15 વર્ષોમાં 4 રાજ્યોમાં 58 ચોરીઓને આપ્યો અંજામ, નવસારીમાં જ બે વાર પકડાયો
નવસારી : બાળપણમાં જુગારનાં રવાડે ચઢીને અને યુવાનીમાં પ્રેમમાં નાસીપાસ થતા ચોરીમાં રીઢા બનેલા ચોરને નવસારી LCB પોલીસે બાતમીને આધારે નેશનલ હાઈવે નં 48 પર નવસારીના ગ્રીડ ઓવરબ્રીજ પાસેથી દબોચી લીધો હતો. એક સ્ક્રૂ ડ્રાઈવરની મદદથી જ ચપટી વગાડતા દરવાજાનો આગળો તોડીને ઘરમાં પ્રવેશમાં માહિર ચોરે 15 વર્ષોમાં મહારાષ્ટ્ર, રાજસ્થાન, હરિયાણા અને ગુજરાતમાંથી 58 ચોરીઓને અંજામ આપ્યો છે. જયારે નવસારી પોલીસે જ તેને એક વર્ષમાં બીજીવાર લાખોના મુદ્દામાલ સાથે પકડી પાડ્યો છે.
નવસારીના વિશાલનગરમાં આહીર દંપતીને ત્યાં કરી હતી લાખોની ચોરી
નવસારીના વોર્ડ નં. 13 માં ઇટાળવા વિસ્તારની વિશાલનગર સોસાયટીમાં ભાડેથી રહેતા જ્યોત્સના આહીર અને તેમના પતિ અમ્રત આહીર બંને નોકરી કરે છે, જેમના બંધ ઘરને ગત 8 ફેબ્રુઆરીના રોજ બપોરના સમયે કોઈ ચોરે નિશાન બનાવી 1 લાખ રૂપિયા રોકડા અને સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઇ ગયો હતો. ઘટનાની જાણ થતા જ નવસારી ગ્રામ્ય પોલીસે તપાસ આરંભી હતી, જેમાં નવસારી LCB ની ટીમ પણ તપાસમાં જોતરાઈ હતી. જેમાં પોલીસે શહેરમાં લાગેલા સીસીટીવી કેમેરા તેમજ બાતમીદારોના નેટવર્કને એક્ટીવ કરી અરોઈનું પગેરૂ શોધવા મથામણ આરંભી હતી. જેમાં ગત રોજ નવસારી LCB પોલીસને સફળતા મળી અને નેશનલ હાઈવે નં. 48 પર ગ્રીડ ઓવરબ્રિજ નજીકથી બાઇક ઉપર નવસારી આવી રહેલા 30 વર્ષીય જીમી ઉર્ફે દીપક બીપીન શર્માને દબોચી લીધો હતો. સાથે જ પોલીસે જીમી પાસેથી બાઇક તેમજ ચોરીનો મુદ્દામાલ મળી કુલ 7.34 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી આરોપીના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.
હરિયાણામાં રહેતા પિતરાઈ ભાઈની સાથે ચોરી કરતા શીખ્યો
પોલીસ પકડમાં આવેલ ચોરીનો આરોપી જીમી શર્મા બાળપણમાં જુગારના રવાડે ચઢ્યો હતો. જુગારમાં રૂપિયા હારી જતા, હરિયાણામાં રહેતા પિતરાઈ ભાઈની સાથે ચોરી કરતા શીખ્યો હતો. શરૂઆતમાં જીમી પત્થર મારીને દરવાજાનો આગળો તોડી નાંખતો હતો અને ઘરમાં પ્રવેશી ચોરી કરતો હતો. બાદમાં દારૂ તેમજ અન્ય નશાની આદત સાથે ઐયાશી કરવા જીમી ચોરીને અંજામ આપતો, દરમિયાન રાજસ્થાનની છોકરી સાથે તેને પ્રેમ થયો હતો, પણ પ્રેમમાં નિષ્ફળતા મળતા જીમી રીઢો ગુનેગાર બની ગયો હતો. વર્ષ 2009 થી ચોરી કરતા મુળ મહારાષ્ટ્રના નંદુરબારના જીમી ઉર્ફે દીપકના પિતા બીપીન શર્મા 6 મહિના અગાઉ નવસારીના વિજલપોર ખાતે રેડીમેડ કપડાની દુકાન ચલાવતા હતા, ત્યારે પણ નવસારી LCB પોલીસે જીમી શર્માને 7.12 લાખના ચોરીના મુદ્દામાલ સાથે પકડી પાડ્યો હતો. પોલીસ પકડમાં આવ્યા બાદ જીમી જેલમાં હતો, પણ થોડા સમય અગાઉ જામીન પર છુટતા ફરી ચોરીઓ કરવા માંડ્યો હતો. જેમાં નવસારીની 2, ભરૂચની 3 અને તાપી જિલ્લાની 1 મળીને કુલ 6 ચોરીનો ભેદ ઉકલાયો છે. જયારે છેલ્લા 15 વર્ષોમાં જીમીએ મહારાષ્ટ્રમાં 25, હરિયાણામાં 20, રાજસ્થાનમાં 4 અને ગુજરાતમાં 9 મળીને કુલ 58 ચોરીઓને અંજામ આપ્યો છે.
