વિદેશી દારૂનો જથ્થો વાપી ખાતે રહેતા મુળ રાજસ્થાનીએ ભરાવી આપ્યો હતો
નવસારી : 31 ડીસેમ્બર નજીક આવતા જ નવસારીમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂની હેરાફેરી થવા માંડી છે, જેમાં વર્ષના અંતિમ દિવસની નશીલી પાર્ટી રોકવા માટે જિલ્લા પોલીસ પણ સતર્ક થઇ છે. જેમાં નવસારી LCB પોલીસને ગત રાતે સફળતા મળી અને 17.67 લાખ રૂપિયાના વિદેશી દારૂ ભરેલ ટેમ્પો સાથે એક રાજસ્થાનીને પકડી પાડ્યો હતો. જયારે વિદેશી દારૂ ભરાવનાર વાપીના અને મુળ રાજસ્થાનીને વોન્ટેડ જાહેર કર્યો છે.
બોપ ફિલ્મના રોલની આડમાં લાખોનો વિદેશી દારૂ સુરત લઇ જવાતો હતો
મળતી માહિતી અનુસાર, વર્ષનો અંતિમ દિવસ નજીક છે અને લોકો થર્ટી ફર્સ્ટ ઉજવવાના પ્લાનિંગમાં પડ્યા છે. જેમાં નશીલી પાર્ટી કરનારા મોંઘી વિદેશી દારૂ મેળવવાના પ્રયાસો કરે છે, જ્યારે બુટલેગરો પણ થર્ટી ફર્સ્ટની પાર્ટીમાં અંગ્રેજી બ્રાંડની દારૂ પહોંચાડવાની વ્યવસ્થામાં પડ્યા છે. નવસારી જિલ્લાના હાઈવે અને આંતરિક માર્ગો તથા હવે તો દરિયાઈ માર્ગે પણ વિદેશી દારૂની મોટા પ્રમાણમાં હેરાફેરી થાય છે. પરંતુ બુટલેગરોની ગણતરીને નવસારી જિલ્લા પોલીસ પણ ખોટી પાડવા માટે સતર્ક બની છે. જેમાં ગત રોજ મોડી રાતે નવસારી લોકલ ક્રાઈમના HC યુવરાજસિંહ જુવાનસિંહ અને HC વિપુલ નાનુને સંયુક્ત રીતે બાતમી મળી હતી કે, વલસાડ તરફથી એક ટેમ્પોમાં વિદેશી દારૂનો જથ્થો સુરત તરફ જનાર છે. જેને આધારે પોલીસે નેશનલ હાઈવે નં. 48 પર ફિલ્ડીંગ ગોઠવી હતી. દરમિયાન હાઈવે પર બુલેટ ટ્રેનના બ્રીજની કામગીરી ચાલી રહી છે, તેની નજીક બાતમીવાળા ટેમ્પાને ઘેરીને ટેમ્પો અટકાવ્યો હતો. પોલીસે ટેમ્પોમાં તપાસ કરતા તેમાં આગળના ભાગમાં બોપ ફિલ્મ રોલ્સ ભર્યા હતા. પરતું તેની પાછળ પૂઠાના 378 બોક્ષમાંથી રમ, વોડકા, વ્હીસ્કી અને બીયરની બોટલો અને ટીન મળીને કુલ 17,67,600 રૂપિયાની કુલ 16,452 બોટલો મળી આવી હતી. જેથી પોલીસે ટેમ્પો ચાલક અને રાજસ્થાનના બાડમેર જિલ્લાના ગોરા ગામમાં રહેતા 27 વર્ષીય રાજુરામ રામલાલ બિશ્નોઈની ધરપકડ કરી હતી. રાજુની પૂછપરછમાં વિદેશી દારૂનો જથ્થો વલસાડ જિલ્લાના વાપી ખાતે રહેતા અને મુળ રાજસ્થાની બુટલેગર રમેશ ચૌધરીએ ભરવી આપ્યો હતો. જેને સુરતના પલસાણા હાઈવે પર સ્થિત દ્વારકાધીશ હોટલ પર પહોંચી રમેશ ચૌધરીને ફોન કર્યા બાદ તેના માણસને આપવાનો હતો. જેથી પોલીસે રમેશ અને અજાણ્યાને વોન્ટેડ જાહેર કર્યા છે. સાથે જ પોલીસે ઘટના સ્થળેથી વિદેશી દારૂ સહિત 10 લાખ રૂપિયાનો ટેમ્પો, રોકડ અને મોબાઈલ ફોન મળીને કુલ 27.73 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી નવસારી ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાવી તપાસને વેગ આપ્યો છે.
નવસારી : નેશનલ હાઈવે નં. 48 પર નવસારીના બોરીયાચ ટોલનાકા પાસેથી નવસારી ગ્રામ્ય પોલીસે બાતમીને આધારે 6.23 લાખ રૂપિયાનો વિદેશી દારૂ ભરેલ ટેમ્પો સાથે ચાલકની ધરપકડ કરી હતી. જયારે એકને વોન્ટેડ જાહેર કરીને તપાસને વેગ આપ્યો છે.
