RESCO થકી 2.73 કરોડના ખર્ચે 700 કિલો વોટનો સોલાર રૂફ ટોપ પ્લાન્ટ લગાવાયો
નવસારી : વીજળી બચાવવા મારે હવે કુદરતી ઉર્જાના સ્ત્રોત ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે, જેમાં સૌર ઉર્જા થકી વીજળી ઉત્પાદન અને તેનો ઉપયોગ સામાન્ય થતુ જાય છે. ત્યારે ભારત સરકારના મહત્વાકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત અમદાવાદ ખાતે તૈયાર થયેલા સાબરમતી મલ્ટી ટ્રાન્ઝીટ હબ બિલ્ડીંગ (રેલ્વે સ્ટેશન) માં વીજળી મેળવવા 2.73 કરોડ રૂપિયાના ખર્ચે ગુજરાતમાં પ્રથમવાર રીન્યુએબલ એનર્જી સર્વિસ કંપની (RESCO) દ્વારા સોલાર રૂફ ટોપ પ્લાન્ટ લગાવવામાં આવ્યો છે.
સોલાર રૂફ ટોપ પ્લાન્ટ થકી દર વર્ષે 10 લાખ યુનિટ વીજળી ઉત્પન્ન થવાની આશા.!!

ભારત સરકાર દ્વારા દેશમાં પ્રથમ બુલેટ ટ્રેન અમદાવાદથી મુંબઈ સુધી દોડાવવાની તૈયારી છે. જે પ્રોજેક્ટ અનેક બાધાઓ બાદ બુલેટ ગતિએ દોડી રહ્યો છે. જેમાં રેલ્વે ટ્રેક સાથે સાથે રેલ્વે સ્ટેશનો પણ તૈયાર થઇ રહ્યા છે. અમદાવાદ ખાતે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત પ્રથમ રેલ્વે સ્ટેશન એટલે કે સાબરમતી મલ્ટી મોડલ ટ્રાન્ઝીટ હબ બિલ્ડીંગ પૂર્ણતાને આરે છે. ત્યારે સમગ્ર બિલ્ડીંગની વીજળીની જરૂરીયાતને ધ્યાને રાખવા સાથે જ ગ્રીન એનર્જીને અપનાવી નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન કંપની દ્વારા ગુજરાતમાં પ્રથમવાર રીન્યુએબલ એનર્જી સર્વિસ કંપની (RESCO) થકી 2.73 કરોડ રૂપિયાના ખર્ચે 700 કિલો વોટની ક્ષમતા ધરાવતો સોલાર રૂફ ટોપ પ્લાન્ટ નાંખવામાં આવ્યો છે. RESCO થકી લગાવવામાં આવેલ સોલાર રૂફ ટોપ પ્લાન્ટને કારણે કંપનીને આવનારા 25 વર્ષો પ્લાન્ટની જાળવણી ખર્ચ કરવાની ચિંતા પણ ટળી છે. સમગ્ર પ્રોજેક્ટને મળનારી વીજળીનો દર પણ આગામી 25 વર્ષો સુધી પ્રતિ યુનિટ 3.9 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે, જે હાલના DISCOM દર પ્રતિ યુનિટ 11 રૂપિયા કરતા ઘણો નીચો છે. સાથે જ સોલાર રૂફ ટોપ થકી દર વર્ષે 10 લાખ યુનિટ વીજળી ઉત્પન્ન થવાની આશા છે.
RESCO મોડલ હેઠળ નેટ મીટરીંગ માટે મંજૂરી મેળવનારી પ્રથમ કંપની
સાબરમતી હબમાં RESCO મોડ હેઠળ સોલાર રૂફ ટોપ પ્લાન્ટ લગાવીને નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશને દૂરદર્શિતા વાપરીને એક પણ રૂપિયો ખર્ચ કર્યા વિના 25 વર્ષો માટે જરૂરી વીજળી તો મેળવી જ છે. પરંતુ RESCO મોડ હેઠળ નેટ મીટરીંગ માટે મંજૂરી મેળવનારી પ્રથમ કંપની પણ બની છે. સાથે જ કંપનીએ ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી (GEDA) માં નોંધણી પણ કરાવી છે.
સાબરમતી હબમાં એક જગ્યાએ જ અનેક ટ્રાન્સપોર્ટ સુવિધાઓનું જોડાણ
અમદાવાદ ખાતે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત તૈયાર થયેલ સાબરમતી મલ્ટી મોડલ ટ્રાન્ઝીટ હબ બિલ્ડીંગમાં એક જગ્યાએ અનેક ટ્રાન્સપોર્ટ સુવિધાઓ મળી રેહશે. સાબરમતી હબમાં બુલેટ ટ્રેનના સ્ટેશન સાથે જ અન્ય ટ્રેન, મેટ્રો, બીઆરટી, રાજ્ય પરિવહનની બસ, ટેક્સી જેવી અનેક ટ્રાન્સપોર્ટ સુવિધાઓનું જોડાણ મળતા મુસાફરોને ઘણી રાહત મળશે. NHSRCL દ્વારા સાબરમતી હબમાં સૌર ઉર્જા થકી વીજળી માટે RESCO મોડના ઉપયોગને પ્રોજેક્ટ અંતર્ગત આવનારા અન્ય રેલ્વે સ્ટેશનો, ઇમારતો, ડેપો અને શેડમાં પણ સૌર ઉર્જાનો ઉપયોગ થશે. જે અન્ય સસ્થાઓને પણ પર્યાવરણને અનુકુળ ટેકનોલોજીનો ઉપયોગ કરવા પ્રેરિત કરશે.
શું છે RESCO મોડલ..?
વર્તમાન સમયમાં વીજળીથી ચાલતા ઉપકરણો વધવા સાથે જ કંપની, દુકાનો અને ઘરોમાં વીજળીનો ઉપયોગ વધ્યો છે. ત્યારે વીજળી માટે પુન:પ્રાપ્ય ઉર્જા ઉપર ધ્યાન વધ્યું છે, જેમાં પણ સૌર ઉર્જા થકી વીજ ઉત્પાદન કરવા ઓલર રૂફ ટોપ પ્લાન્ટની માંગ પણ વધી છે. સોલાર પ્લાન્ટ થકી ઉત્પન્ન થતી વીજળી, ઘર, કંપની કે દુકાનની વીજળી ફ્રી કરી આપે છે, સાથે જ બચતી વીજળીના વેચાણ થકી રૂપિયા પણ રળી આપે છે. પરંતુ એનો ખર્ચ વધુ હોવાથી ઘણા લોકો સોલાર પ્લાન્ટ લગાવી નથી શકતા. ત્યારે રીન્યુએબલ એનર્જી સર્વિસ કંપની (RESCO) દ્વારા તમારા ઘર, કંપની કે દુકાનની ઈમારત પર કંપનીના ખર્ચે સોલાર પ્લાન્ટ લગાવી આપે છે, સાથે જ એની જાળવણી તેમજ જરૂર પડ્યે સમારકામ પણ કંપની જ કરશે. હવે સોલાર પેનલ થકી ઉત્પન્ન થતી વીજળી કંપની તમને રાહત દરે આપશે અને બાકીની વીજળી ગ્રીડને વેચશે. જેથી વગર રોકાણે અને ઓછા ખર્ચે વીજળી મળતી થશે, જે વીજ કંપની દ્વારા મળતી વીજળીના ખર્ચ કરતા ઓછો હશે.