સ્ક્રૂ ડ્રાઈવરથી દરવાજો ખોલી, 20 થી 25 મિનીટમાં ચોરી કરી, થતો હતો રફૂચક્કર
આરોપી જીમી એકલે હાથે જ ચોરી કરવામાં માહિર છે, બાઇક ઉપર સોસાયટી અને મોહલ્લાઓમાં રેકી કર્યા બાદ દિવસમાં જ અને ખાસ કરીને બપોરના સમયે ચોરી કરવા પહોંચી જતો હતો. સાથે રાખેલા સ્ક્રૂ ડ્રાઈવરથી દરવાજો એકી ઝાટકે તોડીને ઘરમાં પ્રવેશ કરીને 20 થી 25 મિનીટમાં જ ચોરી કરી, ફરાર થઇ જતો હતો. જીમી ચોરી કરવા પણ નશો કરીને જ જતો અને ચોરીના રૂપિયાથી મુંબઈ, ગોવા જેવા શહેરોમાં જઈ ઐયાશીમાં રૂપિયા ઉડાવતો હતો અને રૂપિયા પુરા થતા ફરી ચોરી કરવા નીકળી પડતો હતો. ત્યારે પોલીસે આરોપીના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે, સાથે જ કડકમાં કડક સજા થાય એવા પ્રયાસો પણ હાથ ધર્યા છે.
જિલ્લામાં પ્રથમવાર આધુનિક ટેકનોલોજીથી મેગા ઓપરેશન : 2.25 કરોડનો મુદ્દામાલ જપ્ત
નવસારી : નવસારી જિલ્લામાં કુદરતી સંપત્તિની લૂંટ ચલાવતા ખનન માફિયાઓ સામે ખાણ ખનીજ વિભાગે અત્યાર સુધીની સૌથી મોટી અને અભૂતપૂર્વ કાર્યવાહી કરી હતી. જિલ્લા કલેક્ટરના સીધા માર્ગદર્શન હેઠળ ભૂસ્તર વિભાગે નવસારીમાં પ્રથમ વખત ડ્રોન કેમેરા ટેકનોલોજીનો ઉપયોગ કરી અંબિકા નદીના પેટાળમાં ચાલતા કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે. ગણદેવી તાલુકાના બીલીમોરા સ્મશાન નજીકથી બાજની મદદથી ગેરકાયદે થતા રેતી ખનનને પકડી 2.25 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ખાણ ખનીજ વિભાગની સર્જિકલ સ્ટ્રાઇકથી ખનન માફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
આ હાઇ-ટેક દરોડા દરમિયાન ખાણ ખનીજ વિભાગની ટીમે સ્થળ પરથી ગેરકાયદેસર રેતી ખનનમાં વપરાતા 2 અત્યાધુનિક યાંત્રિક બાજ અને રેતીની હેરાફેરીમાં સંકળાયેલા 11 ટ્રકો મળીને કુલ 2.25 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સાથે જ જપ્ત કરાયેલા તમામ વાહનો અને સાધનોને આગળની કાનૂની કાર્યવાહી માટે ધોલાઈ મરીન પોલીસ સ્ટેશનના હવાલે કરી દેવામાં આવ્યા છે. તંત્ર દ્વારા કસૂરદારો સામે ‘ગુજરાત મિનરલ (પ્રિવેન્શન ઓફ ઇલ્લીગલ માઇનિંગ, ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ) રૂલ્સ 2017’ હેઠળ ગુનો નોંધાવી, ગેરકાયદે ખનન નેટવર્કના મૂળ સુધી પહોંચવાની કવાયત તેજ કરવામાં આવી છે.
