Connect with us

ગુજરાત

કાયમી ભરતી નહીં, તો ધારાસભ્યો પણ 11 મહિનાના કરાર પર બનાવો : અનંત પટેલ

Published

on

જ્ઞાન સહાયક યોજનાના વિરોધમાં શિક્ષિત બેરોજગારોએ રેલી કાઢી કલેકટરને આપ્યું આવેદનપત્ર

નવસારી : ગુજરાતની શાળાઓમાં હજારો શિક્ષકોની જગ્યા ખાલી છે. જેમાં કાયમી શિક્ષકોની ભરતી કરવાને બદલે કંપનીઓમાં જે રીતે કરાર આધારિત કર્મચારીઓ હોય, એ પ્રમાણે જ સરકાર પણ 11 મહિનાના કરાર આધારિત જ્ઞાન સહાયક યોજના લઈને આવી છે. જેનો શિક્ષક બનવાના સપના જોતા લાખો શિક્ષિત બેરોજગાર યુવાનો વિરોધ કરી રહ્યા છે. આજે નવસારી સર્કીટ હાઉસ ખાતેથી વાંસદાના કોંગી ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં કાયમી નોકરીવાન્છું યુવાનોએ રેલી કાઢી જિલ્લા કલેકટર મારફતે રાજ્ય સરકાર સુધી પોતાની માંગ પહોંચાડવા નાયબ પોલીસ અધિક્ષકને આવેદનપત્ર આપ્યુ હતુ. જ્યાં સરકાર કાયમી ભરતીને બદલે કરાર આધારિત ભરતી લાવતા, વિધાનસભામાં ધારાસભ્યો પણ 11 મહિનાના કરાર આધારિત જ ચુંટવા જોઈએનો ટોણો ધારાસભ્ય અનંત પટેલે મારી, જ્ઞાન સહાયક યોજના રદ્દ કરવાની માંગ કરી હતી.

24 વર્ષોના અભ્યાસ બાદ પણ સરકારમાં કરાર આધારિત નોકરીની વાતે યુવાનોમાં રોષ

ગુજરાતની શાળાઓમાં હજારો શિક્ષકોની ઘટ છે, જેમાં પણ સરકારી પ્રાથમિક શાળાઓમાં વર્ગ શાળા અને મુખ્ય શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા પણ ઘટી રહી છે. જેથી સરકારે ઓછી સંખ્યા હોય, એવી શાળાઓને નજીકની શાળામાં મર્જ કરી શિક્ષકોની ઘટનો પ્રશ્ન ઉકેલવાનો પ્રયાસ કર્યો હતો. જેની સાથે જ મુખ્ય વિષયોના પ્રવાસી શિક્ષકો મુકીને વિદ્યાર્થીઓનો અભ્યાસ ચાલુ રહે એવા પ્રયાસો કર્યા હતા. તેમ છતાં શાળાઓમાં હજારો કાયમી શિક્ષકોની ભરતી બાકી છે. જ્યાં શિક્ષકોની ભરતીની માંગ પ્રબળ થઇ રહી છે, ત્યાં રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા 11 મહિનાના કરાર આધારિત શિક્ષકોની ભરતