Connect with us

અકસ્માત

નેશનલ હાઇવે પર વેસ્મા ઓવરબ્રિજ પર ટેમ્પો પલટ્યો, ચાલકનો બચાવ

Published

on

વેસ્મા પાસે ત્રણ દિવસમાં થયો ચોથો અકસ્માત

નવસારી : નેશનલ હાઈવે નં. 48 પર રોજના ક્યાંકને ક્યાંક અકસ્માત થતા રહે છે. જેમાં પણ નવસારી જિલ્લાનાં ઘણા સ્થળો અકસ્માત ઝોન બની ગયા છે. વેસ્મા નજીકનો હાઇવે પણ અકસ્માત ઝોન બની રહ્યો છે, આજે વેસ્મા ઓવરબ્રિજ ઉપરથી પુર ઝડપે અમદાવાદ તરફ જઈ રહેલો ટેમ્પો પલટી ગયો હતો, જોકે અકસ્માતમાં ટેમ્પો ચાલકનો આબાદ બચાવ થયો હતો.

નવસારી ગ્રામ્ય પોલીસે ક્રેનથી ટેમ્પોને હટાવી, ટ્રાફિક સુચારૂ કરાવ્યો

નવસારી જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે નં. 48 પર અવાર નવાર કોઈને કોઈ કારણોથી વાહનો અકસ્માતના ભોગ બનતા રહે છે. ક્યારેક સ્પીડ વધુ હોવાથી, ઝોંકુ આવી જવાથી, સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા કે અન્ય વાહન ટ્રેક બદલીને સામેના ટ્રેક પર આવી જતા. જોકે મોટાભાગના અકસ્માત ઓવર સ્પીડીંગને કારણે થતા હોય છે. નવસારીના વેસ્મા ગામ નજીક છેલ્લા ત્રણ દિવસોમાં અકસ્માતની હારમાળા સર્જાઇ છે, આજે સાંજના સમયે એક બારડોલી પાસીંગનો ટેમ્પો વેસ્મા ઓવરબ્રીજ ઉપર પુર ઝડપે હોવાથી ચાલક સ્ટીયરીંગ ઉપર કાબુ ન રાખી શક્યો અને ટેમ્પો પલટી ગયો હતો. અકસ્માતમાં ટેમ્પો ચાલકનો આબાદ બચાવ થયો હતો. જયારે અકસ્માતને કારણે હાઇવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો. ઘટનાની જાણ થતા નવસારી ગ્રામ્ય પોલીસની વેસ્મા ચોકીના પોલીસ કર્મીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ટેમ્પોને ક્રેનની મદદથી ઓવરબ્રિજ પરથી હટાવી, ટ્રાફિક સુચારૂ કરાવ્યો હતો. સમગ્ર મુદ્દે ગ્રામ્ય પોલીસે અકસ્માતનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હતી.

અકસ્માત

આમરી કસબા માર્ગ પર બે હાઈવા ટ્રક ભટકાતા એકનું મોત એક ઘાયલ

Published

on

By

બાઈક ચાલકને બચાવવા જતા હાઈવા ડિવાઇડર કૂદી અન્ય હાઈવા સાથે અથડાયો

નવસારી : નવસારીના આમરી કસ્બા માર્ગ પરથી રોજના મોટી સંખ્યામાં ઓવર લોડેડ હાઈવા ટ્રક પસાર થતા હોય છે. ગતરોજ સાંજના સમયે ઓવરટેક કરવા જતા હાઈવા ટ્રકના ચાલકે સામેથી આવેલા બાઇક ચાલકને બચાવવા જતા ટ્રક ડિવાઇડર કુદાવી અને સામે ઉભેલા અન્ય હાઈવા ટ્રક સાથે ધડાકાભેર અથડાવી દીધો હતો. આકસ્માતમાં એક ચાલકનું મોત, જ્યારે બીજા ચાલકને ગંભીર અવસ્થામાં હોસ્પિટલ ખસેડ્યો હતો.

