નવસારી કલેકટર તેમજ જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર આપ્યુ
નવસારી : ખાનગી શાળાઓમાં મોંઘા પબ્લિકેશનના પુસ્તકો સાથે જ અન્ય સ્ટેશનરીના વેચાણને અટકાવવા નવસારી જિલ્લા સ્ટેશનરી એસોસિએશન છેલ્લા ત્રણ વર્ષોથી પ્રયાસ કરી રહ્યુ છે. પરંતુ ખાનગી શાળાઓએ પોતાની મનમાની ચાલુ રાખી આ વર્ષે પણ એક ચોક્કસ દુકાનેથી પુસ્તકો સહિતની સ્ટેશનરીનો વેપાર કરાવતા સ્ટેશનરી એસોસીએશનના દુકાનદારોમાં રોષની લાગણી છે. શાળાઓ દ્વારા થતા સ્ટેશનરી વેપારને કારણે દુકાનદારોને આર્થિક ફટકો સહન કરવાનો વારો આવે છે, ત્યારે આજે સ્ટેશનરી એસોસિએશન દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી શાળામાં ચાલતા સ્ટેશનરીના વેપારને બંધ કરાવવાની માંગ કરી હતી.
શાળાઓ ખાનગી પ્રકાશનના મોંઘા પુસ્તકો પસંદ કરી, ચલાવે છે વેપાર


નવસારી શહેર અને જિલ્લામાં ચાલતી ખાનગી શાળાઓ સરકારી પાઠ્યપુસ્તકોને બદલે ખાનગી પ્રકાશનોના મોંઘા પુસ્તકોથી બાળકોને ભણાવવાનું પસંદ કરે છે. જેમાં પણ ખાનગી પ્રકાશનો પોતાના ધોરણ અનુસારના પાઠ્યપુસ્તકો શાળા સંચાલકોને બતાવી, સીધા તેમને મોટી ટકાવારી ઓફર કરીને પુસ્તકો પસંદ કરાવી લે છે. ત્યારબાદ પ્રકાશક સીધા અથવા તેમના સ્થાનિક ડિસ્ટ્રીબ્યુટર કે પછી એક સ્થાનિક સ્ટેશનરી દુકાનદાર થકી પુસ્તકો આપવાની વ્યવસ્થા ગોઠવે છે. જેના કારણે અંદાજે 500 થી 1000 અથવા તેનાથી વધુ સંખ્યા ધરાવતી શાળાના પુસ્તકો, તેની સાથે નોટબુક અને અન્ય સ્ટેશનરી કોઇએક જગ્યાએથી જ વેચાય છે અને શાળાને તગડુ કમીશન પણ આપવામાં આવતું હોય છે. જેમાં પણ ધોરણ 1 થી 5 સુધીના પુસ્તકો, નોટબુક વગેરે શાળા જ વેચે છે. જેના કારણે નવસારીના 100 થી વધુ દુકાનદારોને આર્થિક મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. શહેરની મોટાભાગની ખાનગી શાળાઓ આજ પ્રકારે પુસ્તકો, નોટબુક, કલર્સ, પેન પેન્સિલ વગેરેનું વેચાણ કરતી થઇ છે, જેથી શાળાના સત્ર ખુલવા સમયે પણ દુકાનદારોને ગ્રાહક નથી મળતા. થોડા વર્ષો અગાઉ જ્યાં દુકાનદારો 80 ટકા વેપાર કરતા હતા, ત્યાં આજે ફક્ત 20 થી 25 ટકા વેપાર પણ જેમતેમ થાય છે. જેથી ઘણી નાની સ્ટેશનરી દુકાનો તો બંધ થવા પર પહોંચી છે.
સ્ટેશનરી એસોસિએશનની લડત, પણ શિક્ષણ વિભાગની કોઇ કાર્યવાહી નહીં..!!

