મેઘ તાંડવને કારણે રસ્તાઓ પર વરસાદી પાણીના ભરાવાથી વાહન વ્યવહાર અવરોધાયો
નવસારી : નવસારી જિલ્લામાં આજે વહેલી સવારથી પડી રહેલા મુશળાધાર વરસાદે જન જીવનને પ્રભાવિત કર્યું છે, પ્રથમ વહેલી સવારે ખેરગામમાં ધમડાટી મચાવ્યા બાદ મેઘાએ ગણદેવી તાલુકામાં અનરાધાર પ્રેમ વરસાવ્યા બાદ સવારે 10 થી 12 વાગ્યા સુધીના બે કલાકમાં જ શહેરમાં આભ ફાટ્યું હોય એમ 9.37 ઇંચ વરસાદ પડતા શહેર આખું જળબંબાકાર થયુ છે અને શેહર આખામાં વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. ખાસ કરીને શહેરના તમામ રસ્તાઓ પર ઘૂંટણથી કેળ સમા પાણી હરાતા વાહન વ્યવાહર અવરોધાયો છે, જેને કારણે જાણે જન જીવન થપ્પ થયું હોય એવી સ્થિતિ બની છે.
શહેરમાં આસમાની આફતથી પુરની સ્થિતિ, ઘરો અને દુકાનોમાં ભરાયા પાણી


નવસારી જિલ્લામાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે વહેલી સવારથી મેઘરાજા મન મૂકીને અનરાધાર વરસી રહ્યા છે. જેમાં સવારે 6 થી 8 વાગ્યા સુધીના બે કલાકમાં ખેરગામ તાલુકામાં 5 ઇંચ, ત્યારબાદના બે કલાકમાં ગણદેવી તાલુંકામાં સાડા ત્રણ ઇંચ વરસાદ વરસ્યો હતો. પરંતુ ગણદેવી બાદ નવસારીમાં સવારે 10 થી 12 વાગ્યા સુધીના બે કલાકમાં જ આભ ફાટ્યું અને શહેરમાં 9.37 ઇંચ વરસાદ વરસતા શહેરમાં જળબંબાકારની સ્થિતિ બની હતી. શહેર આખામાં વરસાદી પાણી ભરાતા, લોકોના ઘર અને દુકાનોમાં પણ વરસાદી પાણી ઘુસી ગયા હતા. જયારે રસ્તાઓ પણ ડ્રેનેજમાં પાણીનો નિકાલ ન થતા વરસાદી પાણીમાં ગરકાવ થયા હતા, લગભગ શહેરના દરેક રસ્તા પર ઘૂંટણથી કેળ સમા પાણી ભરાયા હતા. જેમાં શહેરના પ્રજાપતિ આશ્રમથી કુંભારવાડ, ગોલવાડ, શાંતાદેવી રોડ, સેન્ટ્રલ બેંક, મધુમતી, મોટા બજાર, શાકભાજી માર્કેટ, શહીદ ચોકથી પાલિકા કચેરી સુધીનો વિસ્તાર, જુનાથાણા, ભારતી ટોકીઝ, ગ્રીડ અહિંસા દ્વાર, હાઈવેના સર્વિસ રોડથી બારડોલી તરફ જતા રસ્તાનાં પ્રારંભે, સિંધી કેમ્પ, મંકોડીયા, વિજલપોર શિવાજી ચોક, ચંદનવન સોસાયટી, ધીરૂદાજીની વાડી, વિઠ્ઠલ મંદિર સહિતના અનેક વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને હાલાકી વેઠવી પડી હતી. લોકોના ઘરો અને દુકાનોમાં પાણી ભરાતા આર્થિક નુકશાન વેઠવાનો વારો આવ્યો હતો.
વરસાદને પગલે અનેક વાહનો પાણીમાં, વિદ્યાર્થીઓ ફસાયા


નવસારીમાં 6 કલાકમાં પડેલા 13 ઇંચ વરસાદને કારણે શહેરના રસ્તાઓ પર કેળ સુધીના વરસાદી પાણી ભરાયા હતા. 6 કલાક દરમિયાન રસ્તા પર પાણીના ભરાવાને કારણે હજારો લોકો અટવાયા હતા. સાથે જ વાહનો પાણીમાંથી લેવા જતા ઘણા ટૂ વ્હીલર, કાર, રીક્ષા બંધ પડ્યા હતા. જેથી વાહન ચાલકે તેને ધક્કો મારીને પાણી બહાર કાઢવા પડી હતી. જયારે કેટલાક ચાલકો પોતાના વાહનોને શિફત પૂર્વક પાણીમાંથી બહાર કાઢવામાં સફળ પણ રહ્યા હતા. રસ્તા પર વરસાદી પાણીના ભરાવાને કારણે શહેરની અનેક શાળાના વિદ્યાર્થીઓ ફસાયા હતા. જેમને ટ્રેક્ટરની મદદથી એક છેડેથી બીજા છેડે મુકવામાં આવ્યા હતા. જેમાં કોન્વેન્ટ શાળાની શિક્ષિકાએ ભારે વરસાદને પગલે ઘરે જવાનું મુશ્કેલ જણાતા, તેમના પતિને ફોન કરી જાણ કરી હતી, જેથી ઘરે કાર અને બાઈક હોવા છતાં પતિ ભારે વરસાદ અને પુરની સ્થિતિને જોતા ટ્રેક્ટર લઇ શિક્ષિકા પત્નીને લેવા પહોંચ્યો હતો. જેમાં પત્ની સાથે વિદ્યાર્થીઓ અને અન્ય શિક્ષિકાને પણ કેળ સમા પાણીમાંથી પસાર થવા ન પડે, એટલે ટ્રેક્ટર બેસાડી બહાર કાઢ્યા હતા.