નવસારી LCB ના રડારમાં ચઢતા જ પકડાયો, પોલીસે 6 બાઇક કબ્જે કરી
નવસારી : રીક્ષા ચલાવતા બાપના માથે ત્રણ દીકરીઓની જવાબદારી ચિંતા બનતા, રિક્ષા ચલાવવા સાથે જ સરળતાથી રૂપિયા કમાવવા બાઈક ચોરીનો રસ્તો અપનાવ્યો હતો. પરંતુ ટેકનિકલ સર્વેલન્સમાં નવસારી LCB ના રડારમાં આવેલા બાઇક ચોરને પોલીસે ઝડપી પાડી ચોરી કરેલી 6 બાઇક કબજે કરી તપાસને વેગ આપ્યો છે.
નવસારી LCB પોલીસે તીઘરા નવી વસાહત ખાતેથી ચોરીની બાઇક સાથે આરીફને પકડ્યો
નવસારી પોલીસ અધિક્ષક કચેરીની સામેથી તેમજ LCB પોલીસ મથકની સામે એસટી ડેપો તથા તેની બાજુમાં આવેલ એપાર્ટમેન્ટની બહાર રોડ ઉપર પાર્ક કરેલી સ્પ્લેન્ડર બાઇકની ચોરી થતાં પોલીસ સતર્ક થઈ હતી. નવસારી LCB પોલીસે શહેરમાં નેત્રમ હેઠળ લાગેલા CCTV કેમેરા તેમજ ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોના નેટવર્કને એક્ટિવ કરી ચોરનું પગેરુ શોધવાના પ્રયાસો શરૂ કર્યા હતા. જેમાં LCB ની ટીમને બાતમી મળી હતી કે, નવસારીના ચાર-પુલ વિસ્તારમાં રહેતા અને રીક્ષા ચાલક 54 વર્ષીય ઈમદાદઅલી ઉર્ફે આરીફ સૈયદ પાસે ચોરીની બાઇક છે. જેને લઈને સિસોદ્રા તરફ ગયેલ છે. દરમિયાન નવસારીના તીધરા સ્થિત નવી વસાહત પાસે આરીફ આવવાનો હોવાની માહિતી મળતા જ પોલીસે ફિલ્ડિંગ ગોઠવી આરીફને દબોચી લીધો હતો. જેની કડકાઈથી પૂછપરછ કરતા આરીફ ભાંગી પડ્યો હતો અને ગત ડિસેમ્બરમાં સુરત અને નવસારીમાં ફેબ્રુઆરી મે સુધીમાં કુલ છ splendor બાઇક ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. જેથી પોલીસે તેની ધરપકડ કરી, તેના ઘર આસપાસ મુકેલી 4 નવસારીના સત્તાપીર નજીક એક ગેરેજ પાસેથી 2 મળીને કુલ 6 સ્પ્લેન્ડર બાઈક કબજે કરી હતી. જ્યારે વધુ તપાસ અર્થે આરીફને નવસારી ટાઉન પોલીસને સોંપ્યો છે.
પરિવારની જવાબદારી રીક્ષાથી પુરી ન થતા ચોરીના રવાડે ચડ્યો
આરોપી આરીફ સૈયદ રીક્ષા ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. પેટે ત્રણ દીકરી હોવાથી આરીફને ઘર ખર્ચ કાઢવામાં મુશ્કેલી પડતી હતી. જેથી આરીફને દેવું પણ થયું હતું. જેમતેમ મોટી દીકરીને પરણાવી, પણ થોડા મહિના પહેલાં અકસ્માતમાં જમાઈનું મૃત્યુ થતાં આરીફ ભાંગી પડ્યો હતો. જેથી આર્થિક મુશ્કેલીમાં પડેલો આરીફ બાઈક ચોરીના રવાડે ચડ્યો હતો.
