Connect with us

ગુજરાત

નવસારીમાં ભૂતકાળના પુર અને ભારે વરસાદના અનુભવો પરથી બોધપાઠ લઈ થશે ભાવિ આયોજન – સી. આર. પાટીલ

Published

on

ભાજપ પ્રદેશ પ્રમુખ અને સાંસદ સી. આર. પાટીલે કરી સમીક્ષા બેઠક

નવસારી : નવસારીમાં ગત શનિવારે વરસાદી પુરની સ્થિતિ બન્યા બાદ ફરી ગત રોજ મોડી રાતે બે કલાકમાં પડેલા 10 ઇંચ વરસાદને કારણે શહેર જળબંબાકાર થયુ હતું. જેના પાણી સવાર થતાં ઉતર્યા પણ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી નદીઓએ પુર આણ્યું હતુ. પૂર્ણામાં પુરને કારણે શહેરીજનોને ભારે હાલાકી વેઠવી પડી હતી. ત્યારે આજે નવસારીના સાંસદ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે નવસારીના અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી હતી. જેમાં સાંસદે ભૂતકાળના અનુભવોમાંથી શિખામણ મેળવી આવનારા ભવિષ્યના 15 વર્ષો સુધી સમસ્યાનો કાયમી ઉકેલ લાવી શકાય એવું આયોજન કરવા સૂચન કર્યુ હતુ.

શહેરમાં વરસાદી પુરની સ્થિતિ માટે ડ્રેનેજ જવાબદાર હોવાની શહેરીજનોની ફરિયાદ

વરસાદની પેટર્ન બદલાતા છેલ્લા બે વર્ષોથી નવસારીમાં વરસતો મુશળધાર વરસાદ શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જે છે. જે નવસારી પાલિકાની ડ્રેનેજ સફાઈ પાછળ કરોડો રૂપિયા ખર્ચ્યાની ગુલબાંગોની પોલ ખોલી નાંખે છે અને વરસાદી પુર દરમિયાન જ શહેરની ડ્રેનેજના ઢાંકણા જોખમી રીતે ખુલ્લા રાખવા પડે છે. ત્યારે ગત 27 જુલાઈના રાતે 10 વાગ્યાથી 1 વાગ્યા સુધી વરસેલા મુશળાધાર વરસાદને કારણે શહેરમાં ઘૂંટણથી કેડ સમાં પાણી ભરાયાં હતાં. રાત્રી દરમિયાન પડેલા ભારે વરસાદે શહેરીજનોની ઉંઘ બગાડી હતી. ખાસ કરીને દુકાનદારો દુકાનમાં પાણી ભરાવાની ચિંતાએ દુકાને દોડી આવ્યા હતા. રાતે વરસાદ રહ્યા બાદ, સવારે પુરની સ્થિતિ બનતા શહેરીજનોને પડેલી મુશ્કેલી અને થયેલ નુકશાન અંગેનો તાગ મેળવવા નવસારીના સાંસદ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે નવસારી કલેકટર સહિત સંબંધિત અધિકારીઓ અને જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહ, નવસારી અને ગણદેવીના ધારાસભ્યો સહિત અન્ય પદાધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી હતી. જેમાં કલેકટર અમિત પ્રકાશ યાદવે શહેરમાં પુર દરમિયાનની સ્થિતિ વર્ણવી, લોકોના સ્થળાંતર, તેમના રહેવા જમવાની વ્યવસ્થા, પુર ઓસર્યા બાદ પ્રભાવિત શહેરના 7 વોર્ડમાં નુકશાની, સફાઈ અને આરોગ્ય તેમજ પીવાના પાણીની વ્યવસ્થા સંદર્ભે તંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરીની માહિતી આપી હતી. જેની સાથે જ પદાધિકારીઓ દ્વારા શહેરીજન સાથે નવસારીવાસીઓની સમસ્યાઓ વર્ણવી હતી.

