1 મહાનગર પાલિકા, 66 પાલિકા અને ત્રણ તાલુકા પંચાયતોની સામાન્ય ચુંટણી
નવસારી : ગુજરાત રાજ્ય ચુંટણી આયોગ દ્વારા લાંબા સમયથી અટકેલી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓનો કાર્યક્રમ આજે જાહેર કર્યો છે. જેમાં રાજ્યની 1 મહાનગર પાલિકા, 66 નગર પાલિકા અને 3 તાલુકા પંચાયતોની સામાન્ય ચુંટણી તેમજ અન્ય મહાનગર પાલિકાઓની 3, નગર પાલિકાઓની 21, જિલ્લા પંચાયતની 9 અને તાલુકા પંચાયતની 91 ખાલી પડેલી બેઠકો ઉપર પેટા ચુંટણી આગામી 16 ફેબ્રુઆરીનાં રોજ યોજાશે, જેનું પરિણામ 18 ફેબ્રુઆરીના રોજ જાહેર થશે.
27 જાન્યુઆરીએ જાહેરનામુ, 16 ફેબ્રુઆરીએ મતદાન, 18 ફેબ્રુઆરીએ પરિણામ
ગુજરાત રાજ્ય ચુંટણી આયોગ દ્વારા રાજ્યની વિવિધ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની સામાન્ય અને પેટા ચુંટણી આજે જાહેર કરી છે. ચુંટણી જાહેર થતા જ જેતે વિસ્તારોમાં આજથી આદર્શ આચાર સંહિતા લાગુ થઇ છે. જેની સાથે જ 27 જાન્યુઆરી, સોમવારે ચુંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થતાની સાથે ચુંટણી લડવા ઈચ્છુક ઉમેદવારો ઉમેદવારીપત્રો ભરી શકશે. 1 ફેબ્રુઆરી, શનિવાર ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ છે અને 3 ફેબ્રુઆરી, સોમવારે ઉમેદવારી પત્રોની ચકાસણી થશે. 4 ફેબ્રુઆરી, મંગળવારે ઉમેદવારીપત્રો પરત ખેંચવાની અંતિમ તારીખ છે. ત્યારબાદ 16 ફેબ્રુઆરી, રવિવારે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીના 11 કલાક સુધીમાં મતદાન યોજાશે. જો કોઈક જગ્યાએ ફરી મતદાન કરાવાની જરૂર જણાય, તો બીજા દિવસે 17 ફેબ્રુઆરી, સોમવારે ફરી મતદાન થશે. જયારે 18 ફેબ્રુઆરી, મંગળવારે મત ગણતરીની સાથે જ પરિણામ સ્પષ્ટ થશે.
70 સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની સમાન્ય ચુંટણી, 124 બેઠકો ઉપર પેટા ચુંટણી
1 જુનાગઢ મહાનગર પાલિકા સહિત કઠલાલ, કપડવંજ અને ગાંધીનગર તાલુકા પંચાયતની સામાન્ય ચુંટણી યોજાશે, જેમાં રાજ્યના 25 જિલ્લાની 66 નગર પાલિકાઓની પણ સામાન્ય ચુંટણી યોજાશે. જેમાં 1. અમદાવાદ જિલ્લાની બાવળા, સાણંદ અને ધંધુકા, 2. ગાંધીનગર જિલ્લાની માણસા, 3. ખેડા જિલ્લાની મહેમદાવાદ, ડાકોર, ચકલાસી, મહુધા, ખેડા, 4. આણંદ જિલ્લાની આંકલાવ, બીર્યાવી, ઓડ, 5. મહીસાગર જિલ્લાની લુણાવાડા, સંતરામપુર, બાલાસિનોર, 6. સાબરકાંઠા જીલ્લાની ખેડબ્રહ્મા, પ્રાંતિજ, તલોદ, 7. પાટણ જિલ્લાની હારીજ, ચાણસ્મા, રાધનપુર, 8. મહેસાણા જિલ્લાની ખેરાલુ, વડનગર, 9. વડોદરા જિલ્લાની કરજણ, 10. છોટા ઉદેપુર જિલ્લાની છોટા ઉદેપુર, 11. દાહોદ જિલ્લાની ઝાલોદ, દેવગઢ બારિયા, 12. પંચમહાલ જિલ્લાની કાલોલ, હાલોલ, 13. નવસારી જિલ્લાની બીલીમોરા, 14. વલસાડ જિલ્લાની વલસાડ, પારડી, ધરમપુર, 15. તાપી જિલ્લાની સોનગઢ, 16. જામનગર જિલ્લાની જામજોધપુર, ધ્રોલ, કાલાવાડ, 17. દેવભૂમિ દ્વારકા જિલ્લાની સલાયા, દ્વારકા, ભાણવડ, 18. જુનાગઢ જિલ્લાની બાંટવા, માણાવદર, માંગરોળ, વિસાવદર, વંથલી, ચોરવાડ, 19. ગીર સોમનાથ જિલ્લાની કોડીનાર, 20. કચ્છ જિલ્લાની રાપર, ભચાઉ, 21. અમરેલી જિલ્લાની લાઠી, જાફરાબાદ, રાજુલા, ચલાલા, 22. ભાવનગર જિલ્લાની શિહોર, ગારીયાધાર, તળાજા, 23. બોટાદ જિલ્લાની ગઢડા, 24. રાજકોટ જિલ્લાની જસદણ, જેતપુર-નવાગઢ, ધોરાજી, ભાયાવદર, ઉપલેટા, 25. મોરબી જિલ્લાની હળવદ, 26. સુરેન્દ્રનગર જિલ્લાની થાનગઢ અને 27. પોરબંદર જિલ્લાની કુતીયાણા તેજ રાણાવાવ નગર પાલિકાની સામાન્ય ચુંટણી યોજાશે.