યુરીયા મોકલનાર, મંગાવનાર અને ટેમ્પો ચાલક વોન્ટેડ
નવસારી : ભારત સરકાર દ્વારા ખેડૂતોને સસ્તા દરે નીમ કોટેડ યુરીયા મળી રહે એવી વ્યવસ્થા કરી છે, પરંતુ ઘણા ઔદ્યોગિક એકમો સરકારની આંખમાં ધૂળ નાંખીને ગેરકાયદેસર રીતે સરકારી યુરીયા મેળવી, સરકારને આર્થિક નુકશાન પહોંચાડી રહ્યા છે. ત્યારે આજે મળેલી બાતમીને આધારે નવસારી SOG પોલીસે ચીખલી તાલુકાના માણેકપોર ગામે શ્રી કેમિકલ્સમાંથી 5830 કિલો નીમ કોટેડ યુરીયા ઝડપી, પાડી 3 ની ધરપકડ કરી હતી. સાથે જ કંપની માલિક, ટેમ્પો ચાલક અને યુરીયા મોકલનારને વોન્ટેડ જાહેર કર્યા હતા.
પોલીસે ચીખલી ખેતીવાડી અધિકારીને સાથે રાખી કરી કાર્યવાહી
મળતી માહિતી અનુસાર, નવસારી LCB પોલીસની ટીમ આજે ચીખલી તાલુકામાં પેટ્રોલિંગમાં હતી. દરમિયાન ટીમના HC યુવરાજસિંહ જુવાનસિંહ અને HC ગણેશ દીનુંને સંક્યુક્ત રીતે બાતમી મળી હતી કે, ચીખલી વાંસદા રોડ પર માણેકપોર ગામ ખાતે શ્રી કેમિકલ્સ કંપનીના કંપાઉન્ડમાં શંકાસ્પદ યુરીયા ભરેલ એક ટેમ્પો ઉભો છે. જેને આધારે LCB ટીમે ઉપરી અધિકારીને જાણ કરતા, PI વી. જે. જાડેજાએ SOG PI એન. એમ. આહીરને જાણ કરી હતી. ત્યારબાદ પોલીસે ચીખલી ખેતીવાડી અધિકારી ચંદુ યશવંત ગાંગોડાને શંકાસ્પદ યુરીયા વિશે માહિતી આપી, તેમને સાથે લીધા હતા. બાદમાં SOG PI આહીર, ખેતીવાડી અધિકારી ગાંગોડા અને પોલીસ ટીમે શ્રી કેમિકલ્સ કંપનીમાં છાપો મારતા, કંપનીના કંપાઉન્ડમાં એક ટેમ્પો ઉભો હતો, જેમાં તપાસ કરતા, પીળા રંગની ગુણીઓ મળી આવી હતી અને એના ઉપર પ્રધાનમંત્રી ભારતીય જન ઉર્વરક પરિયોજના સાથે જ એગ્રીકલ્ચર પર્પસ ઓન્લી લખેલું જણાયુ હતુ. જેથી પ્રાથમિક દ્રષ્ટિએ ટેમ્પોમાં સરકારી નીમ કોટેડ યુરીયા ભર્યુ હોવાનું જણાતા જ પોલીસે ઘટના સ્થળેથી 34,645 રૂપિયાનુ 45 કિલોની 130 ગુણીઓમાં કુલ 5,830 કિલો નીમ કોટેડ યુરીયા કબ્જે કર્યુ હતુ. સાથે જ કંપાઉન્ડમાં હાજર કંપનીના સુપરવાઇઝર જીતેન્દ્ર ઉર્ફે જીતુ ગંગારામ બંસીલાલ, હેલ્પર રીમ્પેશ રમેશ હળપતિ અને વાયરમેન ધનરાજ રાયુ ચૌધરીની ધરપકડ કરી હતી. જયારે કંપની માલિક ભાવેશ પટેલ, યુરીયાનો જથ્થો મોકલનાર રમેશ પ્રજાપતિ અને ટેમ્પો ચાલકને વોન્ટેડ જાહેર કર્યા છે.
નીમ કોટેડ યુરીયાનો ઉપયોગ ગમ રેઝીન બનાવવામાં થાય છે

પકડાયેલા આરોપીઓની પુછપરછમાં નીમ કોટેડ યુરીયા ભરેલ ટેમ્પો શ્રી કેમિકલ્સના માલિક અને ગણદેવી તાલુકાના અંભેટા ગામના ભાવેશ સુમન પટેલે સપ્લાયર રમેશ પ્રજાપતિ પાસેથી બારડોલીથી મંગાવ્યો હતો. જોકે ટેમ્પો ચાલક પણ ટેમ્પો છોડીને ક્યાંક જતો રહ્યો હતો. નીમ કોટેડ યુરીયાનો ઉપયોગ કંપનીમાં ગમ રેઝીન બનાવવા માટે થતો હોવાનું પણ તેમણે જણાવ્યુ હતુ.
યુરીયાના નમુના લઇ ચકાસણી અર્થે લેબમાં મોકલાયા

નવસારી SOG એ ખેતીવાડી અધિકારીને સાથે રાખીને મારેલ છાપામાં મળેલ સરકારી નીમ કોટેજ યુરીયાની ગુણીઓમાંથી તપાસ અર્થે યુરીયાના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેને રાજ્યની નોટીફાઇડ લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે, જેનો રીપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. જોકે હાલ પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી, 34,645 રૂપિયાના નીમ કોટેડ યુરીયાની 130 ગુણીઓ સાથે 8 લાખ રૂપિયાનો ટેમ્પો, ખાલી ગુણીઓ મળી કુલ 8.34 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી, આગળની તપાસને વેગ આપ્યો છે.
એક વર્ષ અગાઉ એપ્રિલ 2023 માં પણ ચીખલીમાંથી નીમ કોટેડ યુરીયાનો જથ્થો પકડાયો હતો

ચીખલી પંથકમાં આવેલી કંપનીઓમાં સરકારની આંખમાં ધૂળ નાંખીને સરકારી નીમ કોટેડ યુરીયા મોટા પ્રમાણમાં ગેરકાયદેસર રીતે ઔદ્યોગિક એકમોમાં ઉપયોગમાં લેવામાં આવતું હોવાની ફરિયાદો આગાઉ પણ થઇ છે. ગત એપ્રિલ 2023 ના મહિનામાં ચીખલીની એક કંપનીમાંથી નીમ કોટેજ યુરીયા મળી આવ્યુ હતુ. જેમાં થયેલી કામગીરીમાં નવસારી જિલ્લા ખેતીવાડી નિયામક અને ચીખલી તાલુકા ખેતીવાડી અધિકારીને રાજ્ય સરકારે સસ્પેન્ડ પણ કર્યા હતા. તેમ છતાં ચીખલી વિસ્તારમાંથી ફરી સરકારી નીમ કોટેડ યુરીયા મળવાની ઘટના સામાન્ય નહી, પણ એક સુવ્યવસ્થિત નેટવર્ક ચાલી રહ્યાની ચાડી ખાય છે.