ગણદેવી તાલુકાના ગામડાઓમાં લાઈફ જેકેટ સાથેની કીટ અને બે સ્પીડ બોટ અપાઇ

સાંસદ સી. આર. પાટીલે ગત વર્ષે ગણદેવી અને નવસારીમાં સર્જાયેલી પુરના અનુભવો પરથી ભવિષ્યની તૈયારી કરવા અનુરોધ કર્યો હતો. જેમાં આ વર્ષે ચોમાસા પૂર્વે ગણદેવીના તાલુકાના ગામડાઓને પુરની સ્થિતિમાં પહોંચી વળવા લાઈફ જેકેટ સાથેની કીટ, મોટા દોરડા અને બે બોટ આપી હતી. ત્યારે ગત રવિવારે પ્રભારી મંત્રી કનુભાઈ દેસાઈએ પણ સમીક્ષા બેઠક કરી, વરસાદી કાંસ તેમજ ડ્રેનેજમાં જ્યાં જ્યાં દબાણ કે કોઈ સમસ્યા છે, એનો સર્વે કરી કાંસ ખોલવા, પહોળી કરવા અને દબાણ દૂર કરવા સુધીની કાર્યવાહી કરવાનાં સૂચનો આપ્યા હતા. જેથી નવસારીમાં ભૂતકાળમાં પડેલા ભારે વરસાદ અને નદીઓમાં આવેલા ઘોડાપુરની સ્થિતિમાંથી મળેલા અનુભવો પરથી ભવિષ્યના 15 થી 20 વર્ષોનું આયોજન કરવાનું સૂચન કર્યુ હતુ.

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ગુજરાત

નવસારીના વોર્ડ નં. 13 માં પરિવારવાદના આક્ષેપ : કાર્યકરોએ ધારાસભ્યને કરી રજૂઆત

Published

on

પૂર્વ નગર સેવકના પુત્ર અને પૂર્વ ચીફ ઓફિસરના પુત્રવધૂને ટિકીટ મળવાની વાતે કાર્યકરોમાં રોષ

નવસારી : લોકશાહી પધ્ધતિથી ચાલતા પક્ષ ભાજપમાં નવસારી મહાનગર પાલિકાની ચુંટણીમાં પોતાના જ પરિવારના સભ્યોને ટિકીટ મળે, એવી વ્યવસ્થા ગોઠવવા પૂર્વ નગર સેવકો પ્રયાસ કરી રહ્યા છે. જેમાં વોર્ડ નં. 13 માં પૂર્વ નગર સેવકના પુત્ર અને પૂર્વ ચીફ ઓફિસરના પુત્રવધૂને ટિકીટ ફાઈનલ કરવામાં આવી હોવાની વાતથી વોર્ડના ભાજપી આગેવાનો અને કાર્યકરો રોષે ભરાયા હતા અને વોર્ડ 13 માંથી નવા અને અજાણ્યા ચહેરાઓને ટિકીટ આપવાને બદલે કર્મઠ કાર્યકરોને ટિકીટ આપવાની માંગ સાથે નવસારીના ધારાસભ્યને રજૂઆત કરી હતી.

વર્ષોથી પંચાયત અને પાલિકામાં ચુંટણી લડતા નેતાઓને બદલે સક્ષમ યુવાનોને ટિકીટ આપવાની માંગ

નવસારી મહાનગર પાલિકાની ચુંટણી જાહેર થઈ ચુકી છે અને રાજકીય પક્ષો યોગ્ય મુરતિયાઓ શોધવાની મથામણમાં પડ્યા છે. જેમાં ભાજપના પ્રદેશ નિરીક્ષકોએ થોડા દિવસો અગાઉ શહેરના તમામ 13 વોર્ડના કાર્યકરોને સાંભળ્યા હતા. જેમાં 13 વોર્ડમાંથી આગેવાનો અને કાર્યકરો મળી કુલ 347 લોકોએ ટિકીટ માટે દાવેદારી કરી હતી. જોકે ભાજપના 60 વર્ષથી ઉપરના કાર્યકરોને ટિકીટ નહીં આપવાના નિર્ણયથી ફરી ચુંટણી લડવાના સપના જોતા જૂના જોગીઓના સપના રોળાયા છે. જેથી અગાઉથી જ આ નેતાઓએ પોતાના ઘરના સભ્યોને ટિકીટ માટે દાવેદારી કરાવી રાખી હોવાની ચર્ચાઓ પણ ભાજપમાં જોરશોરથી ચર્ચાઈ હતી. જેને સોમવારે સમર્થન મળતું જોવા મળ્યું, કારણ શહેરના સૌથી મોટા અને પાવરફુલ ગણાતા વોર્ડ નં. 13 માં પૂર્વ નગર સેવકના પુત્ર તેમજ પૂર્વ નગરસેવિકા અને પૂર્વ ચીફ ઓફિસરના પુત્રવધૂની બે બેઠક ઉપર ટિકીટ ફાઈનલ કરવામાં આવી હોવાની વાત વહેતી થતાં જ વોર્ડના ભાજપી આગેવાનો અને કાર્યકરોમાં રોષ જોવા મળ્યો હતો. નારાજ કાર્યકરો સાથે આગેવાનો નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈની ઓફિસે ભર બપોરે પહોંચ્યા હતા. જ્યાં ધારાસભ્ય રાકેશ દેસાઈની આગળ પૂર્વ નગર સેવકોના પરિવારના સભ્યોને ટિકીટ આપવામાં આવી હોવાની વાતે પોતાની નારાજગી વ્યક્ત કરી, રોષ વ્યક્ત કર્યો હતો. સાથે જ વર્ષોથી ચુંટણી લડવા સાથે જ સત્તા સુખ ભોગી, ખુરશી ભૂખ રાખતા નેતાઓને સ્થાને કર્મઠ અને સક્ષમ કાર્યકરોને ટિકીટ આપવાની માંગ કરી હતી. જ્યારે ધારાસભ્ય રાકેશ દેસાઈએ હજી કોઈ નામ ફાઈનલ થયા નથીનો રાગ આલાપી, કાર્યકરોને પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાંથી અંતિમ ઉમેદવારની પસંદગી થવાનું આશ્વાસન આપી સમજાવી લીધા હતા.

Continue Reading

ગુજરાત

NMC ની પ્રથમ ચુંટણી : 1.87 લાખ મતદારો કરશે મતદાન

Published

on

By

શહેરના વોર્ડ નં. 13 માં સૌથી વધુ 19,442 મતદારો નોંધાયા

નવસારી : નવસારી મહાનગર પાલિકા બન્યા બાદ તેની પ્રથમ ચુંટણી આગામી 26 એપ્રિલના રોજ યોજાશે. ત્યારે નવસારીના 13 વોર્ડમાં કુલ 1.87 લાખ મતદારો નોંધાયા છે, જેઓ નવસારી મહાનગર પાલિકાના પ્રથમ શાસકોને ચુંટશે. જેમાં શહેરના પાવરફુલ ગણાતા વોર્ડ નં. 13 માં સૌથી વધુ 19,442 મતદારો નોંધાયા છે.

શહેરની 83 ઈમારતોમાં 192 મતદાન બુથ ઉપર યોજાશે ચુંટણી

નવસારી મહાનગર પાલિકા 1 જાન્યુઆરી, 2025 ના રોજ જાહેર થતાની સાથે જ મહાપાલિકાનો વહીવટ જિલ્લા કલેક્ટરના હાથમાં આપી દેવામાં આવ્યો હતો. વહીવટદાર સાથે NMC નો કારભાર કમિશ્નરના હાથમાં આપી, રાજ્ય સરકારે શહેરની કાયાપલટ કરવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ 13 મહિના બાદ નવસારી મહાનગર પાલિકાની ચુંટણી રાજ્યની અન્ય મહાપાલિકાઓ સાથે યોજાઈ રહી છે. નવસારી મહાનગર પાલિકાની પ્રથમ ચુંટણીને લઈ શહેરીજનો અને રાજકીય પક્ષોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે નવસારી મહાનગર પાલિકાની પ્રથમ ચુંટણીમાં શહેરના 95,015 પુરુષ અને 92,848 મહિલા અને 12 અન્ય મતદારો મળીને કુલ 1,87,875 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી, નવા શાસકોની પસંદગી કરશે. શહેરમાં મતદાન માટે 83 ઈમારતોમાં કુલ 192 મતદાન બુથ બનાવવામાં આવ્યા છે, જ્યારે ઉમેદવારી ફોર્મ ભરવા માટે ત્રણ રિટર્નિંગ ઓફિસરોની નિયુક્તિ કરવામાં આવી છે, જેમાં વોર્ડ નં. 1 થી 4 ના રિટર્નિંગ ઓફિસર નવસારી પ્રાંત અધિકારી, વોર્ડ નં. 5 થી 8 ના રિટર્નિંગ ઓફિસર સ્ટેમ્પ ડ્યુટી કલેક્ટર અને વોર્ડ નં. 9 થી 13 માટે નાયબ જિલ્લા વિકાસ અધિકારીને રિટર્નિંગ ઓફિસર નીમવામાં આવ્યા છે.

શહેરના 13 વોર્ડમાં, વોર્ડ નં. 10 માં સૌથી ઓછા અને વોર્ડ નં. 13 માં સૌથી વધુ મતદારો

નવસારી મહાનગર પાલિકાની ચુંટણીમાં નવા જોડાયેલા ગામડાઓના વિસ્તાર સાથે થયેલા સીમાંકનમાં પણ શહેરના 13 વોર્ડ જ રહ્યા છે. ત્યારે શહેરની 4.21 લાખની વસ્તીમાં 1.87 લાખ મતદારો છે. જેને વોર્ડ અનુસાર જોવામાં આવે તો શહેરના વોર્ડ નં. 10 માં સૌથી ઓછા 9,569 મતદારો છે, જ્યારે વોર્ડ નં. 13 માં સૌથી વધુ 19,442 મતદારો નોંધાયા છે.

