નવસારી : એક વર્ષ અગાઉ નવસારીની સગીરાને પ્રેમજાળમાં ફસાવી ગર્ભવતી બનાવી, રાજસ્થાન લઇ જઈ, ત્યાં તેના બાળકની હત્યા કરીને દફનાવી દેવાની ઘટનાના આરોપીને નવસારી ટાઉન પોલીસે રાજસ્થાનના સઉ પદમસીંગ ગામમાં હેર સેલૂનમાં દાઢી કરાવવાના બહાને હત્યારોપીને દબોચી લીધો હતો. અગાઉ પોલીસે મુખ્ય આરોપીને પકડ્યો હતો, જયારે હજી બે આરોપીઓ પોલીસ પકડથી દૂર છે.
નવસારીમાં સેલૂન ચલાવતા મોતીલાલે સગીરાને ફસાવી ગર્ભવતી બનાવી, તેને રાજસ્થાન ભગાડી ગયો હતો
નવસારી શહેરના દક્ષિણ વિસ્તારમાં રહેતી સગીરાને એક વર્ષ અગાઉ શહેરના દરગાહ રોડ ખાતે સેલૂન ચલાવતા અને મુળ રાજસ્થાનના મોતીલાલ નિમ્બારામ નાઈએ પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી અને બાદમાં તેને લગ્નની લાલચે ભોગવી ગર્ભવતી બનાવી હતી. સંસાર માંડવાના સપના સેવતી સગીરાને મોતીલાલ ભગાડીને રાજસ્થાન પોતાના ઘરે લઇ ગયો હતો. જ્યાં સગીરાએ બાળકને જન્મ આપતા જ મોતીલાલ સાથે તેના ભાઈ ઓમપ્રકાશ ઉર્ફે ઓમો અને અન્ય બે આરોપીઓએ નવજાત બાળકને મારીને તેને કાપડની ગોદડી અને રૂમાલમાં વિટાળીને જમીનમાં દાટી દીધુ હતું. સમગ્ર મુદ્દે નવસારી ટાઉન પોલીસમાં સગીરાના પરિવારે ફરિયાદ આપતા પોલીસે આરોપી મોતીલાલ નાઈ સામે પોસ્કો, બળાત્કાર, અપહરણ અને હત્યાનો રાજસ્થાન જઈને દબોચી જેલના હવાલે કર્યો હતો. પોલીસ તપાસમાં મોતીલાલને તેના ભાઈ ઓમપ્રકાશ અને અન્ય બે સાથે મળીને ઘટનાને અંજામ આપ્યો હોવાનું ખુલતા પોલીસે ત્રણને વોન્ટેડ જાહેર કર્યા હતા.
મોતીલાલ પકડતા ઓમપ્રકાશ ફરાર થઇ ગયો હતો અને પોલીસને હાથ તાળી આપી રહ્યો હતો. દરમિયાન વોન્ટેડ આરોપીઓને પકડવાની ડ્રાઈવ દરમિયાન નવસારી ટાઉન પોલીસને બાતમી મળી કે ઓમપ્રકાશ રાજસ્થાનના તેના ઘરથી 12 કિમી દૂર આવેલા સઉ પદમસીંગ ગામમાં હજામતની દુકાન ચલાવે છે. જેથી નવસારી ટાઉન પોલીસની ટીમ રાજસ્થાન પહોંચી હતી, સઉ પદમસીંગ ગામ મોટુ હોવા સાથે જ ગામમાં 10 જેટલા સેલૂન હતા, જેમાંથી હત્યારોપી ઓમપ્રકાશ ઉર્ફે ઓમોને શોધવો મુશ્કેલ હતો. જેથી ટાઉન પોલીસના HC લાલુસિંહે દાઢી વધારી હતી અને ગામની હજામતની દુકાનોમાં દાઢી કરાવવાના બહાને જઈ, તપાસ આરંભી હતી. દરમિયાન ઓમ હેર આર્ટમાં દાઢી કરવા પહોંચેલા લાલુસિંહે દાઢી કરાવતા વાત વાતમાં દાઢી કરવા વાળો હજામ જ હત્યારોપી ઓમો હોવાની ખબર પડતા તરત જ તેને દબોચી લીધો હતો અને પોલીસ ટીમ તેને નવસારી લઇ આવી હતી. પોલીસે 38 વર્ષીય આરોપી ઓમપ્રકાશ ઉર્ફે ઓમો નાઈની ધરપકડ કરી હતી. જયારે ગુનામાં સહયોગ આપનારા અન્ય બેને વોન્ટેડ જાહેર કરી તપાસને વેગ આપ્યો છે.
નવસારી : નેશનલ હાઈવે નં. 48 પર નવસારીના બોરીયાચ ટોલનાકા પાસેથી નવસારી ગ્રામ્ય પોલીસે બાતમીને આધારે 6.23 લાખ રૂપિયાનો વિદેશી દારૂ ભરેલ ટેમ્પો સાથે ચાલકની ધરપકડ કરી હતી. જયારે એકને વોન્ટેડ જાહેર કરીને તપાસને વેગ આપ્યો છે.
