Connect with us

અકસ્માત

કરૂન્તિકા : 4 બદમાશોએ ચાલતી ટ્રેને મોબાઈલ ઝૂંટવતા નીચે પટકાયેલા શિક્ષકે પગ ગુમાવ્યો

Published

on

કર્ણાવતી એક્સપ્રેસ ટ્રેનના દરવાજા પાસે બેસી મોબાઈલ પર વાત કરતા હતા શિક્ષક

નવસારી : નવસારીના વિજલપોર રેલ્વે ફાટકથી થોડે દૂર રેલ્વે ટ્રેક ઉપર દોડી રહેલી કર્ણાવતી એક્સપ્રેસ ટ્રેનના દરવાજા પાસે બેસીને મોબાઈલ ઉપર વાત કરી રહેલા શિક્ષકના હાથ ઉપર ચાર બદમાશોએ ઝાપટ મારી મોબાઈલ ઝૂંટવ્યો હતો. પરંતુ શિક્ષક પોતાનું બેલેન્સ ન રાખી શકતા તેઓ પણ ચાલતી ટ્રેને નીચે પટકાયા હતા. જેમાં શિક્ષકના બંને પગમાં ગંભીર ઈજાઓ થતા, તેમને તાત્કાલિક નવસારી સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન શિક્ષકે એક પગ ગુમાવવાની નોબત આવતા કરૂન્તિકા સર્જાઇ હતી.

જ્ઞાન સહાયક તરીકે નોકરી કરતા શિક્ષક સુરતથી વાપી જઇ રહ્યા હતા

મળતી માહિતી અનુસાર, સુરત શહેરના માતાવાડી વિસ્તારમાં રહેતા 35 વર્ષીય રાજેશ ધંધુકિયા શાળામાં જ્ઞાન સહાયક તરીકે ફરજ બજાવે છે. દહેજના લખીગામમાં ફરજ બજાવતા શિક્ષક રાજેશની બદલી વાપીના વાઘછીપા ગામે થઇ હતી. જેથી આજે સવારે કર્ણાવતી એક્સપ્રેસ ટ્રેનમાં રાજેશ ધંધુકિયા વાઘછીપા ગામની શાળા જોવા જઈ રહ્યા હતા. ટ્રેનના દરવાજા પાસે બેઠેલા શિક્ષક રાજેશ મોબાઈલ ઉપર કોઈની સાથે વાત કરી રહ્યા હતા, ત્યારે ટ્રેન નવસારી રેલ્વે સ્ટેશનની વિજલપોર ફાટકથી આગળ આંબેડકર નગર અને રામનગર પાસેથી પસાર થઇ રહી હતી, ત્યારે રેલ્વે ટ્રેક ઉપર ચાર યુવાનો ઉભા હતા. દરમિયાન અચાનક રાજેશના મોબાઈલ ઉપર કોઈએ ઝાપટ મારી અને તેમનો 50 હજાર રૂપિયાનો મોબાઈલ ફોન ઝૂંટવી લીધો હતો. પરંતુ આ ઘટનામાં એક બદમાશનો હાથ રાજેશના બેગમાં ભેરવાય ગયો હતો, જેથી રાજેશ પોતાનું બેલેન્સ ન રાખી શકતા તેઓ પણ ચાલુ ટ્રેને નીચે ટ્રેક પર પટકાયા હતા અને તેમના બંને પગ ટ્રેનમાં આવી જતા ગંભીર રીતે ઘવાયા હતા. ઘટના બાદ ચારેય બદમાશો ઘટના સ્થળેથી ભાગી છૂટ્યા હતા. બીજી તરફ કોઈ ટ્રેનમાંથી પટકાયુ હોવાનું જાણતા જ સ્થાનિકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને રાજેશને તાત્કલિક એમ્બ્યુલન્સમાં નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. જ્યાં ફરજ પરના ડોકટરે તેમને ચકાસતા તેમના ડાબા પગના ઘૂંટણ નીચેનો પગ ફક્ત સ્નાયુ ઉપર જ ટકેલો હતો. જેનું ઓપરેશન કરવા છતાં શિક્ષકે પાછળથી પગ કપાવવા પડે એવી સ્થિતિ હતી, જેથી ડોકટરોએ શિક્ષક રાજેશ ધંધુકિયાનો ડાબો પગ કાપવાનો નિર્ણય કર્યો હતો. જયારે જમણા પગમાં પણ ઓપરેશન કરવા પડ્યુ હતું.

