શહેર પ્રમુખ જગમલ દેસાઈએ ભાઈનો હાથ ઝાલી કોંગ્રેસને છોડી
નવસારી : લોકસભાની ચુંટણી નજીક આવી રહી છે, ત્યારે ગુજરાત કોંગ્રેસમાં નવા પ્રાણ ફૂંકવા સંગઠન મજબૂત કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. પરંતુ નવસારી વિજલપોર શહેરમાં જૂથમાં વિભાજિત કોંગ્રેસ સંગઠન એકજૂથ બની ચુંટણીની તૈયારી આરંભે એ પૂર્વે જ સંગઠનના સુકાની શહેર કોંગ્રેસના પ્રમુખ જગમલ દેસાઈએ ભાઈ ગોવા રબારીનો હાથ ઝાલી કોંગ્રેસને છોડી રાજીનામુ ધરી દીધુ છે.
13 વર્ષનો વિજલપોર શહેર પ્રમુખનો અનુભવ, પણ જગમલ દેસાઈ સંગઠન મજબૂત કરી શક્યા નહીં
નવસારી વિજલપોર પાલિકા એક થયા બાદ શહેરના સીમાંકનમાં નવસારી અને વિજલપોર બંને શહેરો જોડાયા હતા. નવનિર્મિત શહેરમાં રાજકીય પક્ષોએ પોતાના સંગઠન માળખાને પણ નવો ઓપ આપ્યો હતો. જેમાં કોંગ્રેસના પ્રમુખ પદ માટે ઘણી મથામણ બાદ 13 વર્ષ સુધી વિજલપોર શહેર સંગઠનના પ્રમુખ અને એ સમય દરમિયાન વિજલપોરમાં કોંગ્રેસનું સાશન લાવનાર પીઢ કોંગ્રેસી જગમલ દેસાઈના હાથમાં નવા બનેલા શહેર કોંગ્રેસનું સુકાન આપવામાં આવી હતી. જોકે તેમની સાથે નવસારી શહેરમાંથી ધર્મેશ માળીને શહેરના કાર્યકારી પ્રમુખ નિયુક્ત કરાયા હતા. પરંતુ વિજલપોરમાં ચાલેલો જગમલ દેસાઈનો જાદુ નવનિર્મિત નવસારી વિજલપોર શહેરમાં ચાલ્યો નહીં. જગમલ દેસાઈ શહેરનો જૂથવાદ ખાળવામાં નિષ્ફળ તો રહ્યા જ, પણ પ્રમુખ તરીકેના કાર્યકાળમાં વિપક્ષ તરીકે કોઈ નોંધપાત્ર કામગીરી પણ કરી ન શક્યા હતા. જ્યારે ગુજરાત વિધાનસભા ચુંટણી સમયે ભાતૃપ્રેમમાં નવસારી વિજલપોર શહેર જ છોડી દીધુ હતુ. દરમિયાન ગત 10 જૂન, 2023 ના રોજ ડીસાના પૂર્વ ધારાસભ્ય ગોવા રબારીએ રાજ્યમાં કોંગ્રેસની કથળતી હાલત સામે તેમના વિસ્તારના લોકોના કાર્ય સંતોષકારક રીતે નહીં કરી શકતા હોવાનું કારણ ધરી કોંગ્રેસના તમામ પદ સાથે જ પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું ધરી દીધુ હતું. ત્યારે તમેની પાછળ પાછળ ભાઈનો હાથ ઝાલી નવસારી વિજલપોર શહેર કોંગ્રેસ પ્રમુખ જગમલ દેસાઈએ પણ ગત 10 જૂને જ શહેર પ્રમુખ પદેથી રાજીનામું ધરી કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદ પણ છોડી દીધુ છે. જગમલ દેસાઈના રાજીનામાની શહેર કે જિલ્લા કોંગ્રેસને પણ મોડી મોડી જાણ થઈ, ત્યારે કોંગી આગેવાનો પણ ચોંકી ઉઠ્યા હતા.
કાર્યકારી પ્રમુખ ધર્મેશ માળીને બનાવાયા નવા શહેર કોંગ્રેસ પ્રમુખ
નવસારી વિજલપોર શહેર કોંગ્રેસના પ્રમુખ જગમલ દેસાઈએ કોંગ્રેસને છોડ્યાની જાહેરાત થયાના થોડા જ કલાકોમાં પ્રદેશ કોંગ્રેસમાંથી શહેરના કાર્યકારી પ્રમુખ ધર્મેશ માળીને નવા શહેર કોંગ્રેસ પ્રમુખ નિયુક્ત કરવામાં આવ્યા છે. ત્યારે નવનિયુક્ત પ્રમુખ ધર્મેશ માળી કોંગ્રેસના વિખેરાયેલા ફૂલોને એકત્રિત કરી શહેર કોંગ્રેસના બગીચાને નવપલ્લવિત કરી શકે છે કે કેમ એ જોવું રહ્યુ…