MT 5 ટનલ બંને બાજુથી ખોદાણ કરી, 18 મહિનામાં થઇ પૂર્ણ
નવસારી : ભારત સરકારનો મહત્વાકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ઝડપ સાથે નવા કીર્તિમાન સ્થાપી રહ્યો છે. પ્રોજેક્ટ અંતર્ગત 7 ટનલ બની રહી છે, જેમાં મહારાષ્ટ્રના પાલઘરનાં સફાલે ખાતેની પર્વતીય ટનલ પૂર્ણ થતા રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની ઝડપી કાર્યપદ્ધતિના વખાણ કરવા સાથે મધ્યમ વર્ગને સસ્તી મુસાફરી પુરી પાડશેની આશા વ્યક્ત કરી છે.
અત્યાધુનિક ડ્રિલ અને બ્લાસ્ટ પદ્ધતિથી તૈયાર થઇ ટનલ

ભારત સરકાર દ્વારા દેશમાં પ્રથમ બુલેટ ટ્રેન ગુજરાતના અમદાવાદથી મહારાષ્ટ્રના મુંબઈ સુધી દોડાવવાનું આયોજન કરી, શરૂ કરેલા બુલેટ ટ્રેન પ્રોજેક્ટની ઝડપ પણ વધી છે. ગુજરાતમાં ટ્રેકનાં કામ સાથે નદીઓ, હાઈવે પરના પુલ સહિત રેલ્વે સ્ટેશનો પણ તૈયાર થવાને આરે છે. જયારે મહારાષ્ટ્રમાં પણ મહત્વના માઈલસ્ટોન મેળવી રહ્યો છે. જેમાં મહારાષ્ટ્રના પાલઘરના સફાલે નજીક પર્વતને કોરીને બુલેટ ટ્રેન માટે ટનલ બનાવવાનું કામ પૂર્ણ થયુ છે. MT – 5 ટનલ બનાવવા પર્વતને બંને બાજુથી ખોદવામાં આવ્યો હતો. ટનલના ખોદાણ માટે અત્યાધુનિક ડ્રિલ અને બ્લાસ્ટ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ખોદાણ દરમિયાન જમીનની સ્થિતિનું વાસ્તવિક નિરીક્ષણ કરવા સાથે વાસ્તવિક સ્થળ સ્થિતિને આધારે શોટ ક્રિટ, રોક બોલ્ટ અને જાળીના ગર્ડર માટેની સપોર્ટ સીસ્ટમ મુકવામાં મદદરૂપ થાય છે. ટનલના નિર્માણ વખતે વેન્ટીલેશન, આગની ઘટનાને નિવારવાના પગલા અને યોગ્ય રીતે બહાર નીકળવા સાથે તમામ સલામતીના માનકોનું કડક પાલન કરવામાં આવ્યું હતું.
508 કિમી લાંબા બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં 27.4 કિમી લંબાઈની ટનલ
અમદાવાદ મુંબઈ હાઈ સ્પીડ રેલ MAHSR પ્રોજેક્ટની કુલ લંબાઈ 508 કિમી છે. જેમાં ટનલની કુલ લંબાઈ 27.4 કિમી છે. જેમાંથી 21 કિમી ભુગર્ભ ટનલ અને 6.4 કિમી સપાટીની ટનલ છે. 8 પર્વતીય ટનલમાંથી મહારાષ્ટ્રની 7 ટનલની લંબાઈ 6.05 કિમી છે અને ગુજરાતની એક ટનલ 350 મીટર લાંબી છે. મહારાષ્ટ્રની 7 ટનલના કાર્યરત કામમાં 820 મીટર લાંબી MT-1 ટનલનું કામ 15 ટકા, 228 મીટર લાંબી MT-2 ટનલનું કામ હાલ શરૂ થયુ છે. 1403 મીટર લાંબી MT-3 ટનલનું કામ 35.5 ટકા, 1260 મીટર લાંબી MT-4 ટનલનું કામ 31 ટકા પૂર્ણ થયુ છે. જયારે MT-5 ટનલ પર્વતીય ટનલોમાં સૌથી લાંબી છે અને 1480 મીટર એટલે દોઢ કિમી ટનલ પૂર્ણ થઇ છે. સાથે જ 454 મીટર લાંબી MT-6 ટનલનું કામ 35 ટકા તેમજ 417 મીટર લાંબી MT-7 ટનલનું કામ 28 ટકા પુરૂ થયુ છે.
ભારતના પરિવહન માળખામાં મોટુ પરિવર્તન સાબિત થશે બુલેટ ટ્રેન
બુલેટ ટ્રેન પ્રોજેક્ટ 508 કિમી લાંબો છે, જેમાં 352 કિમી ગુજરાત અને દાદરા નગર હવેલીમાં અને અને 156 કિમી મહારાષ્ટ્રમાં છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સાબરમતી, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, બિલીમોરા, વાપી, બોઈસર, વિરાર, થાણે અને મુંબઈ જેવા મુખ્ય શહેરોને જોડી ભારતના પરિવહન માળખામાં મોટુ પરિવર્તન સાબિત થશે.
બુલેટ ટ્રેન શરૂ થતા અમદાવાદથી મુંબઈ માત્ર 1.58 કલાકમાં પહોંચાડશે
MT – 5 ટનલનાં પૂર્ણતા પર કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે બુલેટ ગતિએ ચાલી રહેલા પ્રોજેક્ટ કાર્યનાં વખાણ કરતા કહ્યુ કે, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ નોંધપાત્ર રોજગાર સર્જી રહ્યો છે અને કામગીરી દરમિયાન વધારાની તકો પણ ઉભી કરશે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પૂર્ણ થતા મુંબઈ અને અમદાવાદ વચ્ચે મુસાફરી સમય ઘટાડશે, બુલેટ ટ્રેનમાં માત્ર 1.58 કલાકમાં જ મુખ્ય વ્યાપારી કેન્દ્રો પર પહોંચવાને કારણે બે રાજ્યના અર્થતંત્રને જોડવા સાથે આર્થિક પ્રવૃત્તિઓમાં પણ વધારો કરશે. બુલેટ ટ્રેન થકી નવા ઔધોગિક અને IT ઉદ્યોગના વિકાસને મજબૂતી મળશે. જેના થકી લાંબાગાળાના આર્થિક લાભ સાથે આરામદાયક અને સસ્તી મુસાફરી મધ્યમ વર્ગની આકાંક્ષાઓને પૂર્ણ કરશે. આ પ્રોજેક્ટ રોડ પરિવહનની સરખામણીએ 95 ટકા ઓછો કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જન થશે.