડેફ વોલીબોલમાં કછોલીના ગાંધીઘરના દિવ્યાંગ ખેલાડીઓનો ગોલ્ડન સ્પાઇક

Published

on

By

15 મી ઓલ ગુજરાત વોલીબોલ ટુર્નામેન્ટ ઓફ ધ ડેફમાં કછોલીની ટીમોએ 2 ગોલ્ડ, 1 સિલ્વર અને 1 બ્રોન્ઝ મેડલ જીત્યા

નવસારી : રમતગમતમાં વિકલાંગતા ક્યારેય સરહદ બની શકતી નથી, તે વાતને ગાંધીઘર કછોલીના મનોબળથી મક્કમ એવા દિવ્યાંગ બાળકોએ ફરી એકવાર સાબિત કરી બતાવી છે. વડોદરાના સમા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે યોજાયેલી 15 મી ઓલ ગુજરાત વોલીબોલ ટુર્નામેન્ટ ઓફ ધ ડેફ – 2026 માં ગાંધીઘર કછોલી પરિવારે અભૂતપૂર્વ સફળતા મેળવી છે. ગાંધીઘર કછોલીની કુમાર અને કન્યા બંને ટીમોએ પોતાના કૌશલ્ય, સચોટ ટીમવર્ક અને પ્રભાવશાળી ગેમપ્લાન વડે મેદાન પર અદભુત પ્રદર્શન કરીને ટુર્નામેન્ટના વિવિધ વર્ગોમાં વિજેતા બનવાનો ગૌરવવંતો ઇતિહાસ રચ્યો છે.

મેદાન પર સર્જાયો ઇતિહાસ : કુમાર અને કન્યા બંને કેટેગરીમાં ગાંધીઘર કછોલીનો દબદબો

વડોદરામાં ગત 29 અને 30 સપ્ટેમ્બરના રોજ રમાયેલી આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં રાજ્યભરમાંથી આવેલી ડેફ શાળાઓની ટીમો વચ્ચે કડક સ્પર્ધા જોવા મળી હતી. જેમાં નવસારીની ગાંધીઘર કછોલી સંચાલિત શાળાઓએ પોતાના પ્રદર્શનથી ઉપસ્થિત રમતપ્રેમીઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. સંસ્થા સંચાલિત બ. અને ઈ. નાયક બહેરા-મૂંગા શાળાની અંડર – 18 બોયઝ ટીમે શાનદાર રમત દાખવીને પ્રથમ ક્રમે રહી ચેમ્પિયન બની હતી અને સ્વર્ણ પદક પોતાના નામે કર્યો હતો, જ્યારે આ જ શાળાની અંડર – 16 બોયઝ ટીમે તૃતીય ક્રમ મેળવીને બ્રોન્ઝ મેડલ હાંસલ કરી, સંસ્થાની સ્પોર્ટ્સ બેન્ચ-સ્ટ્રેન્થનો પરિચય આપ્યો હતો. બીજી તરફ, ગ. કી. નાયક બધિર કન્યા વિદ્યાલયની દીકરીઓએ પણ પાછળ ન રહેતા અદ્વિતીય રમતનું પ્રદર્શન કર્યું હતું; જેમાં જુનિયર ગર્લ્સ ટીમે શાનદાર જીત સાથે પ્રથમ ક્રમ મેળવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો અને સબ-જુનિયર ગર્લ્સ ટીમે રનર-અપ રહીને દ્વિતીય ક્રમે રહીને સિલ્વર મેડલ પર કબજો જમાવ્યો હતો.

નિષ્ઠા અને માર્ગદર્શનનો વિજય: ગાંધીઘર પરિવારે પાઠવ્યા અભિનંદન

દિવ્યાંગતાને માત આપીને રમતગમતના સર્વોચ્ચ શિખરે પહોંચેલા આ ખેલાડીઓ માટે આ જીત માત્ર એક ટ્રોફી નથી, પરંતુ તેમની વર્ષોની અથાક મહેનત, અજોડ શિસ્ત અને રમત પ્રત્યેના સમર્પણનું પરિણામ છે. બાળકોની આ આઉટસ્ટેન્ડિંગ સિદ્ધિ બદલ ગાંધીઘર કછોલી પરિવાર, શાળા સંચાલકો તેમજ રમતગમત મંડળ દ્વારા તમામ વિજેતા ખેલાડીઓ અને તેમને રાત-દિવસ તાલીમ આપનાર માર્ગદર્શક શિક્ષકોને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા. સંસ્થાના ટ્રસ્ટીઓ અને શિક્ષકોએ જણાવ્યું હતું કે, આ બાળકોની મહેનત, નિષ્ઠા અને ખેલદિલી સમાજના દરેક વ્યક્તિ માટે પ્રેરણારૂપ છે અને આ સફળતા આગામી સમયમાં નેશનલ લેવલે પણ રાજ્યનું નામ રોશન કરવાનો માર્ગ મોકળો કરશે.

Continue Reading

અપરાધ

નવસારીમાં ખનન માફિયાઓ પર ભૂસ્તર વિભાગની સર્જિકલ સ્ટ્રાઈક : અંબિકા નદીમાં ડ્રોનથી ગેરકાયદે રેતી ચોરી પકડી

Published

on

By

જિલ્લામાં પ્રથમવાર આધુનિક ટેકનોલોજીથી મેગા ઓપરેશન : 2.25 કરોડનો મુદ્દામાલ જપ્ત

નવસારી : નવસારી જિલ્લામાં કુદરતી સંપત્તિની લૂંટ ચલાવતા ખનન માફિયાઓ સામે ખાણ ખનીજ વિભાગે અત્યાર સુધીની સૌથી મોટી અને અભૂતપૂર્વ કાર્યવાહી કરી હતી. જિલ્લા કલેક્ટરના સીધા માર્ગદર્શન હેઠળ ભૂસ્તર વિભાગે નવસારીમાં પ્રથમ વખત ડ્રોન કેમેરા ટેકનોલોજીનો ઉપયોગ કરી અંબિકા નદીના પેટાળમાં ચાલતા કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે. ગણદેવી તાલુકાના બીલીમોરા સ્મશાન નજીકથી બાજની મદદથી ગેરકાયદે થતા રેતી ખનનને પકડી 2.25 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ખાણ ખનીજ વિભાગની સર્જિકલ સ્ટ્રાઇકથી ખનન માફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

બીલીમોરા સ્મશાન ભૂમિ પાછળથી ચાલતા કાળા કારોબાર પર ડ્રોનનું ‘હવાઈ સર્વેલન્સ’

નવસારી ભૂસ્તરશાસ્ત્રી પી. આર. ખાંભલાના માર્ગદર્શન હેઠળ ભૂસ્તરવિજ્ઞાન અને ખનિજ વિભાગની ક્ષેત્રીય ટીમ દ્વારા અંબિકા નદીપટ્ટમાં એક ગુપ્ત સર્ચ ઓપરેશન ગોઠવવામાં આવ્યું હતું. રોયલ્ટી ઇન્સ્પેક્ટર દિવ્યાંત શિરોયા, માઇન્સ સુપરવાઇઝર સંદીપ રાઉત અને સ્પેશિયલ ડ્રોન ટીમે ગણદેવી તાલુકાના બીલીમોરા ગામની સ્મશાન ભૂમિ પાછળથી પસાર થતી અંબિકા નદીના દુર્ગમ વિસ્તારમાં દરોડો પાડ્યો હતો. ટીમે આધુનિક ડ્રોન સર્વેલન્સની મદદથી નદીના પેટાળમાંથી યાંત્રિક બાજ (બોટ) વડે ચાલી રહેલા ગેરકાયદેસર રેતી ખનન પદ્ધતિને રંગેહાથ ઝડપી પાડીને માફિયાઓના મનસુબા પર પાણી ફેરવી દીધું હતું.

ગેરકાયદે ખનન કરનારા માફીયાઓ સામે ધોલાઈ મરીન પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ

આ હાઇ-ટેક દરોડા દરમિયાન ખાણ ખનીજ વિભાગની ટીમે સ્થળ પરથી ગેરકાયદેસર રેતી ખનનમાં વપરાતા 2 અત્યાધુનિક યાંત્રિક બાજ અને રેતીની હેરાફેરીમાં સંકળાયેલા 11 ટ્રકો મળીને કુલ 2.25 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સાથે જ જપ્ત કરાયેલા તમામ વાહનો અને સાધનોને આગળની કાનૂની કાર્યવાહી માટે ધોલાઈ મરીન પોલીસ સ્ટેશનના હવાલે કરી દેવામાં આવ્યા છે. તંત્ર દ્વારા કસૂરદારો સામે ‘ગુજરાત મિનરલ (પ્રિવેન્શન ઓફ ઇલ્લીગલ માઇનિંગ, ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ) રૂલ્સ 2017’ હેઠળ ગુનો નોંધાવી, ગેરકાયદે ખનન નેટવર્કના મૂળ સુધી પહોંચવાની કવાયત તેજ કરવામાં આવી છે.

Continue Reading
Advertisement

Trending