હત્યાના ગણતરીના કલાકોમાં પોલીસે હત્યારાની કરી ધપરકડ
નવસારી : પેટના દુઃખાવાનો ઉપચાર નહીં, પણ તાંત્રિક વિધિ કરાવવા વાઘાબારીના ભગત પાસે પહોંચેલો ગામનો દર્દી જ હત્યારો નીકળતા ચકચાર મચી જવા પામી છે. વાંસદાના વાંદરવેલા ગામેથી નદી કિનારે માથું છે છૂંદાયેલી હાલતમાં મળેલ ભગતની હત્યાનો ભેદ નવસારી LCB પોલીસે ગણતરીના કલાકોમાં જ ઉકેલીને, હત્યારાને દબોચી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.
ધીરૂ પટેલની અંધશ્રદ્ધા : પેટનો દુઃખાવો દૂર કરવા દવા નહીં, પણ તાંત્રિક વિધિ કરાવી

જિલ્લાના આદિવાસી પટ્ટામાં અંધશ્રદ્ધાને કારણે લોકો નાની-મોટી બીમારીઓમાં દવાખાને જવાને બદલે તાંત્રિક વિધિ કરનારા ભગતો પાસે જતા હોય છે. આવી જ એક ઘટનામાં નવસારીના વાંસદા તાલુકાના વાઘાબારી ગામના ધીરૂ મિઠ્ઠલ પટેલ છેલ્લા કેટલાક દિવસથી પેટના દર્દથી પીડાતો હતો. જેણે પેટના દુઃખાવાની યોગ્ય દવા કરાવવાને બદલે, તાંત્રિક વિધિ કરતાં ગામના જ ભગત ઝીણા પટેલનો સંપર્ક કર્યો હતો. ઝીણા પટેલે ધીરૂને તાંત્રિક વિધિથી દુઃખાવો મટાડી આપવાનું આશ્વાસન આપતા ધીરૂ તેની પાસે વિધિ કરાવવા તૈયાર થયો હતો.
વિધિમાં ઝીણા ભગતે ધીરૂને પીઠમાં ધબાટ મારતા થઈ માથાકૂટ અને ઝીણા ભગતને મોત મળ્યું

ઝીણા ભગતે ગઈ કાલે રાત્રે વાંસદાના વાંદરવેલા ગામે ગીતામણી નદીના કિનારે પીપળાના ઝાડ નીચે વિધિ કરવાનું નક્કી કર્યુ હતું. જેથી ઝીણા ભગત અને ધીરૂ પટેલ બંને ત્યાં પહોંચ્યા હતા. વિધિ ચાલી રહી હતી તે દરમિયાન ઝીણા ભગતે અચાનક ધીરૂની પીઠ પર ધબાટ મારતા ધીરૂ અકળાયો હતો અને બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ ઝઘડામાં ધીરૂ પટેલે આવેશમાં આવી ઝીણા ભગતના માથામાં પથ્થર મારી, તેમનું માથું છુંદી નાખ્યું હતું. એટલું જ નહીં, ઓળખ છુપાવવા માટે આરોપીએ ભગતના ચહેરાને સળગાવી દીધો હતો અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આજે સવારે જ્યારે ગ્રામજનોએ નદી કિનારે મૃતદેહ જોતા તાત્કાલિક વાંસદા પોલીસને જાણ કરી હતી. વાંસદા પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતક ઝીણા પટેલના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે વાંસદા રેફરલ હોસ્પિટલ ખસેડ્યો હતો.
ઝીણા ભગતના સંપર્કમાં આવેલા લોકોના નિવેદન અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી હત્યારો ધીરૂ પકડાયો

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ચીખલી વિભાગના નાયબ પોલીસ અધિક્ષક અને ઇન્ચાર્જ પોલીસ વડા ભગીરથસિંહ ગોહિલ અને નવસારી LCB પોલીસની ટીમ તપાસમાં જોડાઈ હતી. ઘટનાસ્થળેથી પોલીસને નારિયેળ, લીંબુ અને પૂજાનો અન્ય સામાન મળી આવ્યો હતો, જેના આધારે પોલીસે પ્રાથમિક તારણ કાઢ્યું કે ઝીણા ભગત કોઈકની સાથે વિધિ કરવા આવ્યા હતા અને બાદમાં તેમની હત્યા થઈ છે. જેથી નવસારી LCB પોલીસે ઝીણા ભગત સાથે સંકળાયેલા લોકોના નિવેદનો લેવાનું શરૂ કર્યું હતું. જેમાં ઝીણા ભગત છેલ્લે ધીરૂ પટેલ સાથે ગયા હોવાનું જાણવા મળ્યુ અને પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી હત્યારા ધીરૂનું પગેરું શોધી કાઢ્યું હતું. પોલીસે ધીરૂની પૂછપરછ કરતા તે ભાંગી પડ્યો હતો અને તેણે ઝીણા પટેલની હત્યાની કબૂલાત કરી હતી. જેથી નવસારી LCB પોલીસે ગણતરીના કલાકોમાં જ ભગતના હત્યારા ધીરૂ પટેલની ધરપકડ કરીને તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. ઉલ્લેખનિય છે કે, ઝીણા ભગતની હત્યાની ઘટનાએ અંધશ્રદ્ધામાં ગુનાખોરી તરફ જતા વાર નથી લાગતીના તર્કને ફરી એકવાર સમર્થન આપ્યુ છે.