Connect with us

ગુજરાત

મોદી સરકાર 3.0 : સી. આર. પાટિલના શપથ, નવસારીને મળ્યા પ્રથમ કેન્દ્રીય કેબીનેટ મંત્રી

Published

on

સતત ચોથી વાર અને દેશમાં ત્રીજા નંબરની લીડ મેળવનારા સી. આર. પાટીલને મળ્યો શિરપાવ

નવસારી : નરેન્દ્ર મોદીએ ભારતના 17 માં વડાપ્રધાન તરીકેની શપથ લેતા જ મોદી સરકાર 3.0 નો પ્રારંભ થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ત્રીજી ટર્મમાં 72 મંત્રીઓએ શપથ લીધા, જેમાં દેશમાં ત્રીજા નંબરની લીડ સાથે સતત ચોથી વાર વિજેતા બનેલા નવસારી લોકસભાના સાંસદ સી. આર. પાટીલે પણ કેબીનેટ મંત્રી તરીકે શપથ લીધા છે.

સી. આર. પાટીલે શપથ લેતા જ નવસારીને તેના પ્રથમ કેન્દ્રીય કેબીનેટ મંત્રી મળ્યા

વર્ષ 2009 માં થયેલા સીમાંકન બાદ અસ્તિત્વમાં આવેલી 25 – નવસારી લોકસભા બેઠક ઉપર પ્રથમવાર ભાજપે સી. આર. પાટીલને મેદાનમાં ઉતાર્યા હતા. લોકસભાના સમરાંગણમાં સી. આર. પાટીલે કોંગ્રેસના ધનસુખ રાજપૂતને પછડાટ આપી નવસારીના પ્રથમ સાંસદનું બિરૂદ મેળવ્યું હતુ. ત્યારબાદ સી. આર. પાટીલે પાછું વળીને જોયું નથી અને સતત નવસારી લોકસભા વિસ્તારમાં લોકો વચ્ચે રહી, વિકાસની કેડી કંડારી, પેજ સમિતિની રણનીતિ સાથે સતત ચારવાર લોકસભા ચુંટણી જીતી છે. જેમાં તેમણે સૌથી વધુ મત મેળવવાના પોતાના જ રેકોર્ડને તોડ્યા છે. 2019 માં સી. આર. પાટીલે કોંગ્રેસના ધર્મેશ પટેલને હરાવી 6.89 લાખ મતોની લીડ પોતાના નામે કરી હતી. જે રેકોર્ડને પણ ગત લોકસભા ચૂંટણીમાં સી. આર. પાટીલે તોડી 7.73 લાખ મતોની લીડ મેળવી દેશમાં ત્રીજા નંબરે રહ્યા છે.

ગુજરાત વિધાનસભામાં સૌથી વધુ બેઠકો મેળવતા પાટીલને કેન્દ્રમાં સ્થાન નિશ્ચિત હતુ 

ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓ અને વિધાનસભા ચુંટણીમાં સી. આર. પાટીલે રાજકીય કુનેહ અને પેજ સમિતિના ગણિત થકી ગુજરાતના રાજકારણમાં સફળતાનો ઝંડો લહેરાવ્યો હતો. જેથી 2024 ની લોકસભા ચુંટણીમાં પણ સીઆર પાટીલે રાજ્યની 26 લોકસભા બેઠકો ઉપર 5 લાખ મતોની લીડ મેળવવાનો ટાર્ગેટ નક્કી કરી, કાર્યકર્તાઓમાં જોમ ભર્યું હતુ. જેનો ફાયદો પણ થયો, પરંતુ રાજપુત આંદોલન સાથે જ જાતિગત સમીકરણો, સ્થાનિક સમસ્યાઓ અને આદિવાસી પટ્ટા સહિત કેટલીક બેઠકો પર મજબૂત ઉમેદવારોને કારણે ટાર્ગેટ મેળવવામાં ભાજપને મુશ્કેલી નડી અને એમાં બનાસકાંઠાની એક બેઠક કોંગ્રેસના ફાળે ગઈ હતી. તેમછતાં સી. આર. પાટીલના સફળતાના ટ્રેકને ધ્યાનમાં રાખી મોદી સરકાર 3.0 માં તેમને શિરપાવ મળ્યો છે. મોદી સરકારના 30 કેબીનેટ મંત્રીઓમાં એક સી. આર. પાટીલે પણ કેબીનેટ મંત્રી તરીકે શપથ લીધા છે. જેની સાથે જ નવસારીને તેના પ્રથમ કેન્દ્રીય કેબીનેટ મંત્રી મળ્યા છે.

