દરિયા કિનારે સહેલાણીઓ પર પ્રતિબંધ છતાં દરિયે સેલ્ફી લેતા જણાયા
નવસારી : અરબ સાગરમાં ઉઠેલા બિપરજોય વાવઝોડાની આજથી અસર જોવા મળી રહી છે. દરિયામાં સવારે ઓટ હોય છે, જેથી દરિયો અંદર તરફ વધુ હોય છે. પરંતુ વાવાઝોડાની અસરને કારણે દરિયામાં કરંટ સાથે ઉંચા મોજા ઉછળ્યા હતા અને દરિયામાં ભરતી હોય એવી સ્થિતિ જણાઈ હતી. બીજી તરફ સંભવિત વાવાઝોડુ કિનારે અથડાવાની સંભાવના જોતા સહેલાણીઓ માટે દરિયા કિનારે પ્રતિબંધ હોવા છતાં દાંડીના દરિયે સહેલાણીઓ આરામથી બેઠા હતા અને સેલ્ફી લેતા જણાયા હતા.
બિપરજોય વાવાઝોડાની 10, 11 અને 12 જૂન સુધીમાં દરિયા કાંઠે અથડાવાની વકી

અરબ સાગરમાં બનેલું ડીપ ડિપ્રેશન હવે વાવાઝોડામાં ફેરવાયું છે. વાવાઝોડાને બિપરજોય નામ આપવામાં આવ્યું છે અને ઝડપથી વાવાઝોડુ ગુજરાતના દરિયા કિનારા તરફ આગળ વધી રહ્યું હોવાની આગાહી કરવામાં આવી હતી. ખાસ કરીને 10, 11 અને 12 જૂન દરમિયાન બિપરજોય ગુજરાતના દરિયા કાંઠે અથડાઈ એવી ભીતિ સેવવામાં આવી હતી. પરંતુ વાવાઝોડુ પાકિસ્તાન તરફ ફંટાય એવી પણ શક્યતાઓ જોવાઈ રહી છે. જોકે આજે નવસારીના 52 કિમીના દરિયા કાંઠે સંભવિત વાવાઝોડાની અસર જોવા મળી હતી. દરિયામાં કરંટ હતો અને ઉંચા ઉછળતા મોજા જોતા દરિયામાં ઓટ નહીં, પણ ભરતી હોય એવી સ્થિતિ જોવાઈ હતી.
દરિયા કાંઠે જવા સહેલાણીઓ પર પ્રતિબંધ, પણ દરિયે સહેલાણીઓ જોવા મળ્યા

વાવાઝોડાની સંભાવનાને જોતા ગત રોજ નવસારી જિલ્લા અધિક કલેકટર કેતન જોશીએ જિલ્લાના પ્રવાસન સ્થળ ઐતિહાસિક દાંડી અને ઉભરાટ દરિયા કિનારે સહેલાણીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. પ્રતિબંધના અમલ માટે પૂરતો પોલીસ બંદોબસ્ત પણ રાખવાની વ્યવસ્થા કરવા સૂચના આપી હતી. પરંતુ આજે સવારે ઐતિહાસિક દાંડીના દરિયા કિનારે સહેલાણીઓ આરામથી કિનારે બેઠા જણાયા હતા. ઘણા સહેલાણીઓ દરિયામાં ઠંડા પવનો અને ઉંચા ઉછળતા મોજાની મજા સાથે સેલ્ફી લેતા પણ જોવા મળ્યા હતા. જોકે દરિયા કિનારે પહોંચેલા હોમગાર્ડ જવાનોએ સહેલાણીઓને કિનારેથી બહાર કાઢ્યા હતા.
વાવાઝોડાને પગલે જિલ્લા તંત્ર એલર્ટ
સંભવિત બિપરજોય વાવઝોડાની આગાહીને પગલે નવસારી જિલ્લા વહીવટી તંત્ર પણ સાબદુ થયુ છે. ગત દિવસોમાં માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના સાથે જ દરિયામાં ગયેલી બોટને પણ પરત બોલાવી લેવામાં આવી હતી. જ્યારે જિલ્લાના વર્ગ 1 ના અધિકારીને યાલઝનિંગ ઓફિસર તરીકે નિયુક્ત કરી તાલુકા હેડકવાર્ટ્સ પર સ્ટેન્ડ બાય કરાયા છે. જેની સાથે ગામના તલાટીઓને પણ દરિયાની સ્થિતિ પર નજર અને લોકોને દરિયાથી દૂર રાખવા સૂચના આપવામાં આવી છે. કદાચ વાવાઝોડાને કારણે ભારે પવન ફૂંકાય, વરસાદ પડે અને સ્થળાંતરની જરૂર પડે, તો આશ્રય સ્થાનો પણ નક્કી કરાયા છે. જોકે વાવાઝોડુ આવે એવી સંભાવના નહીવત જોવાઈ રહી છે.