સમાજ અને પાસના આગેવાનોને મળીને આંદોલનને વેગ આપશે
નવસારી : પાટીદાર આંદોલનમાં સુરતના કન્વિનર અલ્પેશ કથિરીયા સામે નોંધાયેલા કેસમાં 6 મહિના જેલ અને ત્યારબાદ કોર્ટે 6 મહિના સુરતની બહાર રહવાનો આદેશ કર્યો હતો. જેથી અલ્પેશ 6 મહિના નવસારીમાં રહ્યા બાદ સોમવારે કોર્ટે ફટકારેલી સજાની અવધિ પૂર્ણ થતા સુરત પરત ફરવાની તૈયારી કરી હતી. જેમના સ્વાગત માટે નવસારી અને સુરત પાસના કાર્યકરો નવસારી સ્થિત તેમના નિવાસે પહોંચ્યા હતા અને ફૂલહાર પહેરાવી શુભેચ્છા પાઠવી હતી.

પાટીદાર અનામત આંદોલનને સુરત સહીત દક્ષિણ ગુજરાતમાં વેગ આપનારા સુરતના અલ્પેશ કથીરિયા સામે પણ કેસો થયા હતા. જેમાં અલ્પેશને સુરત કોર્ટે ૬ મહિનાની કેદની સજા સંભળાવી હતી. ત્યારબાદ અલ્પેશને ૬ મહિના સુરત બહાર રહેવાનું ફરમાન કરવામાં આવ્યું હતું. જેથી અલ્પેશ ૬ મહિનાથી નવસારીના ગણદેવી રોડ પર સ્થિત જમાના પાર્ક સ્થિત બંગલામાં રહેતો હતો. આજે સજાના ૬ મહિના પૂર્ણ થતા અલ્પેશે સુરત પરત ફરવાની તૈયારી કરતા નવસારી તેમજ સુરતના પાસ કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. સોમવારે સવારથી જમાના પાર્ક ખાતે પાસના કાર્યકર્તાઓ બુકે અને હાર લઇને અલ્પેશને વધાવવા પહોંચ્યા હતા. અલ્પેશના નિવાસે પાસ કાર્યકર્તાઓએ બુકે અને હાર પહેરાવી અલ્પેશને અભિનંદન પાઠવ્યા હતા. જયારે બીજી તરફ સાંજે નવસારીથી નીકળ્યા બાદ સુરત પહોંચવાના હોય, સુરતમાં પણ સ્વાગત માટેની તૈયારી આરંભી હતી.

પાસના આગેવાનોને મળી આંદોલનને વેગ આપવા પણ વિચારણા

સુરત બહાર રહેવાની ૬ મહિનાની સજા પૂર્ણ થતા સોમવારે મોદી સાંજે સુરત પરત ફર્યા હતા. જોકે સુરત જવા પૂર્વે હેક્ષિલોન સાથેની ખાસ વાતચીતમાં અલ્પેશે જણાવ્યું હતું કે પરિવાર અને કુટુંબીઓ તેમજ પાસ કાર્યકર્તાઓમાં ખુશી છે. જયારે પાસ આંદોલન અને સમાજના પ્રશ્નો માટે સમાજના આગેવાનો, વડીલો સહીત પાસ નેતા હાર્દિક પટેલ અને પાસના આગેવાનોને મળ્યા બાદ ચર્ચા વિચારણા પછી આગળની રણનીતિ ઘડીશું. સરકાર ફરી એક્ટીવ થઇ છે અને હાર્દિક પટેલ સામે ધરપકડ વોરંટ સહીત જે ગુનામાં ન હોય એવા ગુનામાં પણ સંડોવણી કાઢી રહી છે. જેથી એ મુદ્દે કાયદાકીય લડત ચલાવી પ્રથમ બહાર નીકળવાનો પ્રયાસ રહેશે. સાથે જ બિન અનામત આયોગ તેમજ સમાજના પ્રશ્નો સહતી પાસ આંદોલનના અટકેલા મુદ્દાઓને વેગ આપવાનો પ્રયાસ કરીશું.