સાંસદ ધવલ પટેલની રજૂઆતોને પગલે અઠવાડિયામાં જ સહાય મળતા, સાંસદે મુખ્યમંત્રીનો આભાર માન્યો
નવસારી : નવસારી જિલ્લાના ચીખલી અને વાંસદા તાલુકામાં ગત અઠવાડિયે ત્રાટકેલા તોફાની વાવાઝોડામાં અસરગ્રસ્ત 32 ગામડાઓના લોકોને વલસાડના સંસદ ધવલ પટેલે સ્નવેદના સાથે પ્રથમ દિવસથી જ મદદનો હાથ લંબાવ્યો હતો. પરંતુ કુદરતી આફતનો ભોગ બનેલા લોકોને વહેલામાં વહેલી ગુજરાત સરકાર પણ સહાય આપે એવી માંગ સાથે પત્ર પાઠવ્યો હતો. જેને ધ્યાને લઈ સરકાર દ્વારા ત્વરિત સહાય આપવાનો નિર્ણય કર્યો અને આવતી કાલે અસરગ્રસ્તો સુધી સહાય પહોંચશે. જેને લઈને વલસાડના સાંસદ ધવલ પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો.
વાવાઝોડામાં નવસારીના બે તાલુકાના 32 ગામડાઓ થયા હતા અસરગ્રસ્ત

અઠવાડિયા અગાઉ નવસારીમાં આવેલા ભયાનક વાવાઝોડાના કારણે નવસારી જિલ્લાના કુલ 32 ગામડાઓને ગંભીર અસર થઈ હતી. જેમાં ચીખલીના તલાવચોરા અને વાંસદાના સીણધઈ ગામે થોડી મિનીટોમાં જ વાવાઝોડાએ તબાહી ફેલાવી હતી. વાવાઝોડામાં બંને ગામો સહિત જિલ્લાના 32 ગામડાઓમાં અંદાજે 3.5 હજાર મકાનોના પતરા ઉડ્યા હતા અને કેટલાક મકાનોની દીવાલો અથવા આખેઆખા મકાન જ ધરાશાયી થતા લોકોને ખુલ્લા આકાશ નીચે રહેવાનો વારો આવ્યો છે.
સાંસદ ધવલ પટેલે પ્રથમ દિવસથી જ ભાજપી કાર્યકરોની સાથે મહેકાવી સેવાની સુવાસ

વાવાઝોડાની ખબર મળતા જ વલસાડના સંસદ ધવલ પટેલ એક્ટિવ થયા હતા અને એમના મત વિસ્તાર વાંસદા વિધાનસભા ક્ષેત્રના ગામોને મદદ પહોંચાડવાનો પ્રયાસ આરંભ્યો હતો. ખાસ કરીને વાંસદાના ભાજપી આગેવાનો અને કાર્યક્રેઓની મદદથી સીણધઈ ગામના વધુ પ્રભાવિત ત્રણ ફળિયાઓમાં જીવન જરૂરિયાતની વસ્તુઓની કીટ તેમજ પતરા ખુદ નાદુરસ્ત તબિયત હોવા છતાં પહોંચાડ્યા હતા. સાથે જ સાંસદ ધવલ પટેલે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, નાણામંત્રી કનુ દેસાઈ અને કૃષિ મંત્રી રાઘવજી પટેલને તાત્કાલિક અસરથી અસરગ્રસ્તોને સંપૂર્ણ સર્વે થાય અને ખેતીના નુકશાનનું પણ યોગ્ય સર્વે કરવામાં આવે અને ત્યારબાદ રાજ્ય સરકાર ત્વરિત સહાય પહોંચાડે એવી વિનંતી કરી હતી. સંસદ ધવલ પટેલના પત્રને સરકારે ગંભીરતાથી ધ્યાને લઈ જિલ્લાના વાવાઝોડાના અસરગ્રસ્તોને અઠવાડિયામાં જ સહાય પહોંચાડવાનો નિર્ણય કર્યો અને આવતી કાલે તેમને સહાય પહોંચશે. ત્યારે સરકારના નિર્ણયને સાંસદ ધવલ પટેલે આવકાર્યો અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો આભાર વ્યક્ત કર્યો છે. સાથે જ સાંસદ ધવલ પટેલે આ વિકટ પરિસ્થિતિમાં ગ્રામજનોને મદદરૂપ થવા બદલ જિલ્લા સંગઠન તેમજ ખાસ કરીને વાંસદાના કાર્યકર્તાઓની મહેનત અને સેવા ભાવનાનો પણ વિશેષ આભાર માન્યો હતો.
સંકટના સમયે સરકારે સહાય પહોંચાડી પ્રજાલક્ષી સરકારનું આપ્યું ઉદાહરણ

વાવાઝોડાને કારણે જ્યારે લોકોના ઘર અને રોજી સમાન ખેતીમાં થયેલા નુકશાનની વેદના સાંભળી ગુજરાત સરકારે આટલા ટૂંકા ગાળામાં રાહત અને સહાય પહોંચાડીને સંકટ સમયે પ્રજાની પડખે ઊભા રહેવાની પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી છે.