જિલ્લાના વાંસદા તાલુકામાં આવેલો જૂજ ડેમ છલકાયો
નવસારી : નવસારી જિલ્લામાં આ વર્ષે મેઘો મહેરબાન બન્યો છે અને ચોમાસાની શરૂઆત સાથે સતત વરસાદી માહોલ રહ્યો છે. ચોમાસાના પ્રારંભથી અત્યાર સુધીમાં જિલ્લામાં મોસમનો સરેરાશ 54.74 ઇંચ વરસાદ વરસી ચુક્યો છે. જેમાં સૌથી વધુ ખેરગામ તાલુકામાં અત્યાર સુધીમાં 75.08 ઇંચ વરસાદ અને સૌથી ઓછો વાંસદા તાલુકામાં 40.37 ઇંચ પડ્યો છે. નવસારી અને ઉપરવાસમાં પડેલા સારા વરસાદને કારણે કેલીયા બાદ ગત મોડી રાતે જૂજ ડેમ પણ છલકાયો છે.
સવારે 6 વાગ્યા સુધીમાં ખેરગામમાં 2.91 ઇંચ, ગણદેવી અને વાંસદામાં 2.16 ઇંચ વરસાદ

નવસારી જિલ્લામાં ચોમાસાની શરૂઆત જ ધમાકેદાર રહી હતી, પ્રારંભથી અત્યાર સુધીમાં જિલ્લામાં વરસાદી માહોલ રહ્યો છે, જેમાં એક કે બે દિવસ જ ઉઘાડ જોવા મળ્યો છે. ત્યારે ગત રોજ પણ જિલ્લામાં છૂટક છૂટક પડેલા વરસાદી ઝાપટાને કારણે પણ ખેરગામ, ગણદેવી અને વાંસદા તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. જયારે અન્ય ત્રણ તાલુકાઓમાં અડધો ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. નવસારી અને ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને પગલે જિલ્લાને નદીઓમાં પણ નવા નીર આવતા કાવેરી અને અંબિકાના જળસ્તરમાં પણ વધારો જોવા મળ્યો છે. જેમાં અંબિકા નદી તેની ભયજનક સપાટીથી 50 ટકા એટલે કે 14.78 ફૂટે વહી રહી છે, જયારે કાવેરી નદી 12 ફૂટે પહોંચી છે. જેથી કિનારાના ગામડાઓ સતર્ક થયા છે, જોકે મોડી રાતથી ડાંગ જિલ્લામાં વરસાદ નહીવત રહેવાને કારણે નદીઓના જળસ્તરમાં ઘટાડો થવાની શક્યતા વધી છે.
વાંસદાના 29 ગામો માટે આશીર્વાદ સમાન જૂજ ડેમ ઓવરફલો

નવસારી જિલ્લાના ડુંગરાળ પ્રદેશ એવા આદિવાસી પંથક વાંસદાના ગામડાઓને ચોમાસા, શિયાળા બાદ ઉનાળામાં પીવાના પાણીની અને સિંચાઈ માટે સમસ્યા ન રહે, એ હેતૂથી તાલુકાના સરહદી ગામો જૂજ અને કેલીયામાં ડેમ બનાવામાં આવ્યા હતા. જેમાંથી ગત રવિવારે કેલીયા ડેમમાં પાણીની આવક રહેતા ઓવરફલો થયો હતો, જેના નીરને ભાજપી આગેવાનોએ શ્રીફળ અને ફૂલ ચઢાવી વધાવ્યા હતા. જયારે બે દિવસ બાદ ગત મોડી રાતે કાવેરી નદી પર બનાવેલો જૂજ ડેમ પણ ઓવરફલો થયો છે. જૂજ ઓવારફલો થતા તેના કમાંડ વિસ્તારમાં આવતા વાંસદાના 29 અને મહુવાના 2 ગામોને સતર્ક રહેવા સૂચના આપવમાં આવી છે. જોકે કેલીયા અને જૂજ બંને ડેમ ઓવરફલો થતા ચિંતા જનક સ્થિતિ નથી. પરંતુ બંને ડેમ સંપૂર્ણ ભરાતા કમાંડ વિસ્તારના ગામડાઓમાં વર્ષ દરમિયાનનું પીવાનું પાણી અને સિંચાઈ માટે પાણી મળી રહેવાની વાતે આનંદ વ્યાપ્યો છે.