4 વર્ષોમાં નવસારી કૃષિ યુનિવર્સીટીના વાંસ વિભાગે ભરી હરણફાળ, પેટન્ટ મેળવવાની કરી તૈયારી
નવસારી : માણસમાં કઈ કરવાની ધગસ હોય, તો એ નજીવી વસ્તુને પણ આકાશ સુધી પહોંચાડી શકે છે. સમાન્ય રીતે જંગલમાં ઉગતા વાંસની વિવિધ જાત વિષે સંશોધન કર્યા બાદ નવસારી કૃષિ યુનિવર્સીટીના વાંસ વિભાગના વૈજ્ઞાનિકોએ આદિવાસી કારીગરોની મદદથી વાંસની કાર્યશાળા શરૂ કરી, આજે વનીય કોલેજના વિદ્યાર્થીઓને વાંસના મૂલ્યવર્ધન થકી એન્ટ્રપ્રિન્યોર બનાવવાના પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે આજે વિશ્વ વાંસ દિવસ ઉપર જંગલ વિભાગના CCF શશિકુમારના હસ્તે વાંસના ફર્નિચર સહિતની વસ્તુઓ માટેના પ્રદર્શન સ્થળનો શુભારંભ કરાવ્યો હતો. આ સાથે જ 4 દિવસના એક્સિબીશનની પણ શરૂઆત કરવામાં આવી હતી.
ભારત સરકાર વાંસની ખેતી અને તેના મૂલ્યવર્ધન માટે પણ આપે છે સબસીડી – શશિકુમાર


નવસારી કૃષિ યુનિવર્સીટીના બામ્બુ રિસોર્સ સેન્ટરમાં છેલ્લા થોડા દિવસોથી વનિય કોલેજના વિદ્યાર્થીઓ અને ખેડૂતો માટે ચાલી રહેલી કાર્યશાળાનો આજે છેલ્લો દિવસ હતો અને તેની સાથે જ કૃષિ યુનિવર્સીટીના વાંસ વિભાગ દ્વારા વિશ્વ વાંસ દિવસ અંતર્ગત યુનિવર્સીટીના ઉપકુલપતિ ઝીણા પટેલની અધ્યક્ષતામાં અને CCF શશિકુમારની ઉપસ્થિતિમાં વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે વાંસ વિભાગ દ્વારા બામ્બુ રિસોર્સ સેન્ટર ખાતે વાંસમાંથી બનેલ ફર્નીચર તેમજ અન્ય વસ્તુઓ માટેનાં પ્રદર્શન સ્થળનું પણ મહાનુભાવોને હસ્તે શુભારંભ કરાયો હતો. આ પ્રસંગે CCF શશિકુમારે આવનારા ભવિષ્યમાં વાંસની ઉપયોગીતા સાથે જ તેની ડીમાંડ વિશેની વાત કરી હતી. આજે સામાન્ય રીતે મળતુ પાણી 10 થી 500 રૂપિયામાં વેચાય છે, એજ પ્રમાણે ભવિષ્યમાં વાંસ પણ સ્થાનિક તેમજ આંતરરાષ્ટ્રીય બજારમાં સારી આવક આપશે. વાંસને પ્રમોટ કરવા માટે ભારત સરકાર દ્વારા વાંસની ખેતી અને તેના મૂલ્યવર્ધનથી બનતી વસ્તુઓ ઉપર સબસીડી આપવમાં આવે છે. જેથી વધુમાં વધુ ખેડૂતો વાંસની ખેતી પ્રત્યે આકર્ષાય અને સારી આવક મેળવે. જેની સાથે યુવાઓ પણ વાંસના વ્યવસાય સાથે જોડાઈને આત્મનિર્ભર બને.
પ્લાસ્ટિકનો પર્યાય બની શકે છે વાંસ, કાપડ માટે પણ ઉત્તમ

