નવસારીમાં ૩૪,૯૨૦ પેજ કમિટીઓ બનાવી, પોણા બે લાખ કાર્યકરો જોડ્યા
નવસારી : સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી જીતવા માટે ભાજપે પાટીલ નીતિ અમલમાં મુકી છે, જેમાં સમગ્ર રાજ્યમાં પેજ કમિટીઓ બનાવી, લાખો મતદારોને ભાજપ સાથે જોડવાનો પ્રયાસ હાથ ધરાયો છે. નવસારી જિલ્લાના ભાજપીઓએ પ્રથમ પેજ કમિટીઓ પૂર્ણ કરવા તરફ આગળ વધતા આજે પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલના હસ્તે ૫૦ પેજ પ્રમુખોને આઇ-કાર્ડ આપવામાં આવ્યા હતા. જયારે આવનારા સમયમાં જિલ્લામાં ૩૪,૯૨૦ પેજ પ્રમુખોને આઇ-કાર્ડ આપીને ભાજપ મતદારો સુધી પહોંચશે.
સ્થાનિક સ્વરાજની ચુંટણીઓ જીતવા પેજ કમિટીઓની કરાઇ રચના
નવસારીના સાંસદ સી. આર. પાટીલને ગુજરાત પ્રદેશ પ્રમુખની જવાબદારી સોંપાયા બાદ પાટીલે વિધાનસભાની ૧૮૨ બેઠકો સર કરવાની તૈયારી આરંભી છે, જેની પરિક્ષા સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં થશે. જેથી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને સર કરવા માટે માઇક્રો પ્લાનીંગ સાથે ભાજપ મેદાનમાં ઉતરી છે. ભાજપ પ્રમુખ સી. આર. પાટીલે સમગ્ર રાજ્યમાં પેજ કમિટીઓ બનાવી ૮૦ લાખ મતદારોને ભાજપના સમર્થક બનાવવાની કવાયદ છે. જેમાં ચુંટણી પૂર્વે જ પેજ કમિટીઓ બનાવી, તેના પ્રમુખોને ભાજપ આઇ-કાર્ડ પણ આપશે, નવસારી જિલ્લાના ૧૧૬૪ બુથો પર પેજ કમિટીઓ બનાવાઇ છે અને જેમાં નવસારીએ સમગ્ર રાજ્યમાં પ્રથમ પેજ કમિટીનું કામ પૂર્ણ કરતા, આજે નવસારીના સાંસદ અને પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલના હાથે ૫૦ પેજ પ્રમુખોને આઇ-કાર્ડ આપવામાં આવ્યા હતા.
નવસારીએ પ્રથમ પેજ કમિટીઓ પૂર્ણ કરી
નવસારીના બી. આર. ફાર્મ ખાતે આયોજિત કાર્યક્રમમાં પાટીલે કાર્યકર્તાઓએ સૌથી વહેલી પેજ કમિટીની કામીગીરી પૂર્ણ કરતા આનંદ સાથે અભિનંદન પાઠવ્યા હતા. પાટીલે જણાવ્યુ હતુ કે, નવસારીની પેજ કમિટીનું મોડલ સમગ્ર દેશમાં અપનાવવામાં આવશે. નવસારી જિલ્લામાં અંદાજે ૧૨૦૦ બુથો છે જેમાંથી ૧૦૦૦ બુથો પર પેજ કમિટીનું કાર્ય પૂર્ણ થયું છે, જયારે આગામી બે-ત્રણ દિવસોમાં બાકીનું કામ પણ પુરૂ થશે. પેજ કમિટી દ્વારા રાજ્યમાં ૮૦ લાખ મતદારોને જોડવાનો ટાર્ગેટ છે.
૧૧૬૪ બુથો પર ૩૪,૯૨૦ પેજ કમિટી
નવસારી જિલ્લા ભાજપ દ્વારા જિલ્લાની ૪ વિધાન સભા બેઠકોના ૧૧૬૪ બુથો પર પેજ કમિટીઓ બનાવી છે. જેમાં ૧ બુથ પર ૩૦ પેજ કમિટી, પ્રમાણે સમગ્ર જિલ્લામાં ૩૪,૯૨૦ કમિટીઓ બનાવવામાં આવી છે, જેના દ્વારા જિલ્લાના ૧,૭૪,૬૦૦ મતદાતાઓને ભાજપ સાથે સાંકળવામાં આવ્યા છે. તમામ પેજ કમિટીઓનાં ડેટા પણ ભાજાપે બનાવ્યા છે અને જેમાં ૪૦ હજારની યાદી બની છે અને ૨૫ હાજર પેજ પ્રમુખોના કાર્ડ પ્રિન્ટ થઇ ગયા છે, ત્યારે બાકીના કાર્ડ પણ થોડા દિવસોમાં પૂર્ણ થતા કાર્યકર્તાઓને આપવામાં આવશે.