શાંતાદેવી રોડ પર શાંતિનાથ એપાર્ટમેન્ટનો સ્લેબ પડતા બે કારનો કચ્ચરઘાણ
નવસારી : નવસારી શહેરમાં વહેલી સવારથી વરસતો વરસાદ હવે આસમાની આફત બનીને વરસી રહ્યો છે. મુશળાધાર વરસાદને પગલે શહેરમાં વરસાદી પાણી ભરાતા, ઝુમુર ગેસ એજન્સીના ગોડાઉનમાંથી સેંકડો LPG સીલીન્ડર દીવાલ તોડી ખાડીના પાણીમાં વહી ગયા હતા. જયારે શાંતાદેવી રોડ પર શાંતિનાથ એપાર્ટમેન્ટનો સ્લેબ પડતા નીચે પાર્ક કરેલી બે કારનો કચ્ચરઘાણ વળી જતા લોકોને લાખોનું નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. બીજી તરફ સેન્ટ્રલ બેંક નજીક એક કાર પણ પાણીના વહેણમાં વહી જતો વીડિયો વાયરલ થયો હતો.
પાણીમાં વહી રહેલા LPG સીલીન્ડરનો વીડિયો થયો વાયરલ
નવસારીમાં હવામાન વિભાગની આગાહી સાચી ઠરી છે અને હવે નવસારીમાં આફતનો વરસાદ વરસી રહ્યો છે. જેમાં જળબંબાકાર બનેલા નવસારી શહેરમાં વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. જેમાં શહેરના જુનાથાણા સમીપ આવેલ ઝુમુર ગેસ એજન્સીના ગોડાઉનમાં પાણી ભરાતા, LPG ગેસના સીલીન્ડરો પાણીમાં તરવા લાગ્યા હતા. બાદમાં તણાઈને પાછળની કંપાઉંડ વોલ પાસે ભેગા થયા હતા અને અચાનક ગોડાઉનના કંપાઉંડ વોલ તોડી બહાર નીકળ્યા અને એક પછી એક બે દીવાલ તોડી પાછળ આવેલ ખાડી મારફતે પૂરના નદી તરફ વહી ગયા હતા. જેનો વીડિયો નજીકના જ એપાર્ટમેન્ટના લોકોએ ઉતાર્યો હતો. આ વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતા, જિલ્લા કલેકટરે જિલ્લા પુરવઠા અધિકારીને LPG સીલીન્ડર વહી જવા મુદ્દે તપાસ સોંપી છે.
શાંતિનાથ એપાર્ટમેન્ટ સામે દેરાસરની દિવાલ તુટતા કારનો કચ્ચરઘાણ વળ્યો
ભારે વરસાદને પગલે શહેરના જર્જરતી મકાનોનો જર્જર ભાગ પણ પડી જાય છે, શહેરમાં ગત દિવસોમાં જર્જર મકાનો ધરાશાયી થયા હોવાના સમાચારો સામે આવ્યા હતા. જેમાં આજે પડેલા મુશળાધાર વરસાદમાં શાંતાદેવી રોડ પર આવેલા શાંતિનાથ એપાર્ટમેન્ટનો સ્લેબ તૂટીને નીચે પડ્યો હતો. પરંતુ સ્લેબ નીચે પાર્ક કરેલી બે કાર ઉપર પડતા કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. ઘટનાની જાણ કાર માલિકોને થતા તેમના હોશ ઉડી ગયા હતા. કારણે તેમની કારનો ખુરદો બોલી ગયો હતો અને કારમાં ટોટલ લોસ જેવી સ્થિતિ સર્જાઈ છે.
નવસારીમાં મેઘ તાંડવને કારણે હવે તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. શહેરમાં કેળથી પણ વધુ પાણીનો ભરાવો રસ્તાઓ ઉપર થતા વાહન વ્યવહાર અવરોધાયો હતો. ખાસ કરીને રસ્તા પર પાર્ક કરેલા ટૂ વ્હીલર અને ફોર વ્હીલર પાણીમાં ડૂબ્યા હતા. જેમાં સેન્ટ્રલ બેંક નજીક એક કાર પાણીમાં તણાવા લાગી હતી, જે તણાઈને થોડે દૂર પહોંચી, ત્યાં વીજ થાંભલાને કારણે અટકી પડી હતી. જેનો વીડિયો પણ સ્થાનિક લોકોએ બનાવીને વાયરલ કર્યો હતો. ઉલ્લેખનિય છે કે, ભારે વરસાદની આ સ્થિતિમાં શહેરમાં અનેક ટૂ વ્હીલર પાણીમાં ડૂબતા બંધ પડ્યા હતા અને લોકોએ તેને ખેંચીને અથવા ધક્કો મારીને પોતાના ગંતવ્ય ઉપર લઇ જતા જણાયા હતા.
