ATM માં રૂપિયા ન નીકળતા ચિંતિત બનતા ગ્રહકોના કાર્ડ બદલી રૂપિયા કાઢી લેતી ટોળકી પકડાઈ
નવસારી : ટેકનોલોજી એટલી આગળ વધી રહી છે કે તમારી પાપણના પલકારામાં બદલાઈ જાય છે. એટલે ટેકનોલોજી વિશેનું જ્ઞાન હોવું એનો ઉપયોગ કરતા માટે જરૂરી બની જાય છે, જો જ્ઞાન ન હોય તો આર્થિક નુકશાની પણ વેઠવી પડે એવી સ્થિતિ બની જાય છે. આવુ જ નવસારીથી પકડાયેલી આ ઠગ ટોળકી બેંક ATM માં રૂપિયા ઉપાડતી વખતે અજ્ઞાનતાને કારણે રૂપિયા નહીં નીકળતા ચિંતિત લોકો સાથે તેમનો ATM કાર્ડ બદલી તેમને હજારો, લાખોનો ચૂનો ચોપડી ચુકી છે. નવસારી LCB પોલીસના હાથે ચઢેલી આ ટોળકીએ ગુજરાત અને મહારાષ્ટ્રમાં આચરેલા 8 ગુનાઓનો ભેદ ખુલવા પામ્યો છે.

ટેકનોલોજીનો વિકાસ થતા હવે બેંકમાં રૂપિયાની લેવડ દેવડ થાય જ છે, પણ બેંક બહાર ATM મશીનોમાં પણ રૂપિયાનો વ્યવહાર થઈ શકે છે. ત્યારે બેંક ATM માં ગ્રાહકને અપાયેલા ચોક્કસ નંબર સાથેના ATM કાર્ડ થકી જરૂરે અડધી રાતે પણ રૂપિયા કાઢી શકાય છે. ત્યારે ટેકનોલોજીનો ઉપયોગ ઘણા લોકો સરળતાથી કરે છે, જ્યારે મહિલાઓ, વૃદ્ધો અને અજ્ઞાની વ્યક્તિ ગૂંચવણ અનુભવે છે. જેનો ઘણા લોકો ફાયદો ઉઠાવી જાય છે. બેંક ATM માંથી રૂપિયા કાઢવા ATM કાર્ડનો ઉપયોગ થાય છે, પણ ઘણીવાર અજ્ઞાનતામાં કાર્ડની ચીપથી ઉલ્ટી દિશામાં નંખાયેલા કાર્ડ કે મશીનની ટેકનિકલ ખામી કે યોગ્ય રીતે ઉપયોગ ન કરવાને કારણે રૂપિયા નીકળી નથી શકતાં અને લોકો ચિંતિત બને છે અથવા અકળાઈ જાય છે, જેનો ઠગ ભગતો ફાયદો ઉઠાવી લે છે.

મહારાષ્ટ્રના સોલાપુરમાં રહેતા 24 વર્ષીય શ્રવણ સતીષ મીનાજગી ટેકનોલોજીની અજ્ઞાનતાને કારણે હેરાન થતા લોકોને ટાર્ગેટ બનાવી તેમને વાતોમાં પાડી ATM પીન નંબર જાણ્યા બાદ તેમનો ATM કાર્ડ બદલી નાંખી, તેમના ગયા બાદ એકાઉન્ટમાં રહેલા હજારો કે લાખો રૂપિયા ઉપાડી છેતરપીંડી કરવાનો કીમિયો અપનાવ્યો હતો. જેમાં તેણે સોલાપુરના જ તેના મિત્રો યશ નવનાથ માને, લક્ષ્મણ પરમેશ્વર માલી, શુભમ નાગનાથ ટાકમોગે અને આદિત્ય અવિનાશ ટાકમોગેને સાથે રાખી ટોળકી બનાવીને મહારાષ્ટ્રના સોલાપુરમાં 3, પુણેમાં 3 અને ઉસ્મનાબાદમાં 1 વ્યક્તિને ટાર્ગેટ બનાવી ઠગાઈ કરી હતી. બાદમાં કારમાં ગુજરાતમાં પ્રથમ નવસારીના ચીખલી ખાતે બે દિવસ અગાઉ એક વૃદ્ધને ટાર્ગેટ બનાવી તેમનો ATM કાર્ડ બદલીને 7500 રૂપિયા ઉપાડી લીધા હતા. જેની ફરિયાદ થતા સતર્ક થયેલી નવસારી LCB પોલીસે સીસીટીવી ફૂટેજ તેમજ બાતમીદારોને એક્ટિવ કરી આ ઠગ ભગતોને પકડવાના પ્રયાસો આરંભ્યા હતા. જેમાં ગત રોજ આ 5 મિત્રોની ઠગ ટોળકી શહેરના લુન્સીકુઈ ખાતેના ATM આસપાસ શિકારની શોધમાં હતી. જેની બાતમી લોકલ ક્રાઇમ બ્રાન્ચના ASI સુનિલસિંહ દેવીસિંહ, PC અર્જૂન પ્રભાકર અને PC અનિલ રમેશને સંયુક્ત રીતે મળતા પોલીસ ટીમે ઘટના સ્થળે પહોંચી પાંચેય ઠગ ભગતોને ઝડપી પાડયા હતા. પોલીસે પાંચેયની કારની તપાસ કરતા તેમાં એક બેગમાંથી અલગ અલગ બેન્કના કુલ 25 ATM કાર્ડ મળતા પોલીસે કડકાઇથી પૂછતા ચીખલી સહિત મહારાષ્ટ્રના 7 ગુનાઓની કબૂલાત કરી હતી. જેથી પોલીસે LCB પોલીસે પાંચેયની ધરપકડ કરી વધુ તપાસ અર્થે ચીખલી પોલીસને સોંપ્યા છે.