ગુજરાત

નવસારીમાં 45 ગ્રામ પંચાયતોમાં સામાન્ય અને 14 ગ્રામ પંચાયતોમાં પેટા ચુંટણી

Published

on

જિલ્લામાં 1.08 લાખ મતદારો 22 જૂને મતદાન કરી ચુંટશે ગ્રામ્ય સરકાર

નવસારી : ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચુંટણીનું બ્યુગલ વાગી ચુક્યુ છે અને ચુંટણી મેદાનમાં ઉતરનારા મહારથીઓ પણ સજ્જ થઇ ચુક્યા છે. ત્યારે નવસારી જિલ્લામાં પણ 56 માંથી 11 ગ્રામ પંચાયતો સમરસ થતા હવે 45 ગ્રામ પંચાયતોમાં સામાન્ય ચુંટણી, જયારે 82 ગ્રામ પંચાયતોમાંથી 14 ગ્રામ પંચાયતોમાં પેટા ચુંટણી, આગામી 22 જૂન, 2025 ના રોજ યોજાશે.

સામાન્ય ચુંટણીમાં 126 ઉમ્દેવારો સરપંચ અને 433 ઉમેદવારો સભ્યની ચુંટણી લડશે

નવસારી જિલ્લામાં છેલ્લા કેટલાક વર્ષોથી ગ્રામ પંચાયતોમાં વહીવટદારોનું શાસન હતુ. પરંતુ હવે ગ્રામ પંચાયતોની ચુંટણી બાદ ગામ સરકાર રચાશે. ગ્રામ પંચાયતોની જાહેરાત થયા બાદ જ ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો પોતાના સમર્પિત ઉમેદવારોને ચુંટણી મેદાનમાં ઉતારવા થનગની રહ્યા હતા. જેમાં જિલ્લાના 5 તાલુકાઓની 56 ગ્રામ પંચાયતોમાં સામાન્ય ચુંટણી, જયારે 82 ગ્રામ પંચાયતોમાં પેટા ચુંટણી યોજવાની ઘોષણા થઇ હતી. ઉમેદવારીપત્રો ભરાયા બાદ અનેક કારણોમાં સામાન્ય ચુંટણીમાં સરપંચ માટે 183 ઉમેદવારોએ 184 ફોર્મ ભર્યા હતા. જયારે સભ્ય પદ માટે 700 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાંથી સરપંચમાં 1 અને સભ્યમાં 16 ફોર્મ અમાન્ય ઠર્યા હતા અને 45 સરપંચ ઉમેદવારોએ અને 23 સભ્ય ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચ્યા હતા. જયારે 11 ગ્રામ પંચાયતો સમરસ જાહેર થઇ છે. જેથી હવે જિલ્લામાં 45 ગ્રામ પંચાયતોમાં સરપંચ પદ માટે 126 ઉમેદવારો અને સભ્ય પદ માટે 433 ઉમેદવારો ચુંટણી મેદાનમાં ઉતર્યા છે. આગામી 22 જૂને, 45 ગામોના 53,410 પુરૂષ અને 55,276 મહિલા મતદારો મળીને કુલ 108686 મતદારો પોતાના ભાવી સરપંચ અને વોર્ડ સભ્યોને ચુંટશે.

14 ગ્રામ પંચાયતની પેટા ચુંટણીમાં 26,441 મતદારો કરશે મતદાન

બીજી તરફ જિલ્લામાં 82 ગ્રામ પંચાયતોમાં પેટા ચુંટણી પણ જાહેર થઇ હતી. જેમાં પણ મોટી સંખ્યામાં ઉમેદવારો ચુંટણી જંગ લડવા તૈયાર થયા હતા. જેમાં સરપંચ માટે 28 ઉમેદવારો અને સભ્ય માટે 85 ઉમેદવારોએ ચુંટણી જંગમાં ઝંપલાવવા કમર કસી હતી. પરંતુ 2 સભ્ય પદ માટેના ઉમેદવારોના ફોર્મ અમાન્ય ઠર્યા હતા અને સરપંચના 8 અને સભ્યના 8 ઉમેદવારીપત્રો પરત ખેંચાયા હતા. જેમાં 1 સરપંચ અને 42 સભ્યો બિનહરીફ જાહેર થયા છે. જેથી હવે 14 ગ્રામ પંચાયતોમાં 19 ઉમેદારો સરપંચ પદ માટે અને ૩૩ ઉમેદવારો સભ્ય પદ માટે ચુંટણી જંગ ખેલશે. પેટા ચુંટણીમાં 13,241 પુરૂષ અને 13,200 મહિલા મતદારો મળીને કુલ 26,441 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