વારંવાર થતાં અકસ્માતોથી ગ્રામજનોમાં ભયનો માહોલ

મળતી માહિતી અનુસાર, નવસારીના આમરી કસ્બા માર્ગ ઉપરથી રોજના મોટી સંખ્યામાં ભારે વાહનો પસાર થાય છે. જેના કારણે છાસવારે અકસ્માતો થવાની ઘટનાઓ સામે આવતી રહે છે. ભારે વાહનોની બેફામ દોડથી આમરીના ગ્રામજનોમાં ભયનો માહોલ રહે છે. ત્યારે ગત રોજ સાંજના સમયે એક હાઈવા ટ્રકના ચાલકે ઓવરટેક કરવાની લાહ્યમાં સામેથી આવતી એક બાઈકને બચાવવા જતા ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા હાઈવા ડીવાઈડર કૂદી સામેના ટ્રેક ઉપર ઉભેલા અન્ય હાઈવા ટ્રક સાથે ભટકાયો હતો. અકસ્માતમાં હાઈવા નજીક ઉભેલા ચાલક અને સુરતના હજીરા ખાતે રહેતા મૂળ બિહારના અરૂણ ભારતીનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજ્યુ હતુ. જ્યારે અકસ્માત સર્જનાર હાઈવા ટ્રકના ચાલક અને સુરતના ડિંડોલી ખાતે રહેતા મૂળ યુપીના મનજીત સરોજ ગંભીર રીતે ઘાયલ થતા, એને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાને પગલે ગ્રામજનો તેમજ રાહદારીઓ ભેગા થયા હતા. નવસારી ગ્રામ્ય પોલીસને ઘટનાની જાણ થતાં પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતક ચાલકના મૃતદેહને પીએમ અર્થે નવસારી સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. જ્યારે અકસ્માતને કારણે સર્જાયેલા ટ્રાફિક જામને હળવો કર્યો હતો. સમગ્ર મુદ્દે પોલીસે મનજીત સરોજ સામે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ આરંભી હતી.

Continue Reading

અકસ્માત

લૂટના આરોપીએ ગ્રામ્ય પોલીસ મથકના બાથરૂમમાં ફિનાઈલ પીધુ, સારવાર હેઠળ

Published

on

By

29 ઓગસ્ટે નવસારી LCB પોલીસે ત્રણ લૂટારૂઓને સુરતથી પકડ્યા હતા

નવસારી : નવસારી પોલીસે થોડા દિવસ અગાઉ રાજ્યવ્યાપી લૂટ અને લૂટ વીથ મર્ડરના ગુનામાં પકડેલા લૂટારૂઓમાંથી એકે ગત રોજ પોલીસ રિમાન્ડ દરમિયાન નવસારી ગ્રામ્ય પોલીસ મથકમાં લઘુશંકાના બહાને બાથરૂમમાં જઈ ફિનાઈલ પી લેતા નવસારી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યો હતો. જેની તબિયત હાલ સ્થિર હોવાની માહિતી મળી હતી.

