આરોપી વિરૂદ્ધ અગાઉ સુરત જિલ્લામાં પણ 13 ગુનાઓ નોંધાઇ ચુક્યા છે
નવસારી : એક વર્ષ અગાઉ નવસારીમાંથી પિસ્તોલ અને દેશી કટ્ટા પકડાવાના પ્રકરણમાં નવસારીની વોન્ટેડ એકસ્યુસ્ડ સેલ દ્વારા બાતમીને આધારે મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના બડી ઉતવાલી ખાતેથી એક આરોપીને દબોચી ધરપકડ કરી હતી. પિસ્તોલ અને દેશી કટ્ટા વેચવામાં માહિર આરોપી સામે સુરત જિલ્લામાં પણ 13 ગુના નોંધાઈ ચુક્યા છે.
પિતાના મોત બાદ ત્રિકમ ગેરકાયદે હથિયાર વેચવા માંડ્યો હતો

મળતી માહિતી અનુસાર, નવસારી સહિત દક્ષિણ ગુજરાતમાં મધ્યપ્રદેશથી દેશી કટ્ટા અને પિસ્તોલનું છેલ્લા લાંબા સમયથી વેચાણ વધ્યુ છે. ખાસ કરીને કડીયા કામ કરવા આવતા મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના અલગ અલગ ગામડાઓના મજૂર યુવાનો મધ્યપ્રદેશથી હથિયાર લાવી અહીં, થોડા હજાર રૂપિયામાં વેચી દેતા હોય છે. જેમાં પિતાના મોત બાદ ઘરની જવાબદારી આવી પડતા મધ્યપ્રદેશના અલીરાજપુરના બડી ઉતાવલીનો 26 વર્ષીય ત્રિકમ ભેરા તોમર પણ દેશી કટ્ટા અને પિસ્તોલ નવસારી અને સુરતમાં આવીને વેચવાનો માસ્ટર માઈન્ડ બન્યો હતો. એક વર્ષ અગાઉ પણ ત્રિકમે નવસારીના બે લોકોને હથિયાર વેચ્યા હતા. જેમાં બંને આરોપીઓને નવસારી SOG પોલીસે પકડી પડ્યા હતા. જેમાં ત્રિકમ તોમર વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. દરમિયાન હાલમાં જ લોકસભા ચુંટણીને ધ્યાને રાખીને જિલ્લા પોલીસ દ્વારા બનાવવામાં આવેલ વોન્ટેડ એકસ્યુસ્ડ સેલ દ્વારા મોનીટરીંગ કરતા, બાતમી મળી હતી કે, ત્રિકમ તેના ગામમાં જ છે. જેથી SOG ના PSI સહિત 4 પોલીસ કર્મીઓની ટીમ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના બડી ઉતાવલી ગામે પહોંચ્યા હતા અને આરોપી ત્રિકમ તોમરને દબોચી નવસારી લઇ આવ્યા હતા. આરોપીની પૂછપરછ દરમિયાન તેણે જ હથિયાર આપ્યા હોવાની કબુલાત કરતા પોલીસે તેની ધરપકડ કરી હતી. આરોપી હથિયાર વેચવામાં માહિર હોવાથી સુરત જિલ્લાના અલગ અલગ પોલીસ મથકોમાં પણ 13 ગુનાઓ તેની સામે નોંધાઈ ચુક્યા છે. હાલ તો પોલીસે આરોપી ત્રિકમ તોમરના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.
વોન્ટેડ એકસ્યુસ્ડ સેલ દ્વારા અત્યાર સુધીમાં 15 વોન્ટેડ આરોપીઓની કરાઈ ધરપકડ

લોકસભાની ચુંટણી જાહેર થતા કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે પોલીસ તંત્ર પણ સતર્ક થયું છે. જેમાં જિલ્લામાં નોંધાયેલા અનેક ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા વિશેષ વોન્ટેડ એકસ્યુસ્ડ સેલની રચના કરવામાં આવી છે. જેનું સુકાન સ્પેશ્લ્ય ઓપરેશન ગ્રુપના ઇન્સ્પેકટરને સોંપવામાં આવ્યુ છે. સેલની રચના થયાના થોડા જ દિવસોમાં 15 વોન્ટેડ આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે. જેમાં હથિયાર વેચનારા ત્રિકમ તોમર તેમજ દારૂની હેરાફેરીમાં વાઇન શોપનો માલિક, ડીસ્ટલરીનો ડીરેક્ટર જેવા મોટા માથા પણ પોલીસ પકડી લાવી છે.