જે ગામોમાં સામાન્ય ચુંટણી યોજાવાની છે, એ ગામોની તાલુકા અનુસાર યાદી

નવસારી ગ્રામ્ય : દંડેશ્વર અને નવા તળાવ

જલાલપોર : સિસોદ્રા પારડી (આરક) જૂથ, પનાર, કણીયેટ ચોરમલા ભાઠા, માછીવાડ, માછીવાડ (દીવાદાંડી), આસણા, દાંતી, કૃષ્ણપુર અને ઓન્જલ

ગણદેવી : પીપલધરા, સરીબુજરંગ, તલોધ, અંચેલી, તોરણ ગામ, એંધલ, પીંજરા, વેગામ અને અમલસાડ

ચીખલી : કણભઈ, સતાડીયા, રૂમલા, આંબાપાડા, સ્યાદા, તલાવચોરા, બારોલીયા મંદિર ફળિયા,

વાંસદા : મહુવાસ, અંકલાછ/કામળઝરી જૂથ, લાકડબારી, ગંગપુર, ઉમરકુઇ, મીંઢાબારી, કુકડા, કુરેલિયા, ગોધાબારી, ચોંઢા, કાવડેજ, પીપલખેડ, રવાણીયા, વાઘાબારી, પાલગભાણ, કંબોયા, પ્રતાપનગર અને વાંદરવેલા

જે ગામોમાં પેટા ચુંટણી યોજાવાની છે, એ ગામોની તાલુકા અનુસાર યાદી

નવસારી ગ્રામ્ય : નસીલપોર/વીરવાડી જૂથ, વાડા (અદડા) અને પરતાપોર

જલાલપોર : સાગરા

ગણદેવી : આંતલિયા, માસા, ઉંડાચ લુહાર ફળિયા અને વડસાંગળ

ચીખલી : ઘેકટી, નોગામા, સાદકપોર, ઢોલુમ્બર, સોલધરા અને આમધરા

Continue Reading

ગુજરાત

ધરમપુર શહેર કોંગ્રેસના પ્રમુખ સમર્થકો સાથે ભાજપમાં જોડાયા

Published

on

By

વાંસદાના લોકદરબારમાં સાંસદ ધવલ પટેલે ભગવો ખેસ પહેરાવી આવકાર્યા

નવસારી : વલસાડના ધરમપુર શહેર કોંગ્રેસમાં આજે મોટુ ગાબડું પડ્યુ હતું. કારણ ધરમપુર શહેર કોંગ્રેસ પ્રમુખ આજે પોતાના સમર્થકો સાથે વાંસદા ખાતે સાંસદ અને લોકસભા દંડક ધવલ પટેલના હસ્તે ભગવો ધારણ કરી વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા.

