આગોતરા જામીન નામંજૂર થતા ધરપકડથી બચવા રીશિદા ગ્રેટર નોઇડામાં રહેતી હતી
નવસારી : નવસારીના ગણદેવીના બે યુવાનોને રેલ્વેમાં નોકરી અપાવવાની લાલચે દિલ્હીના સાગરીતો સાથે 31.47 લાખ રૂપિયા પડાવી લેનાર નવસારીની સમાજ સેવિકા રીશિદા ઠાકુરને ટેકનીકલ સર્વેલન્સની મદદથી નવસારી LCB પોલીસે ઉત્તરપ્રદેશના ગ્રેટર નોઇડાથી પકડી પાડી હતી. ઉલ્લેખનિય છે કે, ગુનો નોંધાયા બાદ રીશિદાએ આગોતરા જામીન મેળવવાનો પ્રયાસ કર્યો હતો, પણ કોર્ટે આગોતરા જામીન નામંજૂર કરતા, હરકતમાં આવેલી પોલીસે રીશિદા ઠાકૂરની ધરપકડ કરી જેલમાં ધકેલી છે.
મોટા માથાઓ સાથે ફોટો પડાવી, તેમની સાથે ઘરોબો હોવાનો કરતી હતી ડોળ
મળતી માહિતી અનુસાર, નવસારીના ઘેલાખડી વિસ્તારમાં શિવાની રેસીડેન્સીમાં રહેતી 31 વર્ષીય રીશિદા રોશનસીંગ ઠાકૂર નવસારીમાં તપસ્યા નારી સેવા સમિતિના નામે NGO ચલાવતી હતી અને તેને રાષ્ટ્રીય કક્ષાએ કાર્યરત કરી હોવાનો દેખાવ કરતી હતી. NGO ની આડમાં રીશિદાએ અનેક નામી મહાનુભાવો સાથે ફોટો પણ પડાવ્યા હતા અને તેના આધારે પોતાના કામ કઢાવી લેતી હતી. ગત 2021 માં ગણદેવીમાં રહેતા કરાટે શિક્ષક વિપીન કુશ્વાહા રીશિદા ઠાકૂરના સંપર્કમાં આવ્યા બાદ, વિપીનને સરકારી નોકરીની આશા હોવાનું રીશિદાએ જાણતા જ જાળ બિછાવી હતી. રીશિદાએ તેના દિલ્હીના સાગરીતો જગમિત સિંહ, આશુતોષ અરોરા, નિખિલ છાબરા અને ગોરખ ધામાની સાથે વિપીનની નવસારીની એક ખાનગી હોટલમાં મુલાકાત કરાવી હતી. જેમાં રેલ્વેમાં નોકરી અપાવવાની વાત સાથે ઠગભગતોએ વિપીન પાસેથી લાખો રૂપિયા ઉસેટી લીધા હતા. વિપીનને વિશ્વાસ અપાવવા રેલ્વેઓ કોલ લેટર અને ID કાર્ડ પણ બનાવી તેને પહોંચાડ્યો હતો. વિપીનને લાખો રૂપિયા આપતા રેલ્વેમાં નોકરી મળતી હોવાનું જાણી, વિપીનના મિત્ર અભિષેક પટેલે પણ પોતાના પિતાની જમાંપુજી ઠગભગતોને આપી નોકરી મેળળવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં વિપીન અને અભિષેકને ઠગભગતોએ દિલ્હીમાં ટ્રેનીંગ પણ આપી હતી. પરંતુ ટ્રેનીગ બાદ પોસ્ટીંગ આપવામાં ગલ્લાતલ્લા કરતા બંનેને છેતરાયાનો અનુભવ થયો હતો. જેથી વિપીને રીશિદા ઠાકુર સાથે તેના ચાર સાગરીતો વિરૂદ્ધ નવસારી ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં ધરપકડથી બચવા રીશિદા ઠાકૂરે અનેક પ્રયાસો કર્યા હતા, છેલ્લે નવસારી કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી પણ કરી હતી. જેને કોર્ટે નામંજૂર કરતા પોલીસે રીશિદાને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. દરમિયાન નવસારી LCB પોલીસે બાતમીદારો અને ટેકનીકલ સર્વેલન્સની મદદથી રીશિદા દિલ્હીમાં હોવાની માહિતી મેળવી હતી. જેથી પોલીસે એક મહિલા PSI સાથેની ટીમ દિલ્હી મોકલી હતી. પરંતુ દિલ્હીમાં પોલીસને નિષ્ફળતા મળી, જોકે ટેકનીકલ સોર્સને આધારે રીશિદાનું બીજું ઠેકાણું ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઇડામાં જલાપુર થાણાના રોઝા ગામ સ્થિત સમૃદ્ધિ ગ્રાંડ એવન્યુ હોવાનું જાણતા જ પોલીસ ટીમે ત્યાં છાપો મારી, આરોપી રીશિદા ઠાકૂરને ઝડપી પાડી હતી. આરોપી રીશિદાને નવસારી લાવી, લાખોની છેતરપીંડીના ગુનામાં ધરપકડ કરી વધુ તપાસ અર્થે નવસારી ટાઉન પોલીસને સોંપી છે. જોકે રેલ્વેમાં નોકરી અપાવવા તાલીમ આપવા સાથે નકલી દસ્તાવેજો આપનારા ચારેય ઠગબાજો હજી પણ પોલીસ પકડથી દૂર છે.