લૂટારને નવસારી સિવિલ હોસ્પિટલના જેલ વોર્ડમાં સારવાર હેઠળ રખાયો

મળતી માહિતી અનુસાર, નવસારી LCB પોલીસે ગત 29 ઓગસ્ટના રોજ સુરતના કામરેજથી ત્રણ લૂટારૂઓને પકડ્યા હતા. આરોપી લૂટારૂ ટોળકી ગુજરાતના વિવિધ શહેરોમાં લોકોને કારમાં લિફ્ટ આપી અથવા અન્ય પ્રકારે અપહરણ કરી, તેની સાથે મારપીટ કરીને લૂટી લેતી હતી. આરોપીઓએ નવસારીના જલાલપોરના કુચેદ ગામ પાસે પણ એક વૃદ્ધની મોપેડને ટક્કર મારી, તેમને દવાખાને લઈ જવાના બહાને પોતાની કારમાં અપહરણ કરી, 1.67 લાખ રૂપિયાની લૂટ લચાવી, વૃદ્ધને અવાવરૂ જગ્યાએ ઉતારીને નાસી છૂટ્યા હતા. આરોપીઓ સામે લૂટ વીથ મર્ડરનો ગુનો પણ નોંધાયો હતો. ત્યારે રીઢા લૂટારૂ કલ્પેશ ઉર્ફે કાળીયો મકવાણા, સુનિલ ઉર્ફે મંગા ઓગણીયા અને મહેશ સોલંકીની ધરપકડ કરી, રિમાન્ડ મેળવી વધુ તપાસ નવસારી ગ્રામ્ય પોલીસને સોંપી હતી. દરમિયાન ગત રોજ આરોપી લૂટારૂ મહેશ સોલંકી નવસારી ગ્રામ્ય પોલીસ મથકમાં લઘુશંકાના બહાને બાથરૂમમાં ગયો હતો. જ્યાં બાથરૂમમાં મુકેલ ફિનાઇલની બાટલી ઉંચકી તેમાંથી ફિનાઈલ ગટગટાવી લીધુ હતુ. ઘટનાની જાણ થતા જ ગ્રામ્ય પોલીસ દોડતી થઈ હતી અને આરોપી મહેશને તત્કાલિક નવસારી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં ડોક્ટરે તેની સારવાર શરૂ કરતા હાલ તેની સ્થિતિ સ્થિર હોવાની માહિતી મળી છે. જોકે ઘટનાને લઈ પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે.

Continue Reading

અકસ્માત

મરોલી ચાર રસ્તા પાસે ડમ્પરે બાઈકને અડફેટે લેતા બેના મોત

Published

on

By

અકસ્માત સર્જ્યા બાદ ડમ્પર ચાલક ઘટના સ્થળેથી થયો ફરાર

નવસારી : નવસારી સુરત માર્ગ ઉપર આજે મળસ્કે મરોલી ચાર રાતા નજીક એક ટ્રક ચાલકે બાઈકને અડફેટે લેતા બાઈક સવાર બે યુવાનોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. અકસ્માત સર્જ્યા બાદ ટ્રક ચાલક ઘટના સ્થળેથી ફરાર થતા પોલીસે તેનું પગેરૂ શોધવા તપાસ આરંભી છે.

ટ્રક અડફેટે મોતને ભેટનારા બંને યુવાનો નવસારીના જલાલપોર વિસ્તારના

મળતી માહિતી અનુસાર, નવસારીના જલાલપોર લીમડા ચોક વિસ્તારમાં રહેતો 31 વર્ષીય પ્રદીપ દેડાણીયા અને તેનો મિત્ર શહેરના બંદર રોડ વિસ્તારમાં રહેતો 27 વર્ષીય જુબેર શેખ આજે વહેલી સવારે બાઈક ઉપર સુરતના સચિન સ્થિત SMT કંપનીમાં નોકરીએ જઈ રહ્યા હતા. દરમિયાન નવસારી સુરત માર્ગ ઉપર મરોલી ચાર રસ્તાની થોડે દૂર એક ટ્રકે જુબેરની બાઈકને અડફેટે લેતા બાઈક ફસડાઈ પડી હતી અને બંને રસ્તા પર પટકાયા હતા. જેમાં જુબેરને માથામાં ગંભીર ઈજા થતા તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે પ્રદીપના શરીર પરથી ટ્રકનું પાછલું ટાયર ફરી વળતા તેનું પણ ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું. અકસ્માત સર્જ્યા બાદ ટ્રક ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. જ્યારે રાહદારીઓ અને સ્થાનિકોએ મરોલી પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચી બંને યુવાનોના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે મરોલી CHC ખાતે ખસેડ્યા હતા. જ્યારે સમગ્ર મુદ્દે અકસ્માત મોતનો ગુનો નોંધી, ફરાર થયેલા ટ્રક ચાલકને શોધવાની કવાયત હાથ ધરી હતી. જેમાં પોલીસે મરોલી ચાર રસ્તા સહિત અન્ય સ્થળોના CCTV ફૂટેજ મેળવી અકસ્માત સર્જનાર ટ્રેકને ઓળખી તો કાઢી, તેને શોધવાના ચક્રો ગતિમાન કર્યા છે.

Continue Reading
Advertisement

Trending