નવસારી : નેશનલ હાઈવે નં. 48 પર રોજના ક્યાંકને ક્યાંક અકસ્માત થતા રહે છે. જેમાં પણ નવસારી જિલ્લાનાં ઘણા સ્થળો અકસ્માત ઝોન બની ગયા છે. વેસ્મા નજીકનો હાઇવે પણ અકસ્માત ઝોન બની રહ્યો છે, આજે વેસ્મા ઓવરબ્રિજ ઉપરથી પુર ઝડપે અમદાવાદ તરફ જઈ રહેલો ટેમ્પો પલટી ગયો હતો, જોકે અકસ્માતમાં ટેમ્પો ચાલકનો આબાદ બચાવ થયો હતો.
નવસારી જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે નં. 48 પર અવાર નવાર કોઈને કોઈ કારણોથી વાહનો અકસ્માતના ભોગ બનતા રહે છે. ક્યારેક સ્પીડ વધુ હોવાથી, ઝોંકુ આવી જવાથી, સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા કે અન્ય વાહન ટ્રેક બદલીને સામેના ટ્રેક પર આવી જતા. જોકે મોટાભાગના અકસ્માત ઓવર સ્પીડીંગને કારણે થતા હોય છે. નવસારીના વેસ્મા ગામ નજીક છેલ્લા ત્રણ દિવસોમાં અકસ્માતની હારમાળા સર્જાઇ છે, આજે સાંજના સમયે એક બારડોલી પાસીંગનો ટેમ્પો વેસ્મા ઓવરબ્રીજ ઉપર પુર ઝડપે હોવાથી ચાલક સ્ટીયરીંગ ઉપર કાબુ ન રાખી શક્યો અને ટેમ્પો પલટી ગયો હતો. અકસ્માતમાં ટેમ્પો ચાલકનો આબાદ બચાવ થયો હતો. જયારે અકસ્માતને કારણે હાઇવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો. ઘટનાની જાણ થતા નવસારી ગ્રામ્ય પોલીસની વેસ્મા ચોકીના પોલીસ કર્મીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ટેમ્પોને ક્રેનની મદદથી ઓવરબ્રિજ પરથી હટાવી, ટ્રાફિક સુચારૂ કરાવ્યો હતો. સમગ્ર મુદ્દે ગ્રામ્ય પોલીસે અકસ્માતનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હતી.