ખાનગી શાળાઓ અને ખાનગી પબ્લિકેશનોની મિલીભગતમાં અટવાતા સ્ટેશનરી દુકાનદારોના બનેલા નવસારી મેન્યુફેક્ચર્સ એન્ડ સ્ટેશનરી એસોસિએશન દ્વારા છેલ્લા ત્રણ વર્ષોથી શાળાઓમાં ચાલતા સ્ટેશનરીના વેપારને રોકવા માટે પ્રયાસો થઇ રહ્યા છે. પરંતુ શાળાઓ પોતાની મનમાની છોડતી નથી અને જિલ્લા શિક્ષણ વિભાગ પણ આંખ આડા કાન કરતુ હોય એવી સ્થિતિ છે. ત્યારે આજે નવસારી સ્ટેશનરી એસોસિએશન દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને ઉદ્દેશીને નવસારી જિલ્લા શિક્ષણાધિકારી જયેશ ચૌધરીને આવેદનપત્ર આપી ખાનગી શાળાઓમાં ચાલતી સ્ટેશનરીની વેચાણ પ્રવુત્તિને રોકવાની માંગ કરી હતી. સાથે જ એસોસિએશન દ્વારા જિલ્લા અધિક કલેકટર કેતન જોશી અને પ્રાથમિક શિક્ષણાધિકારી અરૂણ અગ્રવાલને પણ મળી, આવેદનપત્ર આપી તેમની વ્યથા વર્ણવી હતી. સ્ટેશનરી એસોસિએશન દ્વારા શાળામાં થતા સ્ટેશનરીના વેચાણને બંધ કરાવવાની માંગ કરી હતી, સાથે જ શાળાઓ અથવા શાળા દ્વારા સુચવેલ ચોક્કસ દુકાનેથી સ્ટેશનરી ખરીદવાનો આગ્રહ ન રાખવામાં અને વાલીઓ કોઇપણ સ્ટેશનરી દુકાનેથી શાળાના પુસ્તકો, નોટબુક અને અન્ય સ્ટેશનરી ખરીદી શકે એવી માંગ પણ ઉચ્ચારવામાં આવી હતી. સ્ટેશનરી એસો. દ્વારા એવી ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી છે કે, બીજેથી સ્ટેશનરી ખરીદવાને કારણે શાળાઓ દ્વારા બાળકોના પરિણામ કે બાળકો સાથે ભેદભાવ ન કરવામાં આવે એવી લાગણી પણ વ્યક્ત કરાઈ હતી.
શિક્ષણ વિભાગના પરિપત્રનો પણ કોઇ ફાયદો નહીં, શાળાઓ પરિપત્રને ઘોળીને પી ગઇ

નવસારી જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા ગત વર્ષે સ્ટેશનરી એસોસિએશનની રજૂઆતોને ધ્યાને લઇ જિલ્લાની તમામ ગ્રાન્ટેડ નોનગ્રાન્ટેડ ખાનગી શાળાઓને પરિપત્ર જાહેર કર્યો હતો. જેમાં શાળામાંથી કોઈપણ પ્રકારની સ્ટેશનરીના વેપારને રોકવા તેમજ કોઈપણ વાલીઓને શાળા કે અમુક ચોક્કસ જગ્યાએથી પુસ્કતો, નોટબુક કે અન્ય સ્ટેશનરી ખરીદવા દબાણ ન કરવામાં આવે એવી સ્પષ્ટ સુચના આપવામાં આવી હતી. તેમછતાં પણ ખાનગી શાળાના સંચાલકો દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીના પરિપત્રને જાણે ઘોળીને પી ગયા હોય એમ, પરિપત્રની કોઈ અમલવારી કરી નથી. જેથી શિક્ષણ વિભાગ શાળામાં વેપાર બંધ કરાવવા કડક કાર્યવાહી કરે એવી આશા નવસારી સ્ટેશનરી એસોસિએશન દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી.