નવસારી ગ્રામ્ય પોલીસે અમદાવાદ રાજકોટ હાઇવે પર કલ્યાણગઢ ખાતેથી ઠગને પકડી પાડ્યો
નવસારી : નવસારીમાં વર્ષ 2023 માં રોયલ એગ્રો નામની દુકાન ખોલી, આશ્રમ માટે લાખોના પતરા અને ફર્નિચર ખરીદી તેના રૂપિયા નહીં આપી છેતરપિંડી કરનાર ઠગને નવસારી ગ્રામ્ય પોલીસે અમદાવાદ રાજકોટ હાઇવે પર કલ્યાણ ગઢ ખાતેથી પકડી પાડ્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી તપાસ આરંભી છે.
આરોપીએ ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેંકના બંધ ખાતાના ચેક આપી કરી હતી છેતરપિંડી

મળતી માહિતી અનુસાર, નવસારીના કબીલપોર GIDC સ્થિત રુદ્ર કોમ્પલેક્ષમાં કચ્છના હરીશ વેલજી ભાનુશાળી અને યોગેશ ભગવાન પટેલ, અમદાવાદ ખાતે રહેતા રોહિત ઉર્ફે જગત ઉર્ફે જગદીશ તેમજ ખેડા જિલ્લાના નડિયાદ ખાતે રહેતા ભરત મણીલાલ પટેલ, આ ચારેય વ્યક્તિઓએ વર્ષ 2023 માં રોયલ એગ્રો નામની દુકાન શરૂ કરી હતી. ત્યારબાદ જાન્યુઆરી મહિનામાં હરીશ ભાનુશાળીએ વિજલપોર ખાતે આવેલ ખોડીયાર સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝમાંથી ફર્નિચર લેવાની વાત કરી હતી. જેથી ખોડીયાર ઇન્ડસ્ટ્રીઝના માલિક દ્વારા તેમને ફર્નિચર બતાવી તેનું કુલ બિલ 1.91 લાખ રૂપિયા થતું હોવાનું કહી 50 ટકા એડવાન્સ આપવાની જણાવ્યું હતું. જેમાં પ્રથમ તેણે 5000 રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કર્યા હતા. ત્યારબાદ ટેમ્પો સાથે ફર્નિચર લેવા પહોંચેલા હરીશ ભાનુશાળીએ ખોડીયાર ઇન્ડસ્ટ્રીઝના માલિકને વિશ્વાસમાં લઈ, 4 લાકડાના કબાટ, 4 બેડ, 3 ડ્રેસીંગ ટેબલ અને 4 ગાદલા ટેમ્પોમાં ભરાવી 1.85 લાખ રૂપિયાનો ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેંકનો બંધ ખાતાનો ચેક આપી, ત્યાંથી રવાના થઈ ગયો હતો. એજ પ્રમાણે નવસારીની કબીલપોર GIDC માં આવેલ સત્યમ ઇન્ડસ્ટ્રીઝમાંથી આશ્રમમાં પતરા આપવાનું કહીને 3.72 લાખ રૂપિયાના પતરા ખરીદ્યા હતા અને એને પણ એ જ પ્રમાણે ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેન્કનો બંધ ખાતાનો ચેક આપી પતરા ટેમ્પોમાં ભરાવી લઈ ગયા હતા. સમગ્ર પ્રકરણમાં બંને વેપારીઓને ચેક બાઉન્સ થતાં છેતરાયાનો અનુભવ થયો હતો. જેથી ખોડીયાર સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝના કિશોર હાપલિયાએ તેમજ સત્યમ ઇન્ડસ્ટ્રીઝના રતિભાઈ ડોલરે નવસારી ગ્રામ્ય પોલીસ મથકે હરીશ ભાનુશાળી તેમજ તેના સાથીદારો સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. જેની તપાસમાં હાલ નવસારી ગ્રામ્ય પોલીસને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી બાતમી મળી હતી કે, આ છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલ આરોપી અને નડિયાદની મહાવીર સોસાયટીમાં રહેતો સુરેશ વાલજી ઇટાલીયા (47) હાલ અમદાવાદ રાજકોટ હાઇવે પર આવેલ કલ્યાણગઢ રાજગૃહ તીર્થ પાસે છે. જેથી ગ્રામ્ય પોલીસની એક ટીમ કલ્યાણગઢ ખાતે પહોંચી હતી અને આરોપી સુરેશ ઇટાલીયાને દબોચી લીધો હતો. પોલીસે છેતરપિંડીના ગુનામાં સુરેશ ઇટાલીયાને નવસારી લાવી, તેની ધરપકડ કરી આગળની તપાસને વેગ આપ્યો છે.