સરકાર મદદ રૂપ થાય અને આવા બદમાશોની સામે કડક કાર્યવાહી કરે – રાજેશ ધંધુકિયા

ચાર યુવાનોની મોબાઈક તફડાવવાની લાલચે એક શિક્ષકે પોતાનો પગ ગુમાવવો પડ્યો છે, સાથે જ ઘરમાં કમાઉ એક જ વ્યક્તિ હોવાથી પરિવાર ઉપર પણ આભ તૂટી પડ્યુ હોય એવી સ્થિતિ બની છે. સાથે જ રાજેશ કેવી રીતે નોકરી કરી શકશે એ પણ પ્રશ્ન છે, એક તો જ્ઞાન સહાયક છે અને કાયમી થવાના સપના જોતા હતા. ત્યારે સરકાર તેમની સ્થિતિ વિષે વિચારી મદદરૂપ થાય એવી આશા રાજેશે સેવી છે. સાથે જ મોબાઈલ ઝૂંટવનારા બદમાશોને પકડી, તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે એવી માંગ કરી છે. ઉલ્લેખનિય છે કે, ટ્રેનના દરવાજા પાસે ઉભા રહી કે બેસીને મોબાઈલ જોતા કે વાત કરતા લોકોને આવા બદમાશ યુવાનો રેલ્વે ટ્રેક ઉપર ઉભા રહી ચાલુ ટ્રેને નિશાન બનાવી મોબાઈલ તફડાવી લેતા હોય છે. પરંતુ થોડા હજાર રૂપિયાના મોબાઈલ માટે ક્યારેક કોઈના જીવ પર આવી બને છે અને તેનો પરિવાર લાચાર બની જાય છે. 

બદમાશે ચાલતી ટ્રેને મોબાઈલ ઝુંટવતા, શિક્ષક નીચે પટકાયા, પગ ગુમાવ્યો

અકસ્માત

હાઈવે પર બેફામ દોડતા હાઇવા ટ્રકે, કારને ટક્કર મારતા, કાર પલટી, 3 ઘાયલ

Published

on

By

અકસ્માત સર્જીને ટ્રક ચાલક ઘટના સ્થળેથી થયા ફરાર

નવસારી : નેશનલ હાઈવે નં. 48 પર નવસારીના ગણેશ સિસોદ્રા ગામ નજીકના સર્વિસ રોડ ઉપર બેફામ દોડતા હાઈવા ટ્રકના ચાલકે એક કારને ટક્કર મારી હતી, જેમાં પાછળથી આવતી બીજી ટ્રકની અડફેટે ચઢતા કાર પલટી મારી ગઈ હતી. અકસ્માતમાં કારમાં સવાર 4 લોકોમાંથી ગંભીર રીતે ઘવાયેલા ત્રણને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યારે અકસ્માત સર્જ્યા બાદ બંને ટ્રકના ચાલકો ટ્રક લઈ ઘટના સ્થળેથી ભાગી છૂટ્યા હતા.

કાર દમણથી નંદુરબાર જઈ રહી હતી, ત્યારે નડ્યો અકસ્માત

મળતી માહિતી અનુસાર, મહારાષ્ટ્રના નંદુરબારનો પરિવાર દમણ ફરવા ગયો હતો. જ્યાંથી રાતે પરત ફરતી વેળાએ નેશનલ હાઈવે નં. 48 પર નવસારીના ગણેશ સિસોદ્રા ગામ નજીક સુરત તરફ જવાના ટ્રેક ઉપરથી પસાર થતી વેળાએ બેફામ દોડતા હાઇવા ટ્રકના ચાલકે નંદુરબારના પરિવારની કારને ટક્કર મારતા, કાર ડીવાઈડર સાથે ભટકાઈ હતી. જેમાં પાછળથી આવતી અન્ય ટ્રકે પણ કારને અડફેટે લેતા કાર પલટી મારી જતા, કારમાં સવાર 4 લોકો ઘવાયા હતા. અકસ્માત સર્જાતા બંને ટ્રકના ચાલકો, પોતાની ટ્રક લઈને ઘટના સ્થળેથી ફરાર થયા હતા. ઘટનાને પગલે સ્થાનિકો તેમજ રાહદારીઓની ભીડ જમા થઈ હતી અને લોકોએ કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. જેમાં કારમાં સવાર આદેશકુમાર, અંજલિ અને આરતી ત્રણ લોકોને ગંભીર ઈજાઓ થતા તેમને 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં નવસારી ગ્રામ્ય પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે અકસ્માત કેવી રીતે સર્જાયો એની માહિતી મેળવી, સાથે જ અકસ્માતને કારણે સર્જાયેલા ટ્રાફિક જામને પણ હળવો કરાવ્યો હતો. સમગ્ર મુદ્દે ગ્રામ્ય પોલીસે અકસ્માતનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હતી.

