ગણદેવી પોલીસે ટેમ્પો ચાલકની ધરપકડ કરી, 5.32 લાખનો મુદ્દામાલ કર્યો કબ્જે
નવસારી : નેશનલ હાઈવે નં. 48 પર ખારેલ ઓવર બ્રીજ નજીકથી આજે ગણદેવી પોલીસે બાતમીને આધારે ટેમ્પોમાં ભુરા રંગના ડ્રમમાં છુપાવીને લઇ જવાતા 2.61 લાખના વિદેશી દારૂ સાથે ટેમ્પો ચાલકની ધરપકડ કરી હતી. સાથે જ પોલીસે દારૂ ભરાવનાર અને મંગાવનાર બુટલેગરોને વોન્ટેડ જાહેર કર્યા હતા.
વિદેશી દારૂ ભરેલ ટેમ્પો સેલવાસથી લઇ ચાલક વડોદરા પહોંચાડવાનો હતો
મળતી માહિતી અનુસાર, નવસારીથી પસાર થતા નેશનલ હાઈવે નં. 48 પર રોજના હજારો લાખો રૂપિયાના વિદેશી દારૂની હેરાફેરી થાય છે. બુટલેગરો દારૂની હેરાફેરી માટે અનેક કીમિયા અજમાવતા હોય છે. પરંતુ ઘણીવાર પોલીસના બાતમીદારોને કારણે તેમના કીમિયા નકામા સાબિત થાય છે અને પોલીસને હાથે પકડાઈ જાય છે. આજે ગણદેવી પોલીસની ટીમ નેશનલ હાઈવે નં. 48 પર પેટ્રોલિંગમાં હતી, દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે એક આઈસર ટેમ્પોમાં વિદેશી દારૂનો જથ્થો વલસાડથી સુરત તરફ જઈ રહ્યો છે. જેને આધારે પોલીસે ગણદેવીના ખારેલ ઓવર બ્રીજ પાસે ફિલ્ડીંગ ગોઠવી હતી. દરમિયાન બાતમી વાળો ટેમ્પો આવતા પોલીસે તેને અટકાવી તપાસ કરતા ટેમ્પોમાં ભુરા રંગના ડ્રમમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ટેમ્પોમાંથી 2,61,400 રૂપિયાની વ્હીસ્કી બીયરની કુલ 611 બોટલો મળી આવતા ટેમ્પો ચાલક અને મહારાષ્ટ્રના રત્નાગીરી જિલ્લાના ચીપલુન તાલુકાના ભેંડકરવાડી, વાલોપે ખાતે રહેતા પાંડુરંગ દયાનંદ કદમ (37) ની ધરપકડ કરી હતી. જેની પૂછરપછમાં વિદેશી દારૂ ભરેલ ટેમ્પો નવી મુંબઈના પનવેલ, ઉરન ખાતે રહેતા રાજેન્દ્ર મહાકાલનો માણસ સેલવાસના મછાડ ખાતે આપી ગયો હતો, જેને વડોદરામાં છોટા ઉદેપુર ચોકડી પાસે રાજેન્દ્રનો ફોન આવ્યે, ત્યાના માણસને આપી દેવાનો હતો. પાંડુરંગ છેલ્લા ત્રણ વર્ષોથી આજ રીતે રાજેન્દ્ર મહાકાલ માટે વિદેશી દારૂની હેરાફેરી કરતો હોવાની વાત પણ સામે આવી હતી. જેથી પોલીસે દારૂ ભરાવી આપનાર રાજેન્દ્ર મહાકાલ, ટેમ્પો આપવા આવેલ તેનો માણસ અને વડોદરામાં ટેમ્પો લેવા આવનારને વોન્ટેડ જાહેર કર્યા હતા. સાથે જ ઘટના સ્થળેથી વિદેશી દારૂ સાથે 2.50 લાખ રૂપિયાનો ટેમ્પો, 16000 રૂપિયાના 8 ભુરા રંગના ડ્રમ, 5 હજાર રૂપિયાનો મોબાઈલ ફોન મળી કુલ્લે 5.32 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી ગણદેવી પોલીસ મથકે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ આરંભી છે.