લકઝરી કારથી પાયલોટીંગ કરનાર મુખ્ય સૂત્રધાર સહિત બે વોન્ટેડ
નવસારી : નવસારી જિલ્લામાંથી રોજના લાખો રૂપિયાનો વિદેશી દારૂ સુરત તેમજ આગળના જિલ્લાઓમાં ખેપિયાઓ દ્વારા પહોંચાડવામાં આવે છે. ત્યારે ચીખલી પોલીસે લક્ઝરીયસ કારમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. નેશનલ હાઇવે નં. 48 પર બલવાડા ઓવરબ્રીજ નજીકથી 3.50 લાખનો વિદેશી દારૂ ભરેલ કાર સાથે વલસાડના બે ખેપિયાઓની ધરપકડ કરી હતી. જ્યારે દારૂની કારનું પાયલોટિંગ કરતી લકઝરી કારમાં સવાર મુખ્ય સૂત્રધાર સાથે બેને વોન્ટેડ જાહેર કર્યા છે.
મળતી માહિતી અનુસાર, ચીખલી પોલીસના PI પી.બી. પટેલીયાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમના PSI આર.એન. વાડલે અને કર્મચારીઓ ખાનગી વાહનોમાં હાઈવે પર પેટ્રોલીંગમાં હતા. દરમીયાન સર્વેલન્સ ટીમના ASI અલ્પેશભાઈ અને HC મહેન્દ્રભાઈને મળેલ સંયુક્ત બાતમીના આધારે, નેશનલ હાઈવે નં. 48 પર બલવાડા ઓવરબ્રીજના ઉત્તર છેડે વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમીયાન શંકાસ્પદ રીતે પસાર થતી એક સફેદ રંગની કારને પોલીસે આંતરી, તેને અટકાવી હતી. કારમાં તપાસ કરતા તેમાંથી 3,50,640 રૂપિયાની 25 પુંઠાના બોક્સમાંથી વ્હિસ્કી તથા ટીન બિયર મળી કુલ 1020 બાટલીઓ મળી આવી હતી. પોલીસે ઘટના સ્થળેથી 5 લાખની કાર, 2 મોબાઈલ અને દારૂ મળી કુલ 8.61 લાખનો મુદ્દામાલ જપ્ત કરી, કારચાલક અને વલસાડના ઉદવાડા તાલુકાના સરોધી ગામે રહેતા મીતકુમાર ઉર્ફે મીતલો માહ્યાવંશી અને વલસાડના વાપી તાલુકાના બલીઠા ગામે રહેતા અક્ષયકુમાર રાઠોડની સ્થળ પરથી ધરપકડ કરી હતી.
પોલીસની કડક પૂછપરછમાં આરોપીઓએ ખુલાસો કર્યો હતો કે, આ વિદેશી દારૂનો જથ્થો સેલવાસથી ભરીને સુરતના કડોદરા ખાતે સપ્લાય કરવાનો હતો. આ સમગ્ર રેકેટનો મુખ્ય સૂત્રધાર નવસારીના લક્ષ્મી ટોકીઝ પાછળ રહેતો નસીમુદ્દીન ઉર્ફે ‘આઝાદ લંગડો’ છે, જેણે સેલવાસથી દારૂ ભરાવ્યો હતો અને પોતાની લકઝરી કાર વડે આગળ પાયલોટીંગ કરી દારૂનો જથ્થો સુરત તરફ રવાના કરાવ્યો હતો. ચીખલી પોલીસે દારૂનો જથ્થો સપ્લાય કરનાર મુખ્ય આરોપી આઝાદ લંગડો તેમજ કડોદરા ખાતે દારૂ મંગાવનાર અજાણ્યા બુટલેગર સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી બંનેને વોન્ટેડ જાહેર કરી, તપાસને વેગ આપ્યો છે.
આરોપીઓએ RTO ચલણની નકલી APK ફાઇલ મોકલી 10 લાખની કરી હતી સાયબર છેતરપિંડી
નવસારી : સાયબરની જાળ ફેલાવા સાથે એમાં અપરાધની ગૂંચ પણ વધતી જાય છે. ઠગબાજો અનેક તિકડમ લગાવી, સેંકડો કે હજારો કિમી દૂર બેઠેલા નાગરિકને શિકાર બનાવી, તેમના એકાઉન્ટને હેક કરીને લાખો રૂપિયા સાયબર ફ્રોડ થકી સેરવી લેતા હોય છે. RTO ઈ ચલણની APK ફાઈલ મોકલી જલાલપોરના દુકાનદારના ખાતામાંથી 10 લાખ રૂપિયા પડાવી લેનારા મહારાષ્ટ્રના ઠગબાજોને પકડવામાં જલાલપોર પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે મહારાષ્ટ્રના પુણે અને બારામતી ખાતેથી બે સાયબર ઠગોને દબોચી લીધા છે. ટેકનિકલ એનાલિસિસ થકી જલાલપોર પોલીસે આંતરરાજ્ય સાયબર ફ્રોડના ગુનાને ઉકેલી કાઢ્યો છે.