નવસારી કૃષિ યુનિવર્સીટીની વનીય મહાવિદ્યાલયમાં 10 વર્ષોથી વાંસ વિભાગ કાર્યરત છે. શરૂઆતના વર્ષોમાં કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા દક્ષિણ ગુજરાત સાથે રાજ્ય, દેશ અને વિદેશમાં વાંસની કઈ કઈ જાત થાય છે, દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં ક્યા ક્યા વાંસ ઉગે છે અને ક્યા વાંસ ઉગાડી શકાય છે એના ઉપર સંશોધન કરવામાં આવ્યુ હતું. સાથે જ વાંસની ખેતી કરતા ખેડૂતોને વાંસનાં ઉછેર વિશેનું જ્ઞાન અને પદ્ધતિ પણ શિખવવામાં આવતી હતી. પરંતુ 6 વર્ષ બાદ વાંસ વિભાગ દ્વારા વાંસને લાંબા સમય સુધી કેવી રીતે રાખી શકાય એની પદ્ધતિ વિકસાવી સાથે જ નવસારીના વાંસદા તેમજ ડાંગ જિલ્લાના આદિવાસી સમાજના લોકો, જે વાંસની કળા સાથે સંકળાયેલા છે, એમની મદદથી વાંસમાંથી મૂલ્યવર્ધન જેવું કે, શો પીસ, ફર્નીચર જેવી વસ્તુઓ બનાવી, વિદ્યાર્થીઓને પણ શિખવી તેમને શિક્ષણ સાથે વ્યાસાયિક જ્ઞાન આપવાનો પ્રયાસ કર્યો હતો. જેને સફળતા મળી અને આજે 4 વર્ષે નવસારી કૃષિ યુનિવર્સીટીમાં વાંસ સાથે સાથે ફર્નીચર, સાજ સજાવટની વસ્તુઓ, શો પીસ તેમજ પ્લાસ્ટિકનો પર્યાય વાંસ બની શકે એવા પ્રયાસો થયા છે. ખાસ કરીને પ્લાસ્ટિક સ્ટ્રો ની સામે વાંસમાંથી બનેલી સ્ટ્રો બજારમાં મુકતા તેને સારો પ્રતિસાદ મળ્યો છે. ત્યારે હવે વાંસ વિભાગના તજજ્ઞો દ્વારા અગરબત્તીની લાકડીઓ બનાવવાની શરૂઆત કરી છે, જે એક નિર્ણાયક પગલું સાબિત થશે. ત્યારે એનાથી આગળ વધી કૃષિ યુનિવર્સીટીનું બામ્બુ રિસોર્સ સેન્ટર પેટન્ટ મેળવવાની તૈયારી પણ કરી રહ્યુ છે.
4 દિવસીય પ્રદર્શની કમ વેચાણનો પણ થયો પ્રારંભ

નવસારી કૃષિ યુનિવર્સીટીના વનિય કોલેજ અંતર્ગત ચાલતા વાંસ વિભાગના બામ્બુ રિસોર્સ સેન્ટરમાં આજે વિશ્વ વાંસ દિવસને ધ્યાને રાખી, વાંસમાંથી બનતી વસ્તુઓનાં પ્રચાર અને પ્રસાર અર્થે રિસોર્સ સેન્ટરમાં જ ડાંગના કારીગરો દ્વારા બનાવેલી વિવિધ વસ્તુઓના વેચાણ અર્થે પ્રદર્શની કમ વેચાણનું પણ મહાનુભાવોના હસ્તે પ્રારંભ થયો છે. ત્રણ દિવસ ચાલનારા આ પ્રદર્શનમાં નવસારીના લોકો કૃષિ કેમ્પસના બામ્બુ રિસોર્સ સેન્ટરની મુલાકાત લઇ, વાંસમાંથી બનેલા ફર્નીચર, રસોડામાં ઉપયોગમાં આવતી વસ્તુઓ, શો પીસ, સાજ સજાવટની વસ્તુઓને જોઈ અને તેને ખરીદી પણ શકશે.