નવસારી : નવસારીના ચાપલધરા ગામે હાઈબ્રિડ ગાંજો અને ઝોમ્બી ઈ સિગારેટનું વેચાણ થતુ હોવાની બાતમીને આધારે સ્ટેટ મોનીટરીંગ સેલ પોલીસની ટીમે ગત રોજ છાપો મારી બેની ધરપકડ કરી હતી. પોલીસે ઘટના સ્થળેથી 28.15 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
SMC પોલીસે વાપીના આતિફને વોન્ટેડ જાહેર કર્યો
મળતી માહિતી અનુસાર, સ્ટેટ મોનીટરીંગ સેલ પોલીસની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ચાપલધરા ગામે રહેતો મિલન ધનગર હાઈબ્રિડ ગાંજાનું વેચાણ કરે છે. જેને આધારે ગત રોજ SMC ના PI સી. એચ. પનારા અને તેમની ટીમે ચાપલધરા ગામના વચલા ફળિયા, અંબા માતાજી મંદિર પાછળ રહેતા મિલન ધનગરના ઘરે છાપો માર્યો હતો. છાપા દરમિયાન પોલીસને મિલન પાસેથી 8 લાખ રૂપિયાનો 80 ગ્રામ હાઈબ્રિડ ગાંજો જથ્થો મળી આવ્યો હતો. જેની સાથે જ ગાંજાના સક્રિય ઘટકની હાજરીવાળી (THC) 20 લાખ રૂપિયાની 20 ઈ સિગારેટ પણ મળી આવી હતી. પોલીસે ઘટના સ્થળેથી મિલન સાથે તેના સાથીદાર તન્મયકુમાર પટેલની ધરપકડ કરી હતી. આરોપી મિલનની પૂછપરછમાં હાઈબ્રિડ ગાંજો તેને વાપીના આતિફે પહોંચાડી હતી. જેથી પોલીસે આતિફને વોન્ટેડ જાહેર કર્યો હતો. જ્યારે ઝોમ્બી ઈ સિગારેટ ડાર્ક વેબથી મંગાવી હતી. પોલીસે ઘટના સ્થળેથી હાઈબ્રિડ ગાંજો, ઈ સિગારેટ અને મોબાઈલ ફોન મળી કુલ 28.15 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. સાથે જ સમગ્ર મુદ્દે SMC પોલીસ મથકે ધી નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટેન્સ એક્ટ (NDPS) અને ધી પ્રોહીબિશન એક્ટ ઇલેક્ટ્રોનિક સિગારેટ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ આરંભી છે. ઉલ્લેખનિય છે કે, ગાંજાના સક્રિય ઘટક ધરાવતી ઝોમ્બી ઈ સિગારેટ પકડાયાનો આ ગુજરાતનો પ્રથમ ગુનો છે.
નેશનલ હેરાલ્ડ કૌભાંડમાં રાહુલ – સોનિયા ગાંધી સામે ED એ ચાર્જશીટમાં લગાવ્યા આરોપ
નવસારી : નેશનલ હેરાલ્ડ કૌભાંડમાં ED દ્વારા ચાર્જશીટમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા સોનિયા ગાંધી અને લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધીના ઉપર આરોપ મઢતા, કોંગ્રેસે ષડયંત્રના આક્ષેપ સાથે ED કાર્યાલય સામે કરેલા વિરોધને ભાજપે વખોડી સામે વિરોધ નોંધાવ્યો હતો. નવસારી જિલ્લા ભાજપ યુવા મોર્ચાએ પણ શહેરના જુનાથાણા સર્કલ પાસે કોંગ્રેસના વિરોધને ખોટો ગણાવી, તેની સામે સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યુ હતુ.
