મહર્ષિ દયાનંદ સ્મારક ગુરૂકુળમાં ગીતા જયંતીની થઇ ભવ્ય ઉજવણી
નવસારી : ભારતીય સંસ્કૃતિમાં અનેક ધર્મગ્રંથોએ જીવન સરળતાથી જીવવાના મુલ્યો શીખવે છે. જેમાં પણ શ્રીમદ્દ ભગવદ ગીતા હજારો વર્ષો વીતવા છતાં પણ આજે પણ એટલી જ ઉપયોગી છે. ત્યારે નવસારીના સુપા ગામે આવેલ મહર્ષિ દયાનંદ સ્મારક ગુરૂકુળમાં ભ્રહ્મચારીઓએ ગીતાના શ્લોકોનું પઠન કરી ભવ્ય રીતે ગીતા જયંતીની ઉજવણી કરી હતી. જેમાં યજ્ઞની રુચાઓથી સમગ્ર આશ્રમનું પ્રાંગણ ગુંજી ઉઠ્યુ હતુ.
ગીતા જીવન જીવવાની કળા શીખવે છે : ડો. ચંદ્રગુપ્ત

નવસારી જિલ્લામાં વર્ષોથી વૈદિક કાળની જેમ આશ્રમ પ્રથાથી શિક્ષણ આપતા મહર્ષિ દયાનંદ સ્મારક ગુરૂકુળ ખાતે આજે હર્ષોલ્લાસ સાથે ગીતા જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. ગુરૂકુળ, જે શતાબ્દી જૂની આર્ય સંસ્કૃતિ અને આધુનિક શિક્ષણનો સમન્વયને આધારે બાળકોને સનાતન ધર્મની પરંપરા સાથે જ આધુનિક શિક્ષણ આપે છે, ત્યારે ગીતા જયંતીના પવિત્ર દિવસે શ્રીમદ્દ ભગવદ ગીતા અને તેના જીવન મુલ્યોએ સૌને પ્રેરિત કર્યા હતા. આ ઉજવણીમાં ગુરૂકુળના કેમ્પસ ડાયરેક્ટર ડૉ. ચંદ્રગુપ્તે જીવનમાં ગીતા અધ્યાયના પઠનનું મહત્વ સમજાવ્યુ હતુ. સાથે જ તેમણે શાસ્ત્રીય ઉદાહરણ સાથે આધુનિક વિજ્ઞાન અને ગીતાના ઊર્જા-સિદ્ધાંત વચ્ચેના સંબંધોને રેખાંકિત કરતા જણાવ્યુ હતુ કે, ઊર્જા અમર છે અને તેનું માત્ર સ્વરૂપ બદલી શકાય છે. આ વિજ્ઞાનના સિદ્ધાંતો ગીતા દ્વારા હજારો વર્ષ પહેલાં રજૂ કરાયા હતા. જીવનના દરેક તબક્કામાં અને આજના પરિપ્રેક્ષ્યમાં આવતા તમામ કામોમાં ગીતા જીવન જીવવાની કળા શીખવે છે.
સંસ્કૃત પાઠશાળાના બ્રહ્મચારીઓએ ગીતાના શ્લોકોનું પઠન કરી, સંસ્કૃતિને ઉજાગર કરી

ગુરૂકુળના સહ કેમ્પસ ડાયરેક્ટર સુરેશભાઈ રત્નાણીએ ગીતાને જીવન બદલવાની જડીબુટ્ટી તરીકે વર્ણવી, વિદ્યાર્થીઓને નિયમિત ગીતા પઠન કરવાની સલાહ આપી હતી. જયારે ગુરુકુળના સંસ્કૃત પાઠશાળાના બ્રહ્મચારીઓએ શ્રીમદ્દ ભગવદ ગીતાના શ્લોકોનું પઠન કરી આ દિવસે સનાતન સંસ્કૃતિને ઉજાગર કરી હતી. જેમાં વિધિવત યજ્ઞ-હવન સાથે આ ઉજવણીનો પ્રારંભ કરાયો હતો. યજ્ઞમાં ગુરુકુળના આચાર્ય દીપેશજી, આચાર્ય વિવેકાનંદજી, આચાર્ય પ્રતીકજી અને શ્રદ્ધાનંદ આશ્રમના ગૃહપતિઓએ પણ ભાગ લીધો.
જિલ્લા શિક્ષણાધિકારીએ સાંસ્કૃતિક ધરોહર અને તેની જાળવણી માટે આપી શુભેચ્છા
ગીતા જયંતીની ઉજવણીમાં ગુજરાત ગુરૂકુળ સભાના પદાધિકારીઓએ વિદ્યાર્થીઓ અને કર્મચારીઓની પ્રશંસા કરી હતી. સંસ્થાના મંત્રી પંકજસિંહ ઠાકોરે આશ્રમ દ્વારા ઉંચા શિક્ષણ સાથે વધુ તકો પૂરી પાડવામાં આવી રહી હોવાના વખાણ કર્યા કરી, વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. જયારે નવસારી જિલ્લા શિક્ષણાધિકારી જયેશ ચૌધરીએ સંસ્થાની સાંસ્કૃતિક ધરોહર અને તેની જાળવણી માટે શુભેચ્છા આપી હતી.