દુધિયા તળાવની પાળ પર લગાવેલી સોલાર પેનલ ઉપર ધૂળ, ઝાડનો પડછાયો, પણ સફાઇ નહીં
નવસારી : વીજળીની બચત કરવા માટે નવસારી પાલિકા દ્વારા વોટર વર્કસ અને દુધિયા તળાવની પાળે મુકવામાં આવેલી સોલાર પેનલની યોગ્ય જાળવણી ન થતા તેના ઉપર ધૂળ જામી જવા સાથે જ નજીકના ઝાડવાઓના પડછાયાને કારણે પુરતો સૂર્ય પ્રકાશ પડી શકતો નથી. જેને કારણે વીજ ઉત્પાદન પર અસર વર્તાઇ છે, પણ પાલિકા સફાઈ ઉપર ધ્યાન આપવામાં આળસ કરી રહી હોય એવી સ્થિતિ બની છે.
નવસારી વિજલપોર નગર પાલિકાએ પાણી યોજનામાં આવતા લાખો રૂપિયાના વીજ બીલનું ભારણ ઓછું કરવા માટે ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન (GUDC) થકી વોટર વર્કસ ખાતે અંદાજે 75 લાખ રૂપિયાના ખર્ચે બે યુનિટમાં સોલાર પ્લાન્ટ નાંખ્યો હતો. જેમાં દુધિયા તળાવ સ્થિત પંપિંગ સ્ટેશન પાસે 112 KW ની ક્ષમતાનો પ્લાન્ટ અને વોટર વર્કસ યોજનાની છત પર 107 KW નો સોલાર પ્લાન્ટ બેસાડી સવા બે રૂપિયાના દરે 800 યુનિટ વીજળી ઉત્પન્ન કરી, પાલિકાએ વોટર વર્કસના કરોડના બીલ સામે લાખો રૂપિયા બચાવવાનું આયોજન કર્યુ હતું. જેમાં પાલિકાને ફાયદો પણ થયો અને પાલિકાના વાર્ષિક અંદાજે સવા કરોડના બીલ સામે 40 લાખ રૂપિયા, એટલે 30 ટકાથી વધુની બચત પણ કરતી થઇ છે. પરંતુ એક બાજુ શિયાળો અને બીજી બાજુ સોલાર પેનલ ઉપર ધૂળ જામવા સાથે જ નજીકમાં ઉગાડેલા ઝાડવાઓનો પડછાયો પડતા યોગ્ય પ્રમાણમાં સૂર્ય પ્રકાશ પડતો નથી, જેથી વીજ ઉત્પાદન ઉપર અસર વર્તાઇ રહી છે. જોકે સોલાર પેનલની સફાઇ મુદ્દે પાલિકાનું વોટર વર્કસ કમિટી ઉદાસીન રહી છે, સોલાર પેનલ ઉપર વારંવાર ધૂળ ચોંટવી અને ઝાડના પડછાયાનું કાયમી સમાધાન લાવવામાં પાલિકા નિષ્ફળ રહેતા, વિપક્ષ પ્રજાના લાખો રૂપિયા નવા નવા પ્રોજેક્ટ પાછળ ખર્ચતી પાલિકા તેની સંભાળ ન રાખી, લાખો બગાડતી હોવાના આક્ષેપો લગાવી રહ્યો છે.
ઝાડને યોગ્ય પ્રમાણમાં ટ્રીમિંગ કરીને પર્યાવરણ અને પ્લાન્ટની ઉપયોગીતા જાળવવા કરાશે પ્રયાસ – વોટર કમિટી ચેરમેન
નવસારી વિજલપોર નગર પાલિકાના નવ નિયુક્ત પાણી સમિતિ ચેરમેનને સોલાર પેનલની સાફ સફાઈ ન થવા મુદ્દે વાતનો સ્વિકાર કરી, પાલિકામાં હાલમાં ચાલી રહેલા પાણી કાપની સમસ્યા વર્ણવી હતી. સાથે જ દુધિયા તળાવની પાળ ઉપર સોલાર પેનલ સાથે પર્યાવરણની જાળવણી માટે વૃક્ષો પણ એટલા જ જરૂરી હોવાનું કહીને ઝાડવાઓનું યોગ્ય પ્રમાણમાં ટ્રીમિંગ કરાવડાવી પુરતો સૂર્ય પ્રકાશ મળે એની કાળજી રાખવા સાથે જ થોડા જ દિવસોમાં પાણીથી સોલાર પેનલની સફાઇ થાય એનું ધ્યાન રાખવાની તૈયારી દર્શાવી હતી.
વોટર વર્કસના અધિકારીઓ કર્મચારીઓ પાસે સમસ્યાનું કાયમી સમાધાન નહીં..!!
વર્ષોથી સોલાર પેનલ ઉપર ધૂળ જામવી અને ઝાડવાઓના પડતા પડછાયાની સમસ્યા મુદ્દે પાલિકાના વોટર વર્કસ કમિટીના અધિકારીઓ અને કર્મચારીઓ આંખ આડા કાન કરતા હોય એવી સ્થિતિ રહી છે, ત્યારે પાણી સમિતિ ચેરમેન સોલાર પેનલને ઉપયોગી બનાવવામાં કેટલા સફળ થાય છે એ જોવું રહ્યુ.