પાલિકા પ્રમુખ જીગીશ શાહના સાશનની છેલી સામાન્ય સભામાં અધધ… 218 કામો થયા મંજૂર
નવસારી : નવસારી વિજલપોરના પ્રથમ અઢી વર્ષના પાલિકા પ્રમુખ જીગીશ શાહના સાશનની છેલ્લી સામાન્ય સભા આજે મળી હતી, જેમાં શહેરના પશ્ચિમ વિસ્તારમાં દુષિત પાણી આવતું હોવાથી નાગરીકોએ તેમજ શહેરમાં વરસાદી પાણીના ભરાવા મુદ્દે ભાજપી સભ્યોએ આક્રોશ ઠાલવ્યો હતો. છેલ્લી સભામાં કરોડોના કામોને લઇ લેવાની હોડ દેખાઈ હતી, જેમાં પબ્લિક વર્કસ સમિતિના સૌથી વધુ 133 કામો સાથે ભાજપી સાશકોએ 218 કામોને સર્વાનુમતે મંજૂરીની મહોર મારી હતી. જયારે વિપક્ષી સભ્યના વિરોધને પગલે એક કામ મુલતવી રખાયુ હતુ.
વોર્ડ 1 ના નાગરીકોએ પ્લાસ્ટિક બોટલમાં દુષિત પીવાનું પાણી લાવી, પાલિકા પ્રમુખ અને સીઓને પીવા આગ્રહ કર્યો
નવસારી વિજલપોર પાલિકાના ગઠન બાદ પ્રથમ અઢી વર્ષ માટે જીગીશ શાહના હાથમાં સાશન ધુરા આવી હતી. અઢી વર્ષના સાશનમાં પાલિકાએ કરોડો રૂપિયાના પ્રોજેક્ટ શહેરમાં શરૂ કર્યા છે, જેમાં ચોમાસા પૂર્વે વરસાદી કાંસની સફાઈ માટે કરોડો રૂપિયા ખર્ચો કર્યો છે. પરંતુ બે વર્ષથી શહેરમાં ચોમાસામાં 5 ઇંચથી વધુ વરસાદ પડતા જ જળબંબાકારની સ્થિતિ બને છે, જેથી શહેરીજનોમાં પાલિકાની કાર્યવાહી સામે રોષ જોવા મળે છે. ત્યારે આજે અઢી વર્ષની ટર્મની છેલ્લી સામાન્ય સભા પાલિકા પ્રમુખ જીગીશ શાહની અધ્યક્ષતામાં મળી હતી. જેમાં એજન્ડાના 207 અને વધારાના 12 કામો રજૂ કરાયા હતા. સભાનાં પ્રારંભે ભાજપી અગ્રણી સ્વ. ભગવાનદાસ પાંચોટિયાને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી, પરંતુ વરસાદી કાંસમાં મૃત્યુ પામેલા શીખ યુવાનને શ્રદ્ધાંજલિ ન અપાતા વિપક્ષી સભ્યએ નિંદા પ્રસ્તાવ રજૂ કર્યો હતો. દરમિયાન શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવાતા દુષિત પાણીથી ત્રાસેલા વોર્ડ નં. 1 ના જાગૃત નાગરિક સાથે વકીલ કનુ સુખડીયા દુષિત પીવાના પાણી ભરેલી પ્લાસ્ટિકની બોટલ લઇ સભામાં પહોંચ્યા હતા. જ્યાં તેમણે શુદ્ધ પાણી પહોંચાડવામાં નિષ્ફળ રહેલી પાલિકા અને તેના સાશકો સામે આક્રોશ ઠાલવ્યો હતો. સાથે જ દુષિત પાણી પાલિકા પ્રમુખ અને સીઓને આપી, પીવા માટે આગ્રહ કર્યો હતો. જોકે સભા ચાલતી હોવાથી અને પાણીની સમસ્યાનો ઉકેલ લાવવાનું આશ્વાસન મળતા કનુ સુખડીયા શાંત થયા હતા.
સભામાં સૌથી વધુ રોડ અને બ્લોક પેવીંગના કામો, અંદાજે 23.57 કરોડના કામો મુકાયા
સભામાં પબ્લિક વર્કસ કમિટીના સૌથી વધુ 133 કામો, જેમાં રસ્તા અને બ્લોક પેવીંગનાં કામો હતા, જેમાં થોડા કામોને છોડી અંદાજે 23.57 કરોડ રૂપિયાનાં કામોને મંજૂરીની મહોર લગાવવામાં આવી હતી. સાથે જ સભામાં ભાજપી સભ્યોએ જ શહેરમાં ગત દિવસોમાં ભરાયેલા વરસાદી પાણી મુદ્દે સવાલો ઉઠાવી સમસ્યાનો નિકાલ કરવાની માંગ કરી હતી. પાલિકા પ્રમુખ જીગીશ શાહે ભારે વરસાદની સ્થિતિમાં શહેરમાં ભરાયેલા વરસાદી પાણીનો ડ્રોન કેમેરાની મદદથી વિડીયો લઇ, સર્વે કરવામાં આવ્યો છે અને એનો રીપોર્ટ તૈયાર કરી, ભવિષ્યમાં વરસાદી કાંસ કે ડ્રેનેજથી સમસ્યા ન ઉભી થાય એવું આયોજન કરવાની તૈયારી દર્શાવી હતી. જેમાં વરસાદી કાંસ કે ડ્રેનેજ પર દબાણ હશે તો તેને તાત્કાલિક દૂર કરીને કાંસને ખુલ્લી, પહોળી અને ઉંડી કરવાની કટિબદ્ધતા દર્શાવી હતી.
નવસારી : નવસારી જિલ્લામાં આગામી ગાંધી જયંતિના પાવન પ્રસંગે ‘સ્વચ્છતા હી સેવા-2026’ અભિયાન અને ત્યારબાદ યોજાનારા વિવિધ પ્રજાલક્ષી કાર્યક્રમોના સુચારૂ અમલીકરણ માટે જિલ્લા તંત્ર દ્વારા કમર કસવામાં આવી છે. આજે જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં 2 જી ઓક્ટોબરે ચીખલીના મજીગામ ખાતે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલની અધ્યક્ષતામાં સ્વચ્છતા કાર્યક્રમ તથા અન્ય વહીવટી આયોજનોની પૂર્વતૈયારીઓની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી.
2 થી 4 ઓક્ટોબર : સઘન સ્વચ્છતા ઝુંબેશ અને ‘કેચ ધ રેઇન’ જનજાગૃતિ
ગાંધી જયંતિના વિશેષ અવસરે મજીગામ ખાતે મુખ્ય કાર્યક્રમની સાથે સાથે સમગ્ર જિલ્લાના વિવિધ તાલુકાઓમાં મહેસુલી વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા વિશેષ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવશે. જાહેર સ્થળોની સફાઈ, કચરાના યોગ્ય નિકાલ અને વ્યવસ્થાપન સાથે નાગરિકોમાં સ્વચ્છતા પ્રત્યે કાયમી જાગૃતિ કેળવાય તે માટેના વિવિધ આયોજનો ઘડવામાં આવ્યા છે. વધુમાં, 4 ઓક્ટોબરના રોજ મહાનગરપાલિકા, નગરપાલિકા તથા ગ્રામ્ય વિસ્તારના અધિકારીઓ-પદાધિકારીઓ અને પ્રજાજનોની સક્રિય ભાગીદારીથી સઘન સફાઈ ઝુંબેશ તેમજ ‘કેચ ધ રેઇન’ અંતર્ગત વરસાદી પાણીના સંગ્રહ અને જળ સંચયને લગતા જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.
5 અને 6 ઓક્ટોબર : મજીગામના દિનકર ભવન ખાતે એલીમ્કો સહયોગથી વિશિષ્ટ કેમ્પ
સ્વછતા અભિયાન ઉપરાંત આગામી 5 અને 6 ઓક્ટોબરે મજીગામના દિનકર ભવન ખાતે જિલ્લા વહીવટીતંત્ર અને ‘એલીમ્કો’ (ALIMCO) ના સંયુક્ત ઉપક્રમે વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં લાભાર્થીઓને કોઈ પણ પ્રકારની અગવડ ન પડે તે માટે સ્થળની પૂર્વતૈયારીઓ, જરૂરી ભૌતિક સુવિધાઓ તેમજ વિવિધ સરકારી વિભાગો વચ્ચેના સુચારુ સંકલન અંગે કલેક્ટરે સંબંધિત અધિકારીઓને વિગતવાર માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું. કલેક્ટરે ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનને માત્ર એક સરકારી કાર્યક્રમ ન રાખતા, લોકભાગીદારી વધારીને એક વ્યાપક જનઆંદોલન બનાવવા ઉપર વિશેષ ભાર મૂક્યો હતો. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી કાર્તિક જીવાણી સહિતના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં તમામ વિભાગોને પરસ્પર ઉત્કૃષ્ટ સંકલન સાથે કામગીરી કરવા સ્પષ્ટ નિર્દેશો આપવામાં આવ્યા હતા.
નવસારી : બાળકનું સ્મિત એ સમાજની સૌથી મોટી મૂડી છે અને એ સ્મિત ત્યારે જ ખીલી શકે જ્યારે એની કાયા પોષણથી સમૃદ્ધ હોય. બાળપણને કુપોષણના અંધકારમાંથી મુક્ત કરીને સ્વાસ્થ્યના ઉજાસ તરફ લઈ જવાનો એક માનવીય અને સંવેદનશીલ પ્રયાસ નવસારીના આંગણે આકાર પામ્યો છે. કબીલપોરના આંગણવાડી કેન્દ્રોમાં જ્યારે પાયાના કક્ષાએ કામ કરતી બહેનોનો સ્વેદ અને ભૂલકાંઓનું ઉત્સાહભર્યું સ્મિત એકસાથે મળ્યા, ત્યારે તે માત્ર એક સરકારી કાર્યક્રમ ન રહેતાં મમતા, કાળજી અને સામાજિક જવાબદારીનો એક જીવંત ઉત્સવ બની ગયો હતો.
બાળપણને મળ્યું પોષણનું કવચ અને પ્રોત્સાહનનું ભાથું
નવસારીમાં આજે ‘આંગણ ઉત્સવ’ દરમિયાન કુપોષણની રેખા વટાવીને પૂર્ણ સ્વાસ્થ્ય તરફ આગળ વધેલા ભૂલકાંઓને ‘પોષણ ચેમ્પિયન’ તરીકે બિરદાવવામાં આવ્યા હતા. કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલ, સ્થાનિક ધારાસભ્ય રાકેશ દેસાઈ અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ બાળકોને ફળ, મીઠાઈ અને વિશેષરૂપે પૌષ્ટિક નાગલીની સુખડીથી ભરેલી ‘પોષણ ટોપલી’ નું વિતરણ કરાયું હતું. આ ઉપરાંત, 3 થી 6 વર્ષના તમામ બાળકો સહિત THR (ટેક હોમ રાશન) યોજના હેઠળ બાલશક્તિ, પૂર્ણાશક્તિ અને માતૃશક્તિના લાભાર્થીઓને પણ પૌષ્ટિક સામગ્રી પહોંચાડવામાં આવી હતી. આ અવસરે લાભાર્થી કિશોરીઓ અને ધાત્રી માતાઓએ પોતાના અનુભવો વાગોળતાં પોષણ સેવાઓથી જીવનમાં આવેલા સકારાત્મક પરિવર્તનની અનુભૂતિ વ્યક્ત કરી હતી.
પાયાના ક્ષેત્રે અદ્રશ્ય સેવા આપતી ‘માતૃશક્તિ’ નું બહુમાન
સમાજને કુપોષણમુક્ત બનાવવા માટે દિવસ-રાત જોયા વગર ગ્રાઉન્ડ લેવલ પર પરિશ્રમ કરતી આંગણવાડી કાર્યકરો, તેડાગરો અને આશા વર્કરો ખરી અર્થમાં આ અભિયાનના વાસ્તવિક નાયકો છે. કબીલપોર 01 ની ટીમ દિપ્તીબેન મકવાણા, ગાયત્રીબેન પટેલ, રક્ષાબેન નાયકા અને કબીલપોર 04 ની ટીમ ચંપાબેન પટેલ, પારૂલબેન પટેલ, રાધાબેન પટેલને તેમની ઉત્કૃષ્ટ કામગીરી બદલ પ્રશસ્તિપત્ર અને શાલ અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું. પાયાના આ કર્મયોગીઓના સમર્પણને બિરદાવીને આંગણ ઉત્સવે માત્ર પોષણનો સંદેશ નથી આપ્યો, પરંતુ માતૃ અને બાળ સ્વાસ્થ્ય પ્રત્યેની સામાજિક કટિબદ્ધતાને વધુ દ્રઢ બનાવી છે.
નવસારી : રાજકીય કે સરકારી કાર્યક્રમો માત્ર ઔપચારિકતા પૂરતા સીમિત ન રહેતા જ્યારે લોકસેવા અને માનવીય સંવેદનાનો પર્યાય બને છે, ત્યારે સમાજમાં એક નવો આશાવાદ જન્મ લે છે. નવસારી જિલ્લામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગામી પ્રવાસ અને નવસારી ભાજપના હાઇટેક કાર્યાલય ‘નમો કમલમ’ ના ઉદ્ઘાટનને વધાવવા માટે તંત્રે કમર કસી છે. પરંતુ આ તૈયારીઓ માત્ર ઈમારતો કે રસ્તાઓ પૂરતી મર્યાદિત નથી રહી, પણ કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લાને સ્વચ્છ, સુપોષિત અને સ્વસ્થ બનાવવાનો એક અભૂતપૂર્વ સેવાયજ્ઞ પ્રારંભાયો છે.
નવસારી જિલ્લાના ઇતિહાસમાં કદાચ પ્રથમ વખત જનભાગીદારીનું આવું વિરાટ સ્વરૂપ જોવા મળી રહ્યું છે. ચીખલી ખાતેથી કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલના હસ્તે જિલ્લાના તમામ 389 ગામોને સ્વચ્છ બનાવવાના મહાઅભિયાનનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે. 6 સપ્ટેમ્બર સુધીમાં તમામ ગ્રામ્ય વિસ્તારોમાંથી કચરો હટાવી સંપૂર્ણ સ્વચ્છતા કરવાનો દ્રઢ નિર્ધાર કરાયો છે. આ ઝુંબેશની વિશેષતા એ છે કે, ક્વોરી એસોસિએશન દ્વારા સામાજિક જવાબદારીના ભાગરૂપે 50 થી વધુ JCB અને લોડર મશીનો વિનામૂલ્યે ફાળવવામાં આવ્યા છે. દરેક ગામમાં 1 JCB, ટ્રોલી અને 10 મજૂરોની સઘન ટીમ બનાવી માઇક્રો પ્લાનિંગ સાથે કામગીરી તેજ કરી દેવામાં આવી છે.
માનવીય સંવેદનાની મિસાલ : સેવા અને સુપોષણના ક્ષેત્રે ઐતિહાસિક પહેલ
સ્વચ્છતા અભિયાનની સાથે-સાથે નવસારીમાં માનવીય અભિગમ ધરાવતી કલ્યાણકારી યોજનાઓને પણ છેવાડાના માનવી સુધી પહોંચાડવાનો ઉત્તમ પ્રયાસ થયો છે. નવસારીના બી.આર. ફાર્મ ખાતે આયોજિત વિશેષ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ, વલસાડના સાંસદ ધવલ પટેલ, રાજ્યના નાણાં મંત્રી કનુ દેસાઈ અને આદિજાતિ મંત્રી નરેશ પટેલની ખાસ ઉપસ્થિતિ રહી હતી. આ પ્રસંગે જિલ્લાના 3,800 જેટલા કુપોષિત બાળકોને આંગણવાડી કાર્યકરો મારફતે ‘સુપોષિત કીટ’ અને TB ના દર્દીઓને આરોગ્યવર્ધક ‘પોષણ કીટ’ નું વિતરણ કરવામાં આવ્યું હતું. શાસન અને સેવાનો આ સમન્વય દર્શાવે છે કે નવસારી વિનમ્રતાથી વડાપ્રધાનના સ્વાગતની સાથોસાથ એક સ્વસ્થ અને સુદ્રઢ સમાજના નિર્માણ તરફ ડગ માંડી રહ્યું છે.