આરોપીઓમાં એક સગીર, બાકીના 6 ની પોલીસે કરી ધરપકડ
નવસારી : નવસારીના પૂર્વ પટ્ટીના ગામડાઓમાં રાત્રીના સમયે જનરેટર અને ખેતીમાં વપરાતા કલ્ટીવેટર જેવા સાધનોની ચોરી કરતી ટોળકીના સાતને નવસારી ગ્રામ્ય પોલીસે ઝડપી પાડ્યા હતા. જેમાંથી એક સગીર હોવાથી એને બાળ સુધાર ગૃહમાં મોકલાયો હતો, જયારે 6 સામે કાર્યવાહી કરી જેલના સળીયા ગણતા કરી દીધા છે.
બાઇક પર જનરેટર લઇ જતા બેને પોલીસે પકડ્યા બાદ આખી ટોળકી હાથે લાગી

નવસારી તાલુકાના પૂર્વ પટ્ટીના ગામડાઓમાં ખેતર કે વાડીઓમાં લગાવવામાં આવેલા જનરેટર કે ખેતીના સાધનો ચોરી થવાની ફરિયાદો ઉઠતા નવસારી ગ્રામ્ય પોલીસ એક્ટીવ થઇ હતી. દરમિયાન ગત રોજ પેટ્રોલિંગ દરમિયાન પોલીસે બાઇક ઉપર જનરેટર મશીન લઇ જતા પેરા ગામના 24 વર્ષીય અશ્વિન રાઠોડ અને 26 વર્ષીય નીલેશ ઉર્ફે ભાકો રાઠોડને અટકાવી પૂછપરછ કરતા બંને જનરેટર મુદ્દે ઉડાઉ જવાબ આપવા માંડ્યા હતા. જેથી પોલીસે શંકાને આધારે બંનેની અટક કરી, 30 હજાર રૂપિયાનું જનરેટર તેમજ 50 હજાર રૂપિયાની બાઇક કબજે લીધા હતા. સાથે જ બંનેની કડકાઈથી પૂછપરછ કરતા તેઓ ભાંગી પડ્યા હતા અને જનરેટર ચોરીનું હોવાની કબુલાત કરી હતી. સાથે જ પેરા ગામ આસપાસના ગામડાઓમાંથી ખેતીમાં વપરાતા કલ્ટીવેટર, ડીશહેરો જેવા મોટા સાધનો પણ ચોરી કર્યા હોવાની કબુલાત કરવા સાથે તેમના સાથીદારોના નામ પણ પોલીસ આગળ ધરી દીધા હતા. જેમાં પેરા ગામનો જ 22 વર્ષીય ચેતન ઉર્ફે કારીયો રાઠોડ, 20 વર્ષીય કાર્તિક રાઠોડ, 18 વર્ષીય રોહિત રાઠોડ, 18 વર્ષીય આકાશ ઉર્ફે ચપો રાઠોડ તેમજ ચોરીમાં ભાડેથી ઉપયોગમાં લેતા ટેમ્પોનો ચાલક 49 વર્ષીય રાજેશ ઉર્ફે હિરેન આહીરને પોલીસે પકડી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી 6 લાખનો ટેમ્પો, 20 હજાર રૂપિયાના 3 મોબાઈલ ફોન મળી, જનરેટર અને બાઇક મળી કુલ 7 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરીને ગ્રામ્ય પોલીસ મથકે ગુનો નોંધી તપાસને વેગ આપ્યો છે.
રાઠોડ ટોળકી ખેતીના સાધનોના છુટા પાડી, ટેમ્પોમાં ભરીને ચોરી જતી હતી

પેરા ગામના રાઠોડ ટોળકીના 6 ચોરટાઓ પાર્ટી કે જલસા કરવા માટે ખેતરો, વાડીઓમાં પડેલા જનરેટર કે ખેતીના સાધનોની પ્રથમ રેકી કરી, તેને રાત્રીના સમયે ચોરી લેતા હતા, બાદમાં મોટા સાધન હોય તો તેને છુટા પાડી, ટેમ્પો ચાલક હિરેન આહીરને બોલાવી તેને ચોરીના સ્થળથી અન્યત્ર લઇ જતા હતા. પોલીસે તમામ ચોરટાઓને કોર્ટમાં રજૂ કરતા, તેમને જ્યુડીશ્યલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા હતા.