નવસારી : નવસારીના આદિવાસી બાહુલ વાંસદા તાલુકાના પર્વતીય વિસ્તારમાં જૂજ અને કેલિયા બે ડેમ આવ્યા છે. જેમાં ઉપરવાસના જિલ્લામાં પડેલા સારા વરસાદને પગલે કેલિયા ડેમ તેની સપાટી વટાવી છલકાતા નયનરમ્ય નજારો બન્યો છે. સાથે જ ડેમમાં સતત પાણીની આવક ડેમ અંતર્ગત આવતી કાવેરી નદી કાંઠાના 23 ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે. જોકે ડેમ છલકાતા આ ગામોને પીવા અને સિંચાઇ માટે પુરતું પાણી મળી રહેશે.
ડેમમાં 263 કયુસેક પાણીની આવક, ચીખલી અને ગણદેવીના ગામોને ફાયદો
નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ઉપરવાસના પર્વતીય વિસ્તારોમાંથી આવતા પાણીના સંગ્રહ માટે અને વાંસદા સહિત જિલ્લાના 3 તાલુકાના ગામડાઓને પીવાના પાણી સાથે જ સિંચાઇ માટે ઉપયોગી થઇ શકે એ હેતૂથી કેલિયા ગામે બનેલ ડેમ હજારો લોકો માટે જીવાદોરી સામન છે. ત્યારે જુલાઈ મહિનામાં નવસારી તેમજ ઉપરવાસના જિલ્લાઓમાં પડેલા ભારે વરસાદને કારણે કેલિયામાં સતત થઇ રહેલી પાણીની આવકને પગલે ડેમ 100 ટકા ભરાઇને છલકાઇ રહ્યો છે. ડેમની ઓવરફલો લેવલ 113.40 મીટર છે, જેને આંબી જતા કેલિયા ડેમ છલકાઇ રહ્યો છે. હાલ ડેમની સપાટી 113.50 મીટર થઇ છે. જેથી તંત્ર દ્વારા ડેમ અંતર્ગત કાવેરી નદીના કાંઠાના વાંસદાના 1, ચીખલી તાલુકાના 16 અને ગણદેવી તાલુકાના 6 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે, સાથે જ આ ગામડાના લોકોને નદી કિનારે કે નદીમાં ન ઉતરવા સૂચના આપવામાં આવી છે. ડેમમાં 263 કયુસેક પાણીની આવક થઇ રહી છે અને હજુ ઉપરવાસમાં વરસાદની આગાહી છે. જેથી ડેમની સપાટીમાં હજુ પણ વધારો થવાની શક્યતા નકારી શકાય એમ નથી. જેથી તંત્ર દ્વારા ડેમની સ્થિતિ ઉપર પણ નજર રાખવામાં આવી છે.
વાંસદાનો જૂજ ડેમ પણ 90 ટકા ભરાયો
વાંસદાના દક્ષિણ પૂર્વના ગામ જૂજ ખાતે બનાવવામાં આવેલ જૂજ ડેમમાં પણ પાણીની સારી આવક થઇ રહી છે. જેના કારણે જૂજ ડેમ પણ 90 ટકા એટલે કે 166.60 મીટરે પહોંચી ગયો છે. ડેમનો ઓવરફલો લેવલ 167.50 મીટર છે, જેથી જૂજ ડેમ પણ સારો વરસાદ રહ્યો તો આજ કાલમાં છલકાવાની સંભાવના જોવાઈ રહી છે.