Continue Reading

અકસ્માત

મરોલી ઉભરાટ માર્ગ પર કાર ભેંસના ટોળા સાથે ભટકાતા 4 ભેંસોના મોત

Published

on

By

અકસ્માતમાં કાર ચાલક પણ ગંભીર રીતે ઘવાયો

નવસારી : નવસારીના મરોલીથી ઉભરાટ પ્રવાસન ધામ તરફ જતા ગત રાતે એક પૂર ઝડપે દોડતી કાર અચાનક રસ્તા પર આવી ચડેલા ભેંસોના ટોળા સાથે ભટકાઈ હતી. અકસ્માતમાં 4 ભેંસોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે ગંભીર રીતે ઘવાયેલા કાર ચાલકને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

રાતના અંધારામાં રસ્તા પર સ્ટ્રીટ લાઈટના અભાવમાં થયો અકસ્માત

મળતી માહિતી અનુસાર, નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના મરોલી ગામેથી કાંઠાના ઉભરાટ પ્રવાસન ધામ તરફ ગત રાતે એક સુરત પાસિંગની કાર પુર ઝડપે દોડી રહી હતી. જોકે માર્ગ પર એક ઠેકાણે રસ્તા ઉપર ભેંસોનું ટોળું ચાલી રહ્યું હતું, જેમાં અંધારાને કારણે ભેંસ ન દેખાતા અને કારની ઝડપ હોવાથી ચાલક યુવાને ભેંસોના ટોળામાં કાર ભટકાવી દીધી હતી. આ ગમખ્વાર અકસ્માતમાં 4 ભેંસોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે કાર પલટી મારીને રસ્તાની કિનારે જઈ પડતા, કારના આગળના ભાગે ભારે નુકશાન પહોંચ્યું હતું. અકસ્માતમાં કાર ચાલક તેમજ તેની સાથે બેઠેલ અન્ય એક યુવાન પણ ગંભીર રીતે ઘવાયા હતા. જેમને સ્થાનિક લોકોએ કારમાંથી બહાર કાઢી, સારવાર અર્થે ખસેડ્યા હતા. ઘટનાની જાણ થતા મરોલી પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. અકસ્માતને કારણે સર્જાયેલા ટ્રાફિકને હળવો કરાવ્યો હતો અને સમગ્ર મુદ્દે તપાસ હાથ ધરી હતી. ઉલ્લેખનિય છે કે, મરોલી ઉભરાટ માર્ગ પર શનિ રવિની રજાઓમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉભરાટ પ્રવાસન ધામ ખાતે આવતા હોય છે, પરંતુ આ માર્ગ ઉપર સ્ટ્રીટ લાઈટનો અભાવ રહેતા અવાર નવાર અકસ્માતો થાય છે. જેમાં ઘણીવાર લોકોએ જીવ ગુમાવવાનો વારો પણ આવે છે.

Continue Reading

અકસ્માત

નેશનલ હાઇવે પર વેસ્મા ઓવરબ્રિજ પર ટેમ્પો પલટ્યો, ચાલકનો બચાવ

Published

on

By

વેસ્મા પાસે ત્રણ દિવસમાં થયો ચોથો અકસ્માત

નવસારી : નેશનલ હાઈવે નં. 48 પર રોજના ક્યાંકને ક્યાંક અકસ્માત થતા રહે છે. જેમાં પણ નવસારી જિલ્લાનાં ઘણા સ્થળો અકસ્માત ઝોન બની ગયા છે. વેસ્મા નજીકનો હાઇવે પણ અકસ્માત ઝોન બની રહ્યો છે, આજે વેસ્મા ઓવરબ્રિજ ઉપરથી પુર ઝડપે અમદાવાદ તરફ જઈ રહેલો ટેમ્પો પલટી ગયો હતો, જોકે અકસ્માતમાં ટેમ્પો ચાલકનો આબાદ બચાવ થયો હતો.

નવસારી ગ્રામ્ય પોલીસે ક્રેનથી ટેમ્પોને હટાવી, ટ્રાફિક સુચારૂ કરાવ્યો

નવસારી જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે નં. 48 પર અવાર નવાર કોઈને કોઈ કારણોથી વાહનો અકસ્માતના ભોગ બનતા રહે છે. ક્યારેક સ્પીડ વધુ હોવાથી, ઝોંકુ આવી જવાથી, સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા કે અન્ય વાહન ટ્રેક બદલીને સામેના ટ્રેક પર આવી જતા. જોકે મોટાભાગના અકસ્માત ઓવર સ્પીડીંગને કારણે થતા હોય છે. નવસારીના વેસ્મા ગામ નજીક છેલ્લા ત્રણ દિવસોમાં અકસ્માતની હારમાળા સર્જાઇ છે, આજે સાંજના સમયે એક બારડોલી પાસીંગનો ટેમ્પો વેસ્મા ઓવરબ્રીજ ઉપર પુર ઝડપે હોવાથી ચાલક સ્ટીયરીંગ ઉપર કાબુ ન રાખી શક્યો અને ટેમ્પો પલટી ગયો હતો. અકસ્માતમાં ટેમ્પો ચાલકનો આબાદ બચાવ થયો હતો. જયારે અકસ્માતને કારણે હાઇવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો. ઘટનાની જાણ થતા નવસારી ગ્રામ્ય પોલીસની વેસ્મા ચોકીના પોલીસ કર્મીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ટેમ્પોને ક્રેનની મદદથી ઓવરબ્રિજ પરથી હટાવી, ટ્રાફિક સુચારૂ કરાવ્યો હતો. સમગ્ર મુદ્દે ગ્રામ્ય પોલીસે અકસ્માતનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હતી.

Continue Reading
Advertisement

Trending