ધરમપુરનાં વિકાસને ધ્યાને રાખી ભાજપમાં જોડાયા – મુકેશ આહીર

રાજકારણમાં પક્ષ પલટો સામાન્ય બનતો જાય છે. જ્યાં વિચારધારાની લડાઇ કહેવામાં આવે છે, પરંતુ ક્યારેક લાંબા સમય સુધી પોતાના વિસ્તારોમાં અટકેલા કાર્યો પૂર્ણ થતા ન હોય અથવા રાષ્ટ્રીય કક્ષાએ પક્ષનાં નિર્ણયથી વિચલિત થઇ ઘણા નાના કાર્યકરો પક્ષ પલટો કરતા હોય છે. ત્યારે આજે વલસાડ જિલ્લાના ધરમપુર શહેર કોંગ્રેસના પ્રમુખ મુકેશ આહીર પોતાના 80 થી વધુ પોતાના સમર્થકો સાથે ભાજપમાં જોડાયા હતા. નવસારીના વાંસદા ખાતે વલસાડના સાંસદ અને લોકસભા દંડક ધવલ પટેલનો લોકદરબાર હતો, જ્યાં ધરમપુર કોંગ્રેસ પ્રમુખ મુકેશ આહિરે સાંસદ ધવલ પટેલના હાથે ભગવો ખેસ ધારણ કરી ભાજપમાં પ્રવેશ કર્યો હતો. મુકેશ આહીર ધરમપુર નગરપાલિકામાં બે ટર્મ નગરસેવક પણ રહ્યા હતા. પરંતુ ગત પાલિકાની ચુંટણીમાં કોંગ્રેસનાં સુપડાસાફ થયા હતા. જેમાં ભાજપના ફાળે 20 બેઠકો અને 4 અપક્ષો ઉપર ધરમપુર શહેરનાં મતદારોએ વિશ્વાસ મુક્યો હતો. બીજી તરફ ધરમપુર શહેરના વિકાસ કાર્યો લાંબા સમયથી અટક્યા હતા, ત્યારે ગુજરાત અને કેન્દ્ર બંનેમાં ભાજપ સરકાર હોય, ધરમપુરના વિકાસને ધ્યાને રાખી ધરમપુર શહેર કોંગ્રેસ પ્રમુખ મુકેશ આહીર પોતાના સમર્થકો સાથે ભાજપમાં જોડાયા હતા. જેમને સાંસદ ધવલ પટેલે સહર્ષ આવકાર્યા હતા.

Continue Reading

અપરાધ

વાંસદાના ચાપલધરા ગામેથી હાઈબ્રિડ ગાંજા અને ઝોમ્બી ઈ સિગારેટ સાથે બે ઝડપાયા

Published

on

By

ઝોમ્બી ઈ સિગારેટ પકડવાનો ગુજરાતનો પ્રથમ કિસ્સો

નવસારી : નવસારીના ચાપલધરા ગામે હાઈબ્રિડ ગાંજો અને ઝોમ્બી ઈ સિગારેટનું વેચાણ થતુ હોવાની બાતમીને આધારે સ્ટેટ મોનીટરીંગ સેલ પોલીસની ટીમે ગત રોજ છાપો મારી બેની ધરપકડ કરી હતી. પોલીસે ઘટના સ્થળેથી 28.15 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

SMC પોલીસે વાપીના આતિફને વોન્ટેડ જાહેર કર્યો

મળતી માહિતી અનુસાર, સ્ટેટ મોનીટરીંગ સેલ પોલીસની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ચાપલધરા ગામે રહેતો મિલન ધનગર હાઈબ્રિડ ગાંજાનું વેચાણ કરે છે. જેને આધારે ગત રોજ SMC ના PI સી. એચ. પનારા અને તેમની ટીમે ચાપલધરા ગામના વચલા ફળિયા, અંબા માતાજી મંદિર પાછળ રહેતા મિલન ધનગરના ઘરે છાપો માર્યો હતો. છાપા દરમિયાન પોલીસને મિલન પાસેથી 8 લાખ રૂપિયાનો 80 ગ્રામ હાઈબ્રિડ ગાંજો જથ્થો મળી આવ્યો હતો. જેની સાથે જ ગાંજાના સક્રિય ઘટકની હાજરીવાળી (THC) 20 લાખ રૂપિયાની 20 ઈ સિગારેટ પણ મળી આવી હતી. પોલીસે ઘટના સ્થળેથી મિલન સાથે તેના સાથીદાર તન્મયકુમાર પટેલની ધરપકડ કરી હતી. આરોપી મિલનની પૂછપરછમાં હાઈબ્રિડ ગાંજો તેને વાપીના આતિફે પહોંચાડી હતી. જેથી પોલીસે આતિફને વોન્ટેડ જાહેર કર્યો હતો. જ્યારે ઝોમ્બી ઈ સિગારેટ ડાર્ક વેબથી મંગાવી હતી. પોલીસે ઘટના સ્થળેથી હાઈબ્રિડ ગાંજો, ઈ સિગારેટ અને મોબાઈલ ફોન મળી કુલ 28.15 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. સાથે જ સમગ્ર મુદ્દે SMC પોલીસ મથકે ધી નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટેન્સ એક્ટ (NDPS) અને ધી પ્રોહીબિશન એક્ટ ઇલેક્ટ્રોનિક સિગારેટ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ આરંભી છે. ઉલ્લેખનિય છે કે, ગાંજાના સક્રિય ઘટક ધરાવતી ઝોમ્બી ઈ સિગારેટ પકડાયાનો આ ગુજરાતનો પ્રથમ ગુનો છે.

Continue Reading
Advertisement

Trending