અકસ્માત

કરૂન્તિકા : 4 બદમાશોએ ચાલતી ટ્રેને મોબાઈલ ઝૂંટવતા નીચે પટકાયેલા શિક્ષકે પગ ગુમાવ્યો

Published

on

કર્ણાવતી એક્સપ્રેસ ટ્રેનના દરવાજા પાસે બેસી મોબાઈલ પર વાત કરતા હતા શિક્ષક

નવસારી : નવસારીના વિજલપોર રેલ્વે ફાટકથી થોડે દૂર રેલ્વે ટ્રેક ઉપર દોડી રહેલી કર્ણાવતી એક્સપ્રેસ ટ્રેનના દરવાજા પાસે બેસીને મોબાઈલ ઉપર વાત કરી રહેલા શિક્ષકના હાથ ઉપર ચાર બદમાશોએ ઝાપટ મારી મોબાઈલ ઝૂંટવ્યો હતો. પરંતુ શિક્ષક પોતાનું બેલેન્સ ન રાખી શકતા તેઓ પણ ચાલતી ટ્રેને નીચે પટકાયા હતા. જેમાં શિક્ષકના બંને પગમાં ગંભીર ઈજાઓ થતા, તેમને તાત્કાલિક નવસારી સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન શિક્ષકે એક પગ ગુમાવવાની નોબત આવતા કરૂન્તિકા સર્જાઇ હતી.

જ્ઞાન સહાયક તરીકે નોકરી કરતા શિક્ષક સુરતથી વાપી જઇ રહ્યા હતા

મળતી માહિતી અનુસાર, સુરત શહેરના માતાવાડી વિસ્તારમાં રહેતા 35 વર્ષીય રાજેશ ધંધુકિયા શાળામાં જ્ઞાન સહાયક તરીકે ફરજ બજાવે છે. દહેજના લખીગામમાં ફરજ બજાવતા શિક્ષક રાજેશની બદલી વાપીના વાઘછીપા ગામે થઇ હતી. જેથી આજે સવારે કર્ણાવતી એક્સપ્રેસ ટ્રેનમાં રાજેશ ધંધુકિયા વાઘછીપા ગામની શાળા જોવા જઈ રહ્યા હતા. ટ્રેનના દરવાજા પાસે બેઠેલા શિક્ષક રાજેશ મોબાઈલ ઉપર કોઈની સાથે વાત કરી રહ્યા હતા, ત્યારે ટ્રેન નવસારી રેલ્વે સ્ટેશનની વિજલપોર ફાટકથી આગળ આંબેડકર નગર અને રામનગર પાસેથી પસાર થઇ રહી હતી, ત્યારે રેલ્વે ટ્રેક ઉપર ચાર યુવાનો ઉભા હતા. દરમિયાન અચાનક રાજેશના મોબાઈલ ઉપર કોઈએ ઝાપટ મારી અને તેમનો 50 હજાર રૂપિયાનો મોબાઈલ ફોન ઝૂંટવી લીધો હતો. પરંતુ આ ઘટનામાં એક બદમાશનો હાથ રાજેશના બેગમાં ભેરવાય ગયો હતો, જેથી રાજેશ પોતાનું બેલેન્સ ન રાખી શકતા તેઓ પણ ચાલુ ટ્રેને નીચે ટ્રેક પર પટકાયા હતા અને તેમના બંને પગ ટ્રેનમાં આવી જતા ગંભીર રીતે ઘવાયા હતા. ઘટના બાદ ચારેય બદમાશો ઘટના સ્થળેથી ભાગી છૂટ્યા હતા. બીજી તરફ કોઈ ટ્રેનમાંથી પટકાયુ હોવાનું જાણતા જ સ્થાનિકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને રાજેશને તાત્કલિક એમ્બ્યુલન્સમાં નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. જ્યાં ફરજ પરના ડોકટરે તેમને ચકાસતા તેમના ડાબા પગના ઘૂંટણ નીચેનો પગ ફક્ત સ્નાયુ ઉપર જ ટકેલો હતો. જેનું ઓપરેશન કરવા છતાં શિક્ષકે પાછળથી પગ કપાવવા પડે એવી સ્થિતિ હતી, જેથી ડોકટરોએ શિક્ષક રાજેશ ધંધુકિયાનો ડાબો પગ કાપવાનો નિર્ણય કર્યો હતો. જયારે જમણા પગમાં પણ ઓપરેશન કરવા પડ્યુ હતું.

સરકાર મદદ રૂપ થાય અને આવા બદમાશોની સામે કડક કાર્યવાહી કરે – રાજેશ ધંધુકિયા

ચાર યુવાનોની મોબાઈક તફડાવવાની લાલચે એક શિક્ષકે પોતાનો પગ ગુમાવવો પડ્યો છે, સાથે જ ઘરમાં કમાઉ એક જ વ્યક્તિ હોવાથી પરિવાર ઉપર પણ આભ તૂટી પડ્યુ હોય એવી સ્થિતિ બની છે. સાથે જ રાજેશ કેવી રીતે નોકરી કરી શકશે એ પણ પ્રશ્ન છે, એક તો જ્ઞાન સહાયક છે અને કાયમી થવાના સપના જોતા હતા. ત્યારે સરકાર તેમની સ્થિતિ વિષે વિચારી મદદરૂપ થાય એવી આશા રાજેશે સેવી છે. સાથે જ મોબાઈલ ઝૂંટવનારા બદમાશોને પકડી, તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે એવી માંગ કરી છે. ઉલ્લેખનિય છે કે, ટ્રેનના દરવાજા પાસે ઉભા રહી કે બેસીને મોબાઈલ જોતા કે વાત કરતા લોકોને આવા બદમાશ યુવાનો રેલ્વે ટ્રેક ઉપર ઉભા રહી ચાલુ ટ્રેને નિશાન બનાવી મોબાઈલ તફડાવી લેતા હોય છે. પરંતુ થોડા હજાર રૂપિયાના મોબાઈલ માટે ક્યારેક કોઈના જીવ પર આવી બને છે અને તેનો પરિવાર લાચાર બની જાય છે. 

બદમાશે ચાલતી ટ્રેને મોબાઈલ ઝુંટવતા, શિક્ષક નીચે પટકાયા, પગ ગુમાવ્યો

Click to comment

Trending

Exit mobile version