અકસ્માતમાં 25 થી વધુ મુસાફરો ઘવાયા, એક મહિલા મુસાફરનાં નાકમાં થયુ ફેકચર
નવસારી : ચીખલી ફડવેલ માર્ગ પર આજે વહેલી સવારે પીપલખેડ જઈ રહેલી એસટીની મીની બસ અને ઉમરકુઈથી વલસાડ જઈ રહેલી એસટી બસ ખુડવેલ ગામ નજીકના વળાંકમાં સામસામે ધડાકાભેર અથડતા મીની બસનો ચાલક ગંભીર રીતે ઘવાયો હતો, જયારે બંને બસમાં સવાર 25 થી વધુ મુસાફરો પણ ઈજાગ્રસ્ત થતા એમને એમ્બ્યુલન્સ મારફતે ચીખલી રેફરલ હોસ્પિટલ અને આલીપોર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન બસ ચાલકનું કરૂણ મોત નીપજ્યુ હતું. જયારે અન્ય એક મહિલા મુસાફરને નાકમાં ફેકચર જણાતા વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવી હતી. અકસ્માતની જાણ થતા ઘટના સ્થળે પહોંચેલી ચીખલી પોલીસે બંને બસોને રસ્તાની કિનારે ખસાવડાવી ટ્રાફિક હળવો કરાવ્યો હતો. સાથે જ મૃતક બસ ચાલકના મૃતદેહનું પોસ્ટ મોર્ટમ કરાવી તપાસને વેગ આપ્યો છે.
મીની બસના ચાલકને મહામેહનતે બહાર કઢાયો, પણ સારવાર દરમિયાન થયુ મોત

આજે વહેલી સવારે 6 વાગ્યા આસપાસ ચીખલી ફડવેલ માર્ગ પરથી પસાર થઇ રહેલી બીલીમોરાથી પીપલખેડ જતી એસટીની મીની બસ ખુડવેલ ગામના વળાંક પાસે પહોંચી, ત્યાં સામેથી આવતી ઉમરકુઇ વલસાડ એસટી બસ સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત એટલો તો ભયાનક હતો, કે મીની બસની ચાલકની કેબીન ચગદાઈ ગઈ હતી. જેમાં ચાલક વિજય આહીર ગંભીર રીતે ફસાયો હતો અને એના પગ ફેકચર થયા હતા. અકસ્માતને પગલે દોડી આવેલા ગ્રામજનો અને રાહદારીઓએ તાત્કાલિક બસમાં બેઠેલા મુસાફરોને બહાર ઉતાર્યા હતા અને 108 એમ્બ્યુલન્સ બોલાવી મુસાફરોને ચીખલી રેફરલ હોસ્પિટલ અને આલીપોર હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડ્યા હતા. જયારે બસમાં ફસાયેલા ચાલક વિજયને કાઢવાના પ્રયાસો નિષ્ફળ જતા ટ્રેક્ટર બોલાવી, તેના દ્વારા કેબીનને ખેંચીને ચાલક વિજયને બહાર કાઢી હોસ્પિટલ મોકલ્યો હતો. પરંતુ સારવાર દરમિયાન ચાલક વિજય આહીરનું કરૂણ મોત નીપજ્યું હતું. જયારે ઘાયલોમાં એક મહિલાને નાકમાં ફેકચર જણાતા વધુ સારવાર અર્થે વલસાડ સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવી હતી. બીજી તરફ ઘટનાની જાણ થતા ચીખલી પોલીસ પણ ખુડવેલ ઘટના સ્થળે પહોંચી હતી અને અકસ્માતમાં ખુરદો બોલી ગયેલી બંને બસોને રસ્તાની કિનારે ખસેડાવી ટ્રાફિક હળવો કરાવ્યો હતો. સાથે જ મૃતક બસ ચાલકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી ચીખલી પોલીસના ચોપડે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસને વેગ આપ્યો છે.
ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલે ઘાયલ મુસાફરોની યોગ્ય સારવારની આપી સુચના

ખુડવેલ ગામે બે એસટી બસો વચ્ચે થયેલા અક્સ્માતની જાણ થતા જ ગણદેવીના ધારાસભ્ય નેરેશ પટેલે ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. સાથે જ ચીખલી હોસ્પિટલમાં પણ ઘાયલ મુસાફરોની મુલાકાત લઇ, તેમની સ્થિતિ જાણી હતી. સાથે જ હોસ્પિટલના તબીબોને ઘાયલ મુસાફરોને યોગ્ય સારવાર મળી રહે એ માટે જરૂરી સૂચનાઓ આપી હતી.
ખુડવેલ ગામના વળાંક પર આમલીનું ઝાડ નોતરી રહ્યું છે અકસ્માત

ચીખલી ફડવેલ માર્ગ પર ખુડવેલ ગામ પાસેના વળાંક પાસે આજે સવારે થયેલા અકસ્માતનું કારણ સ્થાનિક આગેવાનો વળાંક પાસેના આમલીના ઝાડને ગણી રહ્યા છે. વર્ષોથી સ્થાનિકો દ્વારા રસ્તામાં નડતરરૂપ આમલીના ઝાડને હટાવવા માટે ચીખલી વન વિભાગને રજૂઆતો થઇ રહી છે. પરંતુ વન વિભાગની મંજૂરીના અભાવે અકસ્માત નોતરી રહ્યું છે. ગામના આગેવાન ઉમેશ પટેલના જણાવ્યા અનુસાર રસ્તામાં આવેલ આમલીનું ઝાડને કારણે અકસ્માત થયો હોવાનું અનુમાન છે. અગાઉ પણ આજ સ્થળે ઝાડને કારણે અનેક અકસ્માતો થયા છે. જેથી વધેલી તકે આ ઝાડને હટાવવામાં આવે, તો અકસ્માતો અટકશે.
ઉમરકુઈ વલસાડ બસમાં સ્ટીયરીંગ અને બ્રેકમાં ખામી હોવાની વાત..!!
ખુડવેલ ગામે બે એસટી બસો વચ્ચે થયેલા અકસ્માતમાં બચી ગયેલા ઉમરકુઇ વલસાડ બસના ચાલક હિતેશ આહિરના જણાવ્યા પ્રમાણે બસના સ્ટીયરીંગ અને બ્રેકમાં ખામી હતી. જેના કારણે અકસ્માત સર્જાયો હતો. જોકે એસટી વિભાગ દ્વારા પણ અકસ્માત કેવી રીતે થયો, કઈ બસના ચાલકની ભુલથી અકસ્માત થયો એની તપાસ કરવામાં આવી રહી છે. વલસાડ વિભાગના નાયબ મીકેનીકલ એન્જીનિયર ભાવેશ પટેલે જણાવ્યુ કે, બસને વ્યવસ્થિત ચેક કર્યા બાદ જ ટ્રીપ માટે મોકલાતી હોય છે, જોકે ચાલક હિતેશ આહીરે સ્ટીયરીંગ અને બ્રેકમાં ખામીની વાત કરી છે, જેની તપાસ હાલ ચાલી રહી છે, બંને બસ સામસામે અથડાતા ચાલક વિજય આહીરનું અવસાન થયુ છે. ખુડવેલનો વળાંક ખુબ જ શાર્પ હોવાને કારણે અને રસ્તામાં નડતરરૂપ ઝાડ હોવાની પણ વાત છે, ત્યારે તપાસ બાદ જ ખરી હકીકત જાણી શકાશે.
સરકાર મૃતક બસ ચાલકને 4 લાખ અને ઘાયલોને 2 લાખની સહાય ચુકવે – અનંત પટેલ

ખુડવેલ ગામે બે બસ વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં સારવાર લઇ રહેલા મુસાફરોને મળવા વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ પણ પહોંચ્યા હતા. અનંત પટેલે ઘાયલોને તેમના તબિયત પૂછી હતી. સાથે જ જે મુસાફરોને માથામાં વાગ્યું હતું, એમને સીટી સ્કેન પણ કરાવી લેવા હોસ્પિટલના તબીબોને સૂચન કર્યું હતું. સાથે જ એક વૃદ્ધને પાંસળીમાં પણ દર્દ હોવાનું જાણતા તેમને પણ યોગ્ય સારવાર આપવા ડોક્ટરને જણાવ્યું હતું. જયારે અકસ્માતમાં મૃત્યુ પામેલા બસ ચાલક વિજય આહીરના પરિવારજનોને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી 4 લાખ રૂપિયા અને ઘાયલોને 2 લાખ રૂપિયાની સહાય આપવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર પણ લખ્યો છે. ધારાસભ્ય પટેલે રસ્તામાં નડતર રૂપ આમલીના ઝાડને હટાવવા વન વિભાગના અધિકારીને પણ સૂચન કર્યું હતું.