અધિક કલેકટરે નીચે આવીને જૈન આચાર્યના હસ્તે આવેદન ન સ્વિકારતા જૈનોમાં આક્રોશ
નવસારી : પાવાગઢમાં જૈન મૂર્તિઓને નુકસાન પહોંચાડી અને તોડી નાંખવાના વિરોધમાં નવસારી સમસ્ત જૈન સંઘ આચાર્ય રાજહંસસુરીશ્વરજીની આગેવાનીમાં જિલ્લા કલેકટરાલય ખાતે આવેદનપત્ર આપવા પહોંચ્યો, જ્યાં અધિક કલેકટર નીચે આવીને આવેદન સ્વિકારેનો આગ્રહ કર્યો, જેની સામે અધિક કલેકટરે નીચે આવવાની ના પાડી, આવેદનપત્ર સ્વિકાર્યા વિના જ કચેરીએથી જતા રહેતા જૈનોમાં આક્રોશ ફેલાયો છે. સાથે જ જ્યાં સુધી આવેદનપત્ર ન લેવાય, ત્યાં સુધી મૌન ધરણા પર બેસી જતા વિવાદ સર્જાયો છે.
હું નીચે આશિર્વાદ લેવા આવું, પણ આવેદન અહીં કેબીનમાં જ આપો – અધિક કલેકટર

પાવાગઢમાં જૈન સમાજની પૌરાણિક પ્રતિમાઓને કોઈકે તોડી નાંખતા સમગ્ર ગુજરાતના જૈન સમાજની લાગણી દુભાઈ છે. જેમાં નવસારીના સમસ્ત જૈન સંઘ દ્વારા ઘટનાને વખોડી દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવે એવી માંગ સાથે આજે સાંજે જિલ્લા કલેકટર કચેરી પહોંચી અધિક કલેકટરને આવેદનપત્ર આપવાનું આયોજન કર્યુ હતું. જેમાં આજે રજા હોવા છતાં અધિક કલેકટર કેતન જોશી ખાસ આવેદનપત્ર લેવા કચેરીએ આવ્યા હતા. દરમિયાન કલેકટર કચેરીએ જૈન સમાજ આચાર્ય રાજહંસસૂરીશ્વરજી મહારાજ તેમજ અન્ય સાધુ સાધ્વીજીઓ સાથે કલેકટર કચેરીએ પહોંચ્યો હતો. શરૂઆતમાં આચાર્ય રાજહંસસુરીશ્વરજી મહારાજે જૈનોને ધર્મના રક્ષણ કાજે ગંભીર થવા અને જૈન સાધુ સાધ્વીઓ ઉપર થતા હુમલાઓ સંદર્ભે એકસંપ થવા આહ્વાન કર્યું હતું. ત્યારબાદ જિલ્લા અધિક કલેકટર કેતન જોશીને આવેદનપત્ર આપવા જવાની તૈયારી થઈ, જૈનાચાર્ય પણ આગેવાનો સાથે જવાના હોવાથી અધિક કલેકટરને વિનંતી કરી ઓફિસના AC અને પંખા બંધ કરાવવામાં આવ્યા હતા. પરંતુ જૈન યુવાનોએ આદિક કલેકટર નીચે આવે એવી જીદ પકડતા આગેવાનો પણ તેમની વાતોમાં આવી ગયા હતા. સાથે જ ત્રણ ત્રણ વાર અધિક કલેકટરને નીચે આવી આવેદન સ્વિકારવા આગ્રહ કર્યો હતો. પરંતુ આદિક કલેક્ટરે ગુરુદેવના આશિર્વાદ લેવા નીચે આવું, પણ આવેદન અહીં કેબિનમાં જ આપોની વાત કરી હતી. પરંતુ જૈનોએ અધિક કલેકટર નીચે આવેની જીદ પકડતા અધિક કલેકટર કેતન જોશી પાછલા દરવાજેથી જતા રહ્યા હતા.
જ્યાં સુધી આવેદન લેવા નહીં આવે, ત્યાં સુધી કલેકટર કચેરીમાં મૌન ધરણા – જૈનાચાર્ય