બોગસ RTO ચલણની APK ફાઇલ મોકલી મોબાઈલ હેક કર્યો અને 10 લાખ ટ્રાન્સફર કરી લીધા
મળતી માહિતી મુજબ, નવસારીના જલાલપોર વિસ્તારમાં ગૌરીશંકર મોહલ્લામાં રહેતા દીપકકુમાર પ્રવીણભાઈ ડુમાસીયા લિફ્ટ રિપેરિંગનું કામ કરે છે. ગત 31 ઓગસ્ટના રોજ દીપકના કારીગર નવનાથના વ્હોટસએપ નંબર પરથી RTO ચલણની APK ફાઈલ આવી હતી. જેથી RTO માંથી કોઈ ચલણ આવ્યું હશે એવી વિચારીને દીપક ડુમસીયાએ APK ફાઈલ ઓપન કરી લીધી હતી. જે ઓપન કર્યા બાદ open કે denay ઓપ્શન આવતા, દીપકે તેને denay કરી વ્હોટસએપમાંથી બહાર નીકળી ગયો હતો. પરંતુ બાદમાં ગત 6 સપ્ટેમ્બરના રોજ તેના મોબાઈલ ઉપર HDFC Bank ના અને જિયોના કોલ ફોરવર્ડના તથા Email ID ના પાસવર્ડ બદલાયેલા હોય એવા મેસેજ આવતા, દીપકને ધ્રાસ્કો પડ્યો હતો અને તેણે તાત્કાલિક બેંક મેનેજરને ફોન કરી, તેમના 4 બેંક એકાઉન્ટ બ્લોક કરવા વિનંતી કરી હતી. બેંક એકાઉન્ટ બ્લોક કર્યા બાદ છેલ્લા ટ્રાન્ઝેક્શન છેક કરતા 5 સપ્ટેમ્બરના રોજ દીપકના એકાઉન્ટમાંથી 10 લાખ રૂપિયાની FD ની રકમ ‘બેંક ઓફ મહારાષ્ટ્ર’માં ખાતું ધરાવતા અને મહારાષ્ટ્રના પુણેમાં રહેતા સાંસર ગામે રહેતા નિખિલ સુનીલ અંબોડે નામના ઈસમના ખાતામાં ટ્રાન્સફર થયા હોવાની માહિતી મળી હતી. જેથી દીપક ડુમસીયાએ જલાલપોર પોલીસ મથકે સાયબર છેતરપિંડી અંતર્ગત ગુનો નોંઘવાતા પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.
ટેકનિકલ એનાલિસિસના આધારે જલાલપોર પોલીસની પુણે અને બારામતીમાં રેડ
ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી જલાલપોર PI એલ.જી. રાઠોડના માર્ગદર્શન હેઠળ વિશેષ પોલીસ ટીમની રચના કરવામાં આવી હતી. પોલીસ કર્મચારીઓ દ્વારા હાથ ધરાયેલા ટેકનિકલ એનાલિસિસમાં મુખ્ય આરોપી નિખિલ અંબોડે મહારાષ્ટ્રના પુણે વિસ્તારમાં હોવાનું લોકેશન મળ્યું હતું. પોલીસ ટુકડી તાત્કાલિક પુણેના સાંસર ગામે પહોંચી હતી અને 25 વર્ષીય નિખિલ સુનીલ અંબોડેને દબોચી લીધો હતો. નિખિલની કડકાઈથી પૂછપરછ કરતા તેણે તેના સાથીદાર અને મહારાષ્ટ્રના બારામતીમાં સોમેશ્વર નગરમાં રહેતા 25 વર્ષીય સૈરાજ અશોક લોંઢેનું નામ ખુલ્યું હતું . જેથી પોલીસે બારામતી ખાતેથી સૈરાજ લોન્ઢેની પણ ધરપકડ કરી હતી. બંને સાયબર ઠગોને પોલીસે નવસારી લાવી, સાયબર છેતરપિંડીના ગુનામાં તેમની સાથે અન્ય કેટલા આરોપીઓ છે..? ટ્રાન્સફર કરેલી 10 લાખ રૂપિયાની રકમ ક્યાં મોકલી અથવા એનું શું કર્યું..? વગેરે સવાલોના જવાબ મેળવવા રિમાન્ડ લેવાની તજવીજ હાથ ધરી છે.