SMC ની રેડ બાદ તપાસમાં જોતરાયેલી નવસારી LCB પોલીસે વધુ 4 ને વોન્ટેડ જાહેર કર્યા
નવસારી : લોકસભા ચુંટણી આવતા જ ગુજરાતમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂની હેરાફેરી શરૂ થઇ છે. જેમાં નવસારી જિલ્લામાંથી જ છેલ્લા 10 દિવસોમાં પોલીસની અલગ અલગ ટીમોએ 1 કરોડની નજીક વિદેશી દારૂ પકડી પાડ્યો છે. ત્યારે 10 દિવસો અગાઉ રાજ્યની SMC પોલીસની ટીમે હાઇવે પરથી પકડેલા 50.40 લાખના વિદેશી દારૂના પ્રકરણમાં એક્ટિવ થયેલી નવસારી LCB પોલીસે રાજસ્થાનથી એક અને ગોવાથી બે મળી કુલ 3 આરોપીઓની ધરપકડ કરી છે, જયારે હજી પણ ગુનામાં દારૂ ભરાવનાર, મંગાવનાર અને પાયલોટીંગ કરનારા મળી 4 ને વોન્ટેડ જાહેર કરી, તેમને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
રાજસ્થાન ગયેલી ટીમે વોન્ટેડ આરોપીઓએ હાથ તાળી આપી, પણ ગુનામાં સંડોવાયેલ એકને દબોચ્યો

મળતી માહિતી અનુસાર, લોકસભા ચુંટણી જાહેર થતા જ રાજ્યમાં વિદેશી દારૂની હેરાફેરી રોકવા પોલીસ વિભાગ એક્શનમાં આવ્યું છે. જેમાં પણ ગુજરાત પોલીસની વિશેષ સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા ગુજરાતની સરહદો પરથી રાજ્યમાં ઘુસાડવામાં આવતા વિદેશી દારૂ પર બાજ નજર રાખવામાં આવી રહી છે. જેમાં ગત 9 માર્ચે, SMC ની ટીમ દ્વારા નેશનલ હાઈવે નં. 48 પર નવસારીની નવજીવન હોટલ પાસેથી એક ટેમ્પોને રોકીને 50.40 લાખના વિદેશી દારૂ સાથે ચાલક ફારૂક મોઇલાની ધરપકડ કરી હતી અને નવસારી ગ્રામ્ય પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો. આ પ્રકરણમાં તપાસ કરી રહેલી નવસારી LCB પોલીસને રિમાન્ડ દરમિયાન આરોપી ફારૂકે વિદેશી દારૂનો જથ્થો મુળ રાજસ્થાનના વતની અલ્લારખાંખાન થમાચીખાન મોઇલા અને શબ્બીરખાન હુસેનખાન મોઇલાએ ગોવાથી ભરાવી આપ્યો હતો અને બંને ટેમ્પોનું પાયલોટીંગ કરી રહ્યા હતા. જયારે વિદેશી દારૂ ભરેલો ટેમ્પો પંચમહાલ જિલ્લાના ગોધરાના રામપુરા ગામના રમેશ ગના વણકરને પહોંચાડવાનો હતો. જેથી PSI એસ. વી. પટેલ સાથેની એક ટીમ પંચમહાલના રામપુરા અને રાજસ્થાન તપાસમાં ગઈ હતી. જેમાં રાજસ્થાન પહોંચેલી પોલીસને અલ્લારખાં મોઇલા અને શબ્બીરખાન મોઇલા હાથ તાળી આપવામાં સફળ રહ્યા હતા. જોકે પોલીસે તપાસ દરમિયાન ટેકનીકલ સોર્સને આધારે ગુનામાં સંડોવાયેલા વધુ એક આરોપી વિક્રમકુમાર અમરારામ ભીલ (24) ની ધરપકડ કરી હતી.
ગોવાની વેરાઈટી વાઇન શોપનો માલિક અને મેક્સિસ ડીસ્ટીલરીનો ડીરેક્ટર પોલીસ પકડમાં

જયારે પકડાયેલો દારૂનો જથ્થો ગોવાની વાઇન શોપ અને ડીસ્ટીલરીમાંથી ભરાવ્યો હોવાનુ ખુલતા PSI વાય. જી. ગઢવી, PSI એસ. વી. આહીર અને સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપના PSI પી. વાય ચિત્તે સાથેની ટીમ તપાસ અર્થે ગોવા પહોંચી હતી. જ્યાં તપાસમાં પોલીસને જાણવા મળ્યુ કે, ગોવાની વેરાઇટી વાઇન શોપના માલિક ફ્રાન્સીસ ઉર્ફે માઈકલ ડાયગો ડિસોઝાએ ગોવામાં જ આવેલી મેક્સિસ ડીસ્ટીલરીના ડીરેક્ટર મનીષ શ્રીરામદાસ મિશ્રા પાસેથી મેળવીને રાજસ્થાનના સુરેશ બિશ્નોઈને ટેમ્પોમાં ભરાવી આપ્યો હતો. જેથી પોલીસે વાઇન શોપના માલિક ફ્રાન્સીસ ડિસોઝા અને ડીસ્ટીલરીના ડિરેક્ટર મનીષ મિશ્રાની ધરપકડ કરી હતી. પોલીસે ત્રણે આરોપીઓને નવસારી લાવી, નવસારી કોર્ટમાં રજૂ કરી 26 માર્ચ સુધીના એટલે 6 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. જયારે દારૂ ભરાવનાર રાજસ્થાની સુરેશ બીન્શોઈ, પાયલોટીંગ કરનારા અલ્લારખાંખાન મોઇલા અને શબ્બીરખાન મોઇલા તેમજ પંચમહાલના બુટલેગર રમેશ વણકરને વોન્ટેડ જાહેર કરી, તપાસને વેગ આપ્યો છે. ઉલ્લેખનિય છે કે, નવસારી LCB પોલીસની એક ટીમ વધુ તપાસ અર્થે ફરી ગોવા માટે ઉપડી હોવાની પણ માહિતી મળી હતી.