શહેરના વોર્ડ નં. 4, 7 અને 13 માં મહિલા મતદારોની સંખ્યા વધુ

નવસારી મહાનગર પાલિકાના 13 વોર્ડના મતદારો ઉપર નજર કરીએ, તો એમાં વોર્ડ નં. 4, 7 અને 13 માં પુરુષ મતદારો કરતા મહિલા મતદારોની સંખ્યા વધુ છે. વોર્ડ નં. 4 માં પુરુષ મતદારો કરતા 113 મહિલા મતદારો, વોર્ડ નં. 7 માં પુરુષ મતદારો કરતા 243 મહિલા મતદારો અને વોર્ડ નં. 13 માં પુરુષ મતદારો કરતા 434 મહિલા મતદારો વધુ છે. જ્યારે વોર્ડ નં. 6 માં 11 અને વોર્ડ નં. 12 માં ફ્કત 4 મહિલા મતદારો વધુ છે. જ્યારે આખા શહેરમાં 12 મતદારો અન્ય છે.

નવસારી મહાનગર પાલિકાના વોર્ડ અનુસાર મતદારોની સંખ્યા

વોર્ડ         પુરુષ            મહિલા            અન્ય         કુલ

1.          7,540            7,051             01         14,592
2.          7,926            7,639             03         15,568
3.           6,674           6,402            02         13,078
4.           6,373           6,486            00         12,859
5.           9,153           9,127            00         18,260
6.           8,335           8,346            00         16,681
7.           6,301            6,544            01         12,846
8.           5,932            5,551            00         11,483
9.           8,832            8,713            01         17,546
10.         5,072            4,493            04          9,569
11.         5,500            4,681            00         10,181
12.         7,883            7,887            00          15,770
13.         9,494            9,928           00          19,442
કુલ.        95,015          92,848         12         1,87,875

 

Continue Reading

ગુજરાત

ચીખલીના હરણ ગામના ઉપસરપંચે 100 કાર્યકરો સાથે કોંગ્રેસનો હાથ ઝાલ્યો

Published

on

By

ચુંટણી આવતા જ જોડતોડની રાજનીતિ શરૂ

નવસારી : ચુંટણી આવતા જ રાજકીય પક્ષો જોડતોડની રાજનીતિમાં પણ સક્રિય થઈને પોતાની બાજુ મજબૂત કરવાનો પ્રયાસ કરે છે. જેમાં કોંગ્રેસે ચીખલીના હરણ ગામના ભાજપી ઉપસરપંચને 100 કાર્યકરો સાથે કોંગ્રેસમાં જોડવાનો દાવો કર્યો છે, જેની સાથે જ ઉપસરપંચના પત્નીને રાનકુવા બેઠકના ઉમેદવાર બનાવ્યાની ચર્ચાઓ પણ ઉઠી છે.

જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલ અને કોંગી ધારાસભ્ય અનંત પટેલે ભાજપીઓને આવકાર્યા..!!

નવસારી જિલ્લા પંચાયત અને 6 તાલુકા પંચાયતોની ચુંટણીઓ જાહેર થઈ છે અને રાજકીય પક્ષો ગ્રામ્ય વિસ્તારોમાં બેઠકો કરી મતદારોને પોતાની તરફ આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે શુક્રવારે રાતે કોંગ્રેસ દ્વારા ચીખલી તાલુકાના હરણ ગામે વાંસદાના કોંગી ધારાસભ્ય અનંત પટેલ અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલની આગેવાનીમાં રાત્રિ સભા યોજી હતી. જેમાં હરણ ગામના ભાજપ સમર્પિત ઉપસરપંચ તેમના 100 સમર્થકો સાથે કોંગ્રેસમાં જોડાયા હતા. ઉપસરપંચ અને તેમના સમર્થકોને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલ અને ધારાસભ્ય અનંત પટેલે કોંગી ખેસ પહેરાવી આવકાર્યા હતા. ઉપસરપંચે કોંગ્રેસનો હાથ ઝાલતા જ તેમના પત્નીને કોંગ્રેસે રાનકુવા બેઠક પરથી ચુંટણી જંગમાં ઉતારવાની તૈયારી કરી છે. ત્યારે ચીખલી તાલુકામાં સત્તા મેળવવા માટે કોંગ્રેસ મજબૂત થવાનો પ્રયાસ કરી રહી છે, જોકે ચુંટણીમાં મતદારો કોના ઉપર પસંદગી ઉતારશે એ જોવું રહ્યું…

Continue Reading
Advertisement

Trending