નેશનલ હેરાલ્ડ કૌભાંડ પ્રકરણમાં ED દ્વારા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષા સોનિયા ગાંધી અને લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધી સામે આરોપ મઢેલી ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરતા, કોર્ટે આગામી 25 એપ્રિલે સુનવણી આપી છે. ED એ સોનિયા અને રાહુલ ગાંધી સામે આરોપ મઢતા કોંગ્રેસમાં ભૂકંપ જેવી સ્થિતિ બની છે, કોંગ્રેસે ઉગ્રતાથી સમગ્ર પ્રકરણમાં બદલાની ભાવનાથી કાર્યવાહી થતી હોવાના આક્ષેપ સાથે ED કાર્યાલય સામે વિરોધ પ્રદર્શન કર્યુ હતુ. જેની સામે ભાજપે પણ ન્યાયતંત્રમાં વિશ્વાસ રાખો સૂર સાથે કોંગ્રેસના વિરોધને વખોડી સામે વિરોધ નોંધાવ્યો હતો. જેમાં નવસારી જિલ્લા યુવા મોર્ચાએ જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહની આગેવાનીમાં નવસારી શહેરના જુનાથાણા સર્કલ પાસે ભેગા થઈ સૂત્રોચ્ચાર કરી, વિરોધ પ્રદર્શન કર્યુ હતુ. સાથે જ કોંગ્રેસે ન્યાયતંત્ર ઉપર વિશ્વાસ રાખી તપાસમાં સહકાર આપવો જોઈએની વાત કરી કોંગ્રેસના વિરોધને વખોડી કાઢ્યો હતો.
DGVCL દ્વારા જબરદસ્તી સ્માર્ટ મીટર લગાવવામાં આવતા હોવાના આક્ષેપો
નવસારી : દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા નવસારી જિલ્લાના ગ્રાહકોને ત્યાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, પરંતુ ગ્રાહકોની જાણ બહાર સ્માર્ટ મીટર લગાવવામાં આવતા લોકોમાં રોષ ફેલાયો છે. નવસારીના ઘેલખડીમાં વિરોધ થયા બાદ બીલીમોરા શહેરના વાલ્મિકી વાસમાં પણ જબરદસ્તી સ્માર્ટ મીટર લગાવતા વીજ કંપનીના કર્મચારીઓનો સ્થાનિકોએ વિરોધ કરી કામગીરી અટકાવી હતી.
બીલીમોરા શહેરમાં અંદાજે 1500 સ્માર્ટ મીટર લાગી ગયા
ડિજીટલ યુગમાં દરેક વસ્તુઓ સ્માર્ટ થઈ રહી છે. જેમાં સરકારો પણ સ્માર્ટ થવાનો પ્રયાસ કરી રહી છે, ત્યારે ગુજરાત સરકાર હસ્તકની વીજ કંપનીઓ દ્વારા બીલની ઝંઝટમાંથી બહાર નીકળવા અને વીજ વપરાશ ઘટાડવા માટે ડીજીટલ એટલે કે સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત કરી છે. જેમાં સ્માર્ટ મીટરમાં વધારે યુનિટ ફરી જતા ગ્રાહકોને બે મહિનાના બીલના રૂપિયા થોડા દિવસોમાં જ વપરાય જતા હોવાની ફરિયાદો ઉઠી હતી. દરમિયાન છેલ્લા થોડા દિવસોથી નવસારી જિલ્લામાં પણ દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત કરી છે. જેમાં ગત રોજ નવસારી શહેરના ઘેલખડી વિસ્તારમાં આવેલ ચોકલેટ હાઉસિંગ સોસાયટીમાં જબરદસ્તી લગાવવામાં આવેલા સ્માર્ટ મીટર દૂર કરવાની સ્થાનિકોએ માંગ કરી હતી. ત્યારે આજે બીલીમોરા શહેરના વાલ્મિકી વાસમાં પણ DGVCL ના અધિકારીઓ કર્મચારીઓએ કોઈપણ પ્રકારની જાણ કર્યા વિના જબરદસ્તીથી ગ્રાહકોના જૂના મીટર કાઢી નવા સ્માર્ટ મીટર લગાવી દીધાના આક્ષેપો સાથે સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો. જેમાં DGVCL ના અધિકારીઓ અને કર્મીઓ સાથે સ્થાનિકોની ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી અને લોકોએ સ્માર્ટ મીટર લગાવવાની કામગીરીને અટકાવી દીધી હતી. સાથે જ વાલ્મિકી વાસના જે 15 થી 20 ઘરોમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા હતા એને પણ કાઢી લેવાની માંગ કરી હતી. જોકે DGVCL ના અધિકારીએ તેમની પાસે સ્માર્ટ મીટર લગાવવા ભારત સરકારનો રાજપત્ર હોવાની વાત કરી, દરેક ગ્રાહકને ત્યાં સ્માર્ટ મીટર લગાવવા તૈયારી દર્શાવી હતી. જયારે બીલીમોરા શહેરમાં અત્યાર સુધીમાં અંદાજે 1500 ગ્રાહકોને ત્યાં સ્માર્ટ મીટર લાગી ગયા હોવાની માહિતી આપી હતી. પરંતુ લોકોના વિરોધને પગલે હાલ વીજ કંપનીના અધિકારીઓ કર્મચારીઓએ પણ કામગીરી રોકવાની ફરજ પડી હતી.