નવસારી: છેલ્લા થોડા દિવસોથી નવસારી જિલ્લાના સાતેમ ગામમાં દીપડાના આંટાફેરાની જાણ થતા નવસારી વન વિભાગની ટીમે ગોઠવેલા પાંજરામાં આજે વહેલી સવારે એક અઢી વર્ષનો માદા દીપડો પુરાતા, ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.
સાતેમ ગામના બંધાર ફળિયામાં ગોઠવેલા પાંજરામાં દીપડો પુરાયો
નવસારી તાલુકાના સાતેમ ગામના બંધાર ફળિયા સહિત આસપાસના વિસ્તારોમાં છેલ્લા થોડા દિવસોથી દીપડાની અવરજવર વધતા ગ્રામજનોમાં ભયનો માહોલ બન્યો હતો. રહેણાંક વિસ્તાર સુધી દીપડો આવી જતા ગ્રામજનોએ તાત્કાલિક નવસારી વન વિભાગને જાણ કરી હતી. ગ્રામજનોની રજૂઆત મળતા જ વન વિભાગની ટીમે સત્વરે કાર્યવાહી કરી ગામના બંધાર ફળિયામાં ચેતનભાઈના ઘરની પાછળના વાડામાં મારણ સાથે એક પાંજરૂ ગોઠવ્યું હતું. જેમાં આજે વહેલી સવારે શિકારની શોધમાં નીકળેલો એક અઢી વર્ષનો માદા દીપડો પાંજરે પુરાયો હતો.
દીપડાને તબીબી સારવાર બાદ જંગલમાં છોડાશે
સાતેમ ગામે દીપડો પાંજરે પુરાયો હોવાની માહિતી મળતા જ વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને દીપડાનો કબ્જો લીધો હતો. વન વિભાગની તપાસમાં પકડાયેલો દીપડો માદા અને અઢી વર્ષનો હોવાનું જણાયું હતું. પકડાયેલા માદા દીપડાની તબીબી તપાસ કરાવ્યા બાદ તેને સુરક્ષિત રીતે જંગલ વિસ્તારમાં છોડવાની વન વિભાગે કવાયત હાથ ધરી છે.