ડુપ્લિકેટ ચાવીઓ સાથે રાખતો, જે બાઇકમાં લાગે એને લઇને થતો હતો ફરાર
આરીફ પોતાની પાસે ડુપ્લીકેટ ચાવીનો ગુછ્છો રાખતો હતો અને જ્યાં વધુ પડતી બાઈક પાર્ક કરેલી હોય એવા સ્થળે પહોંચી, એક પછી એક બાઇકમાં ચાવી લગાવી ટ્રાય કરતો અને જે બાઈકમાં ચાવી લાગી જાય એને ચોરી કરીને ફરાર થઈ જતો હતો. ખાસ કરીને આરીફે બજારમાં સ્પ્લેન્ડર બાઈકની ડિમાન્ડ હોવાથી તેની જ ચોરી કરી હતી. જ્યારે ચોરી કર્યા બાદ બાઈકના એન્જિન અને ચેસીસ નંબર કોઈને વંચાઈ નહીં એ રીતે ઘસી કાઢતો હતો. બાઈક ચોરી કર્યા બાદ થોડો સમય પછી બાઈક છૂટી કરીને તેના સ્પેરપાર્ટ વેચી કાઢતો હતો. પોલીસની પૂછપરછમાં આરીફે સુરતમાં ચૌટા બજાર અને બેગમવાડીમાંથી બે અને નવસારીમાં એસટી ડેપો આસપાસથી 4 બાઇક ચોરી કર્યાની કબુલાત કરી છે. પોલીસ ચોપડે આરીફનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી, પરંતુ દેવા અને ઘર ખર્ચના બોજ તળે દબાયેલો આરીફ ચોરીના રવાડે ચડ્યો હોવાનું ખુલવા પામ્યું છે.
નવસારી : નવસારીના ચાપલધરા ગામે હાઈબ્રિડ ગાંજો અને ઝોમ્બી ઈ સિગારેટનું વેચાણ થતુ હોવાની બાતમીને આધારે સ્ટેટ મોનીટરીંગ સેલ પોલીસની ટીમે ગત રોજ છાપો મારી બેની ધરપકડ કરી હતી. પોલીસે ઘટના સ્થળેથી 28.15 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
SMC પોલીસે વાપીના આતિફને વોન્ટેડ જાહેર કર્યો
મળતી માહિતી અનુસાર, સ્ટેટ મોનીટરીંગ સેલ પોલીસની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ચાપલધરા ગામે રહેતો મિલન ધનગર હાઈબ્રિડ ગાંજાનું વેચાણ કરે છે. જેને આધારે ગત રોજ SMC ના PI સી. એચ. પનારા અને તેમની ટીમે ચાપલધરા ગામના વચલા ફળિયા, અંબા માતાજી મંદિર પાછળ રહેતા મિલન ધનગરના ઘરે છાપો માર્યો હતો. છાપા દરમિયાન પોલીસને મિલન પાસેથી 8 લાખ રૂપિયાનો 80 ગ્રામ હાઈબ્રિડ ગાંજો જથ્થો મળી આવ્યો હતો. જેની સાથે જ ગાંજાના સક્રિય ઘટકની હાજરીવાળી (THC) 20 લાખ રૂપિયાની 20 ઈ સિગારેટ પણ મળી આવી હતી. પોલીસે ઘટના સ્થળેથી મિલન સાથે તેના સાથીદાર તન્મયકુમાર પટેલની ધરપકડ કરી હતી. આરોપી મિલનની પૂછપરછમાં હાઈબ્રિડ ગાંજો તેને વાપીના આતિફે પહોંચાડી હતી. જેથી પોલીસે આતિફને વોન્ટેડ જાહેર કર્યો હતો. જ્યારે ઝોમ્બી ઈ સિગારેટ ડાર્ક વેબથી મંગાવી હતી. પોલીસે ઘટના સ્થળેથી હાઈબ્રિડ ગાંજો, ઈ સિગારેટ અને મોબાઈલ ફોન મળી કુલ 28.15 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. સાથે જ સમગ્ર મુદ્દે SMC પોલીસ મથકે ધી નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટેન્સ એક્ટ (NDPS) અને ધી પ્રોહીબિશન એક્ટ ઇલેક્ટ્રોનિક સિગારેટ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ આરંભી છે. ઉલ્લેખનિય છે કે, ગાંજાના સક્રિય ઘટક ધરાવતી ઝોમ્બી ઈ સિગારેટ પકડાયાનો આ ગુજરાતનો પ્રથમ ગુનો છે.