પોલીસે ઘટના સ્થળેથી 16.28 લાખનો મુદ્દામાલ કર્યો કબ્જે
મળતી માહિતી અનુસાર, નવસારી જિલ્લામાંથી રોજના લાખોના વિદેશી દારૂની હેરાફેરી થાય છે. ત્યારે નવસારી ગ્રામ્ય પોલીસના HC નજુ જીલુ અને HC અજય રમેશને ખાનગી રાહે બાતમી મળી હતી કે, એક કથ્થાઈ રંગના ટેમ્પોમાં વિદેશી દારૂનો જથ્થો દમણથી વાપી, વલસાડથી નેશનલ હાઈવે પર નવસારી થઇને આગળ સુરત તરફ જનાર છે. જેને આધારે ગ્રામ્ય પોલીસની ટીમે નેશનલ હાઈવે નં. 48 પર નવસારીના બોરીયાચ ટોલનાકા પાસે ફિલ્ડીંગ ગોઠવી હતી. દરમિયાન બાતમીવાળો ટેમ્પો આવતા પોલીસે તેને અટકાવી તપાસ કરતા, ટેમ્પોમાં આગળના ભાગે દોરા ધાગાનાં બોબીનનાં બોક્ષની પાછળ વિદેશી દારૂનો જથ્થો ભર્યો હતો. જેમાં 6,23,760 રૂપિયાની વ્હીસ્કી બીયરની કુલ 2136 બાટલીઓ મળી આવી હતી. જેથી પોલીસે ટેમ્પો ચાલક અને મહારાષ્ટ્રના નાશિક જિલ્લાના નિફાડ તાલુકાના પીમપ્લસ રામાયે ગામના આનંદનગરમાં રહેતા 31 વર્ષીય કાનીફનાથ પુરીની ધરપકડ કરી હતી. જેની પૂછપરછમાં વિદેશી દારૂનો જથ્થો અશ્વિન નામના વ્યક્તિએ ભરાવી આપ્યો હતો, જેથી પોલીસે અશ્વિનને વોન્ટેડ જાહેર કર્યો હતો. જયારે ઘટના સ્થળેથી વિદેશી દારૂ સાથે 10 લાખ રૂપિયાનો ટેમ્પો અને 5 હજાર રૂપિયાના મોબાઈલ ફોન સાથે કુલ 16.28 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી, નવસારી ગ્રામ્ય પોલીસ મથકમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસને વેગ આપ્યો છે.
પોલીસે સેલવાસના રમેશ અને દારૂ મંગાવનારને વોન્ટેડ જાહેર કર્યા
નવસારી : નેશનલ હાઈવે નં. 48 પર નવસારીના બોરીયાચ ટોલનાકા પાસેથી નવસારી LCB પોલીસે બાતમીને આધારે 4.07 લાખના વિદેશી દારૂ ભરેલા પીકઅપ ટેમ્પો સાથે ચાલકની ધરપકડ કરી હતી. જયારે દારૂ ભરાવનાર સેલવાસના રમેશ અને દારૂ મંગાવનાર અજાણ્યાને વોન્ટેડ જાહેર કર્યા હતા.
LCB પોલીસે ઘટના સ્થળેથી 9.16 લાખનો મુદ્દામાલ કર્યો કબ્જે
મળતી માહિતી અનુસાર, નવસારી લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમ નેશનલ હાઈવે નં. 48 પર પેટ્રોલિંગમાં હતી. દરમિયાન LCB ના HC નયન હનુભા અને HC દિગ્વિજયસિંહ રવજીભાઇની સંયુક્ત બાતમી હતી કે, એક પીકઅપ ટેમ્પોમાં વિદેશી દારૂનો જથ્થો સુરત તરફ જઈ રહ્યો છે. જેથી પોલીસે હાઈવે પર નવસારીના બોરીયાચ ટોલનાકા પાસે વોચ ગોઠવી હતી. ત્યારે જ બાતમીવાળો ટેમ્પો આવતા પોલીસે તેને અટકાવી, તપાસ કરતા ટેમ્પોમાં 35 પૂઠાનાં બોક્ષમાંથી 4,06,800 રૂપિયાની વ્હીસ્કી અને બીયરની 972 બોટલો મળી આવી હતી. જેથી પોલીસે ટેમ્પો ચાલક અને સેલવાસના આમલી ગામે રહેતા અને મુળ ઉત્તરપ્રદેશના રાજારામ બનવારી હરીજનની ધરપકડ કરી હતી. જયારે તેની પૂછપરછમાં દારૂનો જથ્થો સેલવાસના રમેશે ભરાવી આપ્યો હતો, જયારે તેને અજાણ્યાને પહોચાડવાનો હતો. જેથી પોલીસે બંનેને વોન્ટેડ જાહેર કરી, નવસારી ગ્રામ્ય પોલીસ મથકે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ આરંભી છે. ઉલ્લેખનિય છે કે, પોલીસે ઘટના સ્થળેથી વિદેશી દારૂ, ટેમ્પો અને મોબાઈલ ફોન મળી કુલ 9.16 લાખ રૂપિયાનો મુદ્દામાલ ક્બ્જે કર્યો હતો.