નવસારીના અમલસાડી ચીકુ અને વલસાડી હાફૂસનો GI ટેગ ટૂક સમયમાં મળવાની સંભાવના
નવસારી : નવસારી સહિત દક્ષિણ ગુજરાતમાં ઘણી ખેત પેદાશો છે, જે એના વિસ્તાર તેમજ લાક્ષણિકતાઓથી ઓળખાય છે. પરંતુ એના માટે જરૂરી એવો GI ટેગ મેળવવામાં નથી આવ્યો. જેને કારણે ખેડૂતોને આર્થિક સાથે અન્ય નુકશાની વેઠવા પડે છે. ત્યારે નવસારી કૃષિ યુનીવર્સીટીના કર્મચારીઓ, સહકારી મંડળીના આગેવાનો તેમજ ખેડૂતો માટે IPR, GI ટેગ અને પેટન્ટ કેવી રીતે મેળવવા અને એના માટે શું ધ્યાનમાં રાખવું સહિતની માહિતી સાથે વિસ્તૃત પરિસંવાદ યોજવામાં આવ્યો હતો.
નવસારી કૃષિ યુનીવર્સીટી પાસે ફક્ત 2 જ પેટન્ટ, 12 પેટન્ટ માટે આવેદન કરાયા


નવસારી કૃષિ યુનીવર્સીટીના બાગાયત વિભાગ દ્વારા બદલાતા જમાનામાં ખેત ઉત્પાદનોને ઓળખ અપાવવા પ્રયાસો થઇ રહ્યા છે. જેમાં યુનીવર્સીટીના રીસર્ચ વિદ્યાર્થીઓ, વૈજ્ઞાનિકો, કર્મચારીઓ તેમજ સહકારી ક્ષેત્રના આગેવાનો અને ખેડૂતોને ખેત ઉત્પાદનોને વિસ્તાર અનુસાર કેવી રીતે આગવી ઓળખ આપી શકાય એના વિશેને માહિતી આપવા IRP, GI અને પેટન્ટ મેળવવા માટેના વિષય નિષ્ણાત એડવોકેટ સમીક્ષા દભાડેનો એક દિવસીય પરિસંવાદ યોજાયો હતો. જેમાં સભારંભના પ્રમુખ ડો. ઝીણા પટેલ તેમજ સંશોધન નિયામક ડૉ. વિકાસ નાયકે દક્ષિણ ગુજરાતના ખેડૂતો સહિત કૃષિ યુનીવર્સીટીના પ્રયાસો પછી પણ GI ટેગ અને પેટન્ટ મેળવવામાં યુનીવર્સીટી પાછળ રહી હોવાનું સ્વિકાર્યું હતું. સાથે જ આટલા વર્ષોમાં યુનીવર્સીટીના વૈજ્ઞાનિકો પોતાની શોધના ફક્ત 2 જ પેટન્ટ કરાવી શક્યા છે. જયારે 12 શોધ માટે પેટન્ટ માટે આવેદન કરવામાં આવ્યા છે. જેમાં યુનીવર્સીટી અને સહકારી મંડળીઓના સહિયારા પ્રયાસોથી અમલસાડી ચીકૂ અને વલસાડી હાફૂસનો GI ટેગ મેળવવાનો પ્રયાસ થયો અને એમાં સફળતા મળતી જણાય છે, આગામી 2 મહિનામાં બંને ખેત પેદાશો માટે GI ટેગ મળી જવાની સંભાવના સેવાઈ રહી છે.

યુનીવર્સીટી ખેડૂતોના સાથે મળી ખેત ઉત્પાદનોને ઓળખ અપવવા કરશે પ્રયાસ !!
નવસારી કેસરને મોટે ઉપાડે ઓળખ આપાવવાના પ્રયાસો ઉપર પાણી ફરી વળ્યા બાદ કૃષિ યુનીવર્સીટી દ્વારા કેસર ગુણવત્તામાં હજી પણ પાછળ રહેતી હોવાનું અનુમાન આંકવામાં આવ્યું છે. ઉલ્લેખનિય છે કે, કૃષિ યુનીવર્સીટી દ્વારા વર્ષ 2002 માં કેરીમાં સોનપરી જાત વિકસાવવામાં આવી હતી, જે તેના સ્વર્ણ રંગ, આકાર અને સ્વાદને કારણે ખાસ્સી પ્રચલિત થઇ અને ખેડૂતોએ સોનપરીની કલમો પણ રોપી ફાલ લેવાનો પણ શરૂ કર્યો છે. પણ નાં તો એનું GI ટેગિંગ થયું કે ના પેટન્ટ મેળવાયું, હવે 10 વર્ષો ઉપર વિતતા એની નોંધણી પણ થઇ શકે એમ નથી. જેથી યુનીવર્સીટી તેમજ ખેડૂતો સહિયારા પ્રયાસથી લોકોમાં જાણિતા ખેત ઉત્પાદનોને ઓળખ મળે એવા પ્રયાસો કરે એ જરૂરી છે.

નવસારી કેસરમાં કોઈ ખાસિયત નથી, પણ અમલસાડી ચીકુનો GI ટેગ જલ્દી મળશે – ઉપકુલપતિ
ઇન્ટલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઈટ્સ અને GI ટેગ બંને ખેડૂતોને સીધી રીતે સ્પર્શતા છે. ખેડૂતોના ઉત્પાદનની નામના હોય, કોઈ ખાસિયત હોય, તો એ પ્રમાણે એમને મુલ્ય પણ મળવું જોઈએ. એકથી દોઢ વર્ષ અગાઉ યુનીવર્સીટી દ્વારા સહકારી આગેવાનોને સાથે રાખીને અમલસાડી ચીકુ અને વલસાડી હાફૂસના GI ટેગ મેળવવા માટેના પ્રયાસો હાથ ધર્યા છે. જેના માટે સંશોધન અને મંડળીઓના ડેટા દિલ્હી ખાતે રજૂ થઇ પણ ગયા છે. જેથી ટૂક સમયમાં અમલસાડી ચીકુ અને વલસાડી હાફૂસનાં ટેગ મળી જશે. જયારે નવસારી કેસરની કોઈ આગવી ખાસિયત નથી. જેથી જુદી તરી આવે એવી કોઈ ખાસિયત નથી, જેથી ટેગ મેળવવા માટે પ્રયત્ન નથી કર્યો.
ડૉ. ઝેડ. પી. પટેલ, ઉપકુલપતિ, નવસારી કૃષિ યુનીવર્સીટી