પોલીસે ઘટના સ્થળેથી 16.28 લાખનો મુદ્દામાલ કર્યો કબ્જે
મળતી માહિતી અનુસાર, નવસારી જિલ્લામાંથી રોજના લાખોના વિદેશી દારૂની હેરાફેરી થાય છે. ત્યારે નવસારી ગ્રામ્ય પોલીસના HC નજુ જીલુ અને HC અજય રમેશને ખાનગી રાહે બાતમી મળી હતી કે, એક કથ્થાઈ રંગના ટેમ્પોમાં વિદેશી દારૂનો જથ્થો દમણથી વાપી, વલસાડથી નેશનલ હાઈવે પર નવસારી થઇને આગળ સુરત તરફ જનાર છે. જેને આધારે ગ્રામ્ય પોલીસની ટીમે નેશનલ હાઈવે નં. 48 પર નવસારીના બોરીયાચ ટોલનાકા પાસે ફિલ્ડીંગ ગોઠવી હતી. દરમિયાન બાતમીવાળો ટેમ્પો આવતા પોલીસે તેને અટકાવી તપાસ કરતા, ટેમ્પોમાં આગળના ભાગે દોરા ધાગાનાં બોબીનનાં બોક્ષની પાછળ વિદેશી દારૂનો જથ્થો ભર્યો હતો. જેમાં 6,23,760 રૂપિયાની વ્હીસ્કી બીયરની કુલ 2136 બાટલીઓ મળી આવી હતી. જેથી પોલીસે ટેમ્પો ચાલક અને મહારાષ્ટ્રના નાશિક જિલ્લાના નિફાડ તાલુકાના પીમપ્લસ રામાયે ગામના આનંદનગરમાં રહેતા 31 વર્ષીય કાનીફનાથ પુરીની ધરપકડ કરી હતી. જેની પૂછપરછમાં વિદેશી દારૂનો જથ્થો અશ્વિન નામના વ્યક્તિએ ભરાવી આપ્યો હતો, જેથી પોલીસે અશ્વિનને વોન્ટેડ જાહેર કર્યો હતો. જયારે ઘટના સ્થળેથી વિદેશી દારૂ સાથે 10 લાખ રૂપિયાનો ટેમ્પો અને 5 હજાર રૂપિયાના મોબાઈલ ફોન સાથે કુલ 16.28 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી, નવસારી ગ્રામ્ય પોલીસ મથકમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસને વેગ આપ્યો છે.
પોલીસે સેલવાસના રમેશ અને દારૂ મંગાવનારને વોન્ટેડ જાહેર કર્યા
નવસારી : નેશનલ હાઈવે નં. 48 પર નવસારીના બોરીયાચ ટોલનાકા પાસેથી નવસારી LCB પોલીસે બાતમીને આધારે 4.07 લાખના વિદેશી દારૂ ભરેલા પીકઅપ ટેમ્પો સાથે ચાલકની ધરપકડ કરી હતી. જયારે દારૂ ભરાવનાર સેલવાસના રમેશ અને દારૂ મંગાવનાર અજાણ્યાને વોન્ટેડ જાહેર કર્યા હતા.
LCB પોલીસે ઘટના સ્થળેથી 9.16 લાખનો મુદ્દામાલ કર્યો કબ્જે
મળતી માહિતી અનુસાર, નવસારી લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમ નેશનલ હાઈવે નં. 48 પર પેટ્રોલિંગમાં હતી. દરમિયાન LCB ના HC નયન હનુભા અને HC દિગ્વિજયસિંહ રવજીભાઇની સંયુક્ત બાતમી હતી કે, એક પીકઅપ ટેમ્પોમાં વિદેશી દારૂનો જથ્થો સુરત તરફ જઈ રહ્યો છે. જેથી પોલીસે હાઈવે પર નવસારીના બોરીયાચ ટોલનાકા પાસે વોચ ગોઠવી હતી. ત્યારે જ બાતમીવાળો ટેમ્પો આવતા પોલીસે તેને અટકાવી, તપાસ કરતા ટેમ્પોમાં 35 પૂઠાનાં બોક્ષમાંથી 4,06,800 રૂપિયાની વ્હીસ્કી અને બીયરની 972 બોટલો મળી આવી હતી. જેથી પોલીસે ટેમ્પો ચાલક અને સેલવાસના આમલી ગામે રહેતા અને મુળ ઉત્તરપ્રદેશના રાજારામ બનવારી હરીજનની ધરપકડ કરી હતી. જયારે તેની પૂછપરછમાં દારૂનો જથ્થો સેલવાસના રમેશે ભરાવી આપ્યો હતો, જયારે તેને અજાણ્યાને પહોચાડવાનો હતો. જેથી પોલીસે બંનેને વોન્ટેડ જાહેર કરી, નવસારી ગ્રામ્ય પોલીસ મથકે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ આરંભી છે. ઉલ્લેખનિય છે કે, પોલીસે ઘટના સ્થળેથી વિદેશી દારૂ, ટેમ્પો અને મોબાઈલ ફોન મળી કુલ 9.16 લાખ રૂપિયાનો મુદ્દામાલ ક્બ્જે કર્યો હતો.