અધિક કલેકટર નીચે આવેદન સ્વીકારવા નહીં આવી, કચેરી છોડીને જતા રહેતા જૈનોમાં આક્રોશ ફેલાયો હતો. જેમાં જૈનાચાર્ય રાજહંસ સૂરીશ્વરજી મહારાજે પણ કલેટકર જ્યાં સુધી આવેદન લેવા નહીં, આવે ત્યાં સુધી કચેરીમાં જ જેનો મૌન ધરણા ઉપર બેસવાનો આદેશ કરતા, જૈનોએ કલેકટર કચેરીમાં જ જાહેરનામાનો ભંગ કરીને કલેકટર કચેરીમાં જ મૌન ધરણા શરૂ કર્યા હતા. બીજી તરફ જૈન આગેવાનોએ જાહેરનામા સાથે જ આચાર સંહિંતાનો હવાલો આપી મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. જેની સાથે જ રાજકીય અને સામાજિક આગેવાનોની મદદથી કલેકટરને આવેદન લેવા પરત આવવા મજબૂર કર્યા હતા. લગભગ એક કલાક બાદ અધિક કલેકટર કેતન જોષીએ પરત કલેકટર કચેરીએ પહોંચી જૈન આગેવાનોના હસ્તે આવેદનપત્ર સ્વિકાર્યું હતું. સાથે જ જતી વખતે જૈનાચાર્ય રાજહંસ સૂરીશ્વરજી મહારાજને વંદન કરી, આશિર્વાદ મેળવ્યા હતા. જ્યારે જૈનાચાર્યએ અધિક કલેકટરને તેમની ત્રણ માંગો સાથેના આવેદનપત્ર ઉપર ગંભીરતાથી વિચારવાની રજૂઆતો કરી હતી. જોકે અધિક કલેકટર જોશીને એમાની માંગણીઓ સરકાર સુધી પહોંચાડવા અને મૂર્તિઓ તોડનારને પકડી પાડી સખત નસિયત કરવાની માંગ પણ કરી હતી.
આવેદન પત્યુ, તો FIR દાખલ થાય ત્યાં સુધી મૌન ધરણા કરી આવેદન ચાલુ રાખવાનો આદેશ


પાવાગઢમાં ઘટેલી ઘટનાને વખોડી જિલ્લા અધિક કલેકટરને આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા. જ્યાં કલેકટરને નીચે બોલાવવાની જૈન યુવાનોની જીદ સામે કલેકટર કચેરી છોડી જતા રહ્યા હતા. જેમાં જ્યાં સુધી આવેદન ન સ્વિકારે ત્યાં સુધી કલેક્ટરાલય ખાતે મૌન ધરણા ઉપર બેસી ગયા હતા. જેમાં અનેક રજૂઆતો બાદ અધિક કલેકટરે ફરી આવી આવેદનપત્ર સ્વિકાર્યું હતું. જોકે આવેદન લેવાય ગયા પછી પણ જૈનાચાર્યએ કલેકટર કચેરી ખાતે જ્યાં સુધી સબંધિત આરોપી સામે FIR ન નોંધાય અને આરોપી સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે ત્યાં સુધી મૌન ધરણા પર બેસી આંદોલન ચાલુ રાખવાનો આગ્રહ રાખ્યો હતો. સાથે જ મંગળવારે સવારે 9 વાગ્યે રેલી યોજી, ક્લેક્ટર કચેરી નજીક જ સભા અને ધરણા કરવાની તૈયારી આરંભી હતી. જેમાં સકળ જૈન સંઘ પણ આંદોલનમાં જોડાયો હતો, પરંતુ જૈનોને સમજાવતા જિલ્લા પોલીસ તેમજ આગેવાનોને નવનેજા પાણી ઉતર્યા હતા. જેમાં બે જૈન સાધુઓ અને બેથી ત્રણ તેમના શિષ્યો ઘટના કલેકટર કચેરીમાં આખી રાત ધરણા કરેનો આગ્રહ રાખ્યો હતો. સાથે જ બીજે દિવસે સવારે ચિંતામણી દેરાસર ખાતેથી વિશાળ સંખ્યામાં જૈનોને ભેગા કરી રેલી કાઢી, કલેકટર કચેરી પાસે સભા કરી આંદોલનની રણનીતિ ઘડી હતી.