નવસારી : નેશનલ હાઈવે નં. 48 પર નવસારી જિલ્લાના પરથાણ ગામ પાસેથી નવસારી LCB પોલીસે બાતમીને આધારે 2.63 લાખ રૂપિયાનો વિદેશી દારૂ ભરેલ ટેમ્પો સાથે ચાલકની ધરપકડ કરી હતી. પોલીસે ઘટના સ્થળેથી 7.65 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
પોલીસે દારૂ ભરાવનાર અને મંગાવનાર એકને વોન્ટેડ જાહેર કર્યો
મળતી માહિતી અનુસાર, નવસારી LCB પોલીસની ટીમ નેશનલ હાઈવે નં. 48 ઉપર પેટ્રોલીંગમાં હતી. દરમિયાન HC નયનકુમાર હનુભા અને HC દિગ્વિજયસિંહ રવજીભાઈને ખાનગી રાહે બાતમી મળી હતી કે, વલસાડ તરફથી એક ટેમ્પોમાં વિદેશી દારૂનો જથ્થો સુરત તરફ જઈ રહ્યો છે. જેને આધારે પોલીસે નવસારીના પરથાણ ગામ નજીક ઓવરબ્રિજ ચઢતા પહેલા ફિલ્ડિંગ ગોઠવી હતી. દરમિયાન બાતમીવાળો ટેમ્પો આવતા પોલીસે તેને અટકાવી તપાસ કરતા ટેમ્પોમાં 2.63 લાખનો વિદેશી દારૂનો જથ્થો મળી આવતા પોલીસે ટેમ્પો ચાલક અને મહારાષ્ટ્રના થાણે જિલ્લાના વસઈ સાથે સ્થિત ફણસપાડાના સાંઈ શ્રધ્ધા એપાર્ટમેન્ટમાં રહેતા 19 વર્ષીય જયેશ ઉર્ફે જયલો સુમેસરાની ધરપકડ કરી હતી. જ્યારે ઘટના સ્થળેથી વિદેશી દારૂ સાથે 5 લાખ રૂપિયાનો ટેમ્પો અને મોબાઈલ ફોન મળી કુલ 7.65 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આરોપી જયલાની પૂછપરછમાં વિદેશી દારૂનો જથ્થો અશોક શાહે ભરાવ્યો હતો અને અશોકે જ મંગાવ્યો હતો, જેથી પોલીસે અશોક શાહને વોન્ટેડ જાહેર કરી નવસારી ગ્રામ્ય પોલીસ મથકે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
18 વર્ષોથી બંને લૂટારૂ નાસતા ફરતા હતા, LCB પોલીસે ભરૂચથી દબોચ્યા
નવસારી : નવસારીના ચીખલી તાલુકાના ચાસા ગામે 18 વર્ષો અગાઉ 15 હજારની લૂટ ચલાવી ભાગી છૂટેલા મધ્યપ્રદેશની કુખ્યાત મેડા ગેંગના બે સાગરીતોને નવસારી LCB પોલીસે ભરૂચ ખાતેથી દબોચી ધરપકડ કરી હતી. જેની સાથે જ ભરૂચ ગ્રામ્ય પોલીસ મથકનો ગુનો પણ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે.
18 વર્ષોથી પોલીસને હંફાવતા બંને લૂટારૂઓ ચીખલી પોલીસને સોંપ્યા
મળતી માહિતી અનુસાર, નવસારી લોકલ ક્રાઈમ બ્રાન્ચની પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમ નાસતા ફરતા આરોપીઓને પકડવાના પ્રયાસમાં હતી. દરમિયાન PI ડી. એમ. રાઠોડ અને તેમની ટીમના ASI સુનિલસિંહ દેવીસિંહ, PC સંદીપ પીઠા અને PC અર્જુન પ્રભાકરને ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી 18 વર્ષોથી ચીખલીની ક્વોરી લૂટના આરોપી અને મધ્યપ્રદેશના જાંબુઆ જિલ્લાની કુખ્યાત મેડા ગેંગના સાગરિત દિનુ મેડા અને બદીયા નિનામા ભરૂચ જિલ્લાના હાઈવે નજીકના વિસ્તારમાં મજૂરી કરે છે. જેને આધારે નવસારી LCB પોલીસે તાત્કાલિક ભરૂચ LCB ની મદદથી આરોપી લૂટારૂ દીનુ મેડા અને બદીયા નિનામાને દબોચી લીધા હતા. બાદમાં બંને આરોપીઓને નવસારી લાવી, તેમની પૂછપરછ કરતા 18 વર્ષ અગાઉ ગત 31 માર્ચ, 2007 ની રાતે ચીખલી તાલુકાના ચાસા ગામે આવેલી શિવ શક્તિ સ્ટોન ક્વોરીમાંથી 15 હજાર રૂપિયાની લૂટ ચલાવી ફરાર થયા હતા. એજ અરસામાં બંનેએ પોતાની ટોળકી સાથે મળી ભરૂચના અંકલેશ્વર પાસે પણ લૂટ ચલાવી હતી. જેથી પોલીસે બંને લૂટારૂ દીનુ મેડા અને બદીયા નિનામાની ધરપકડ કરી આગળની તપાસ અર્થે ચીખલી પોલીસને સોંપ્યા છે.