નવસારી LCB પોલીસે આરોપીને રાજસ્થાનની બેગુ જેલમાંથી ટ્રાન્સફર વોરંટથી કબ્જો લીધો
નવસારી : નવસારીના ચીખલીના બજારમાં આવેલી નાકોડા જવેલર્સમાં 8 વર્ષ અગાઉ મધ્યપ્રદેશની જાંબુવા ગેંગે બંદૂકની અણીએ 35.70 લાખ રૂપિયાના દાગીનાની લૂટ ચલાવી ફરાર થયા હતા. જેમાં 8 વર્ષથી ફરાર અને 10 હજારના ઇનામી આરોપીને નવસારી LCB પોલીસ રાજસ્થાનની બેગુ જેલમાંથી ટ્રાન્સફર વોરંટથી નવસારી લઇ આવી હતી. આરોપીએ નવસારી, સુરત, રાજસ્થાન અને મધ્યપ્રદેશના ગુનાઓનો પણ ભેદ ખુલવા પામ્યો છે.
8 વર્ષ અગાઉ તમંચાની અણીએ 10 લૂટારૂઓએ 35.70 લાખના દાગીનાની ચલાવી હતી લૂટ

8 વર્ષ અગાઉ નવસારીના ચીખલી ગામના બજારમાં આવેલી નાકોડા જવેલર્સમાં સાંજના સમયે અચાનક કેટલાક લૂટારૂઓ પાવડાના હાથા, કુહાડી, પથ્થર, કોયતા અને દેશી તમંચા સાથે ઘુસ્યા હતા અને જવેલર્સ કમલેશ શાહ, તેના કર્મચારીને માર મારીને દુકાન બહાર કાઢીને દુકાનામાં મુકેલા 35.70 લાખ રૂપિયાના 80 ટકા સોના ચાંદીના દાગીનાની લૂટ ચલાવી ફરાર થયા હતા. ભાગતી વખતે જવેલર્સ બહાર ફ્રૂટની લારીવાળાને પણ માર માર્યો હતો અને હવામાં ગોળીબાર પણ કર્યો હતો. લૂટની ઘટનામાં બજારમાં ઉપસ્થિત લોકોએ હિંમત કરીને એક અરોપી રાજુ વસુનીયાને પકડી પાડ્યો હતો, જયારે બાકીના 9 ભાગવામાં સફળ રહ્યા હતા. જોકે સમગ્ર ઘટનાની જાણ થતા નવસારી જિલ્લા પોલીસનો કાફલો ચીખલી પહોંચ્યો હતો અને ઉચ્ચ અધિકારીઓ સહિત જિલ્લાની પોલીસ તપાસમાં જોતરાઈ હતી. જેમાં નવસારીના ગણદેવી તાલુકાના ખાપરવાડા ગામે અજાણ્યા લોકોની હિલચાલની જાણ થતા જ નવસારી અને વલસાડ બંને જિલ્લાની પોલીસે કોમ્બિંગ કરીને બીજા 8 લૂટારૂને પકડી પાડ્યા હતા. જોકે એક આરોપી શેતાનસીંગ ખેમા બારીયા ભાગવામાં સફળ રહ્યો હતો. સાથે જ લૂટનો મુદ્દામાલ રિકવર કરવામાં પોલીસ નિષ્ફળ રહી હતી.
આરોપી શેતાનસીંગ પડાવાથી ત્રણ રાજ્યોના ગુનાઓનો ભેદ ઉકેલાયો
8 વર્ષોથી ભાગતા ફરતા આરોપીને શોધવા નવસારી LCB પોલીસની ટીમ કામે લાગી હતી, જેમાં શેતાનસીંગ રાજસ્થાનની બેગુ જેલમાં સજા ચિત્તોડગઢ જિલ્લામાં કરેલા ગુનાની સજા કાપી રહ્યો હોવાની માહિતી મળતા જ, પોલીસે રાજસ્થાન જઈ, લૂટના આરોપી શેતાનસીંગ બારીયાનો ટ્રાન્સફર વોરંટથી કબ્જો લઇ નવસારી લઇ આવી હતી. આરોપીને લૂટના ગુનામાં તપાસ અર્થે ચીખલી પોલીસને સોપવામાં આવ્યો છે, જેની પ્રાથમિક પૂછપરછમાં નવસારીના ચીખલીની લૂટ સહિત સુરત શહેર, સુરત ગ્રામ્ય, વડોદરા ગ્રામ્ય, રાજસ્થાનના ચિત્તોડગઢના બે અને મધ્યપ્રદેશના કલ્યાણપુરાનો એક મળી કુલ 7 ગુનાઓનો ભેદ ખુલ્યો છે. પોલીસે આરોપીને કોર્ટ સમક્ષ રજૂ કરી રિમાન્ડની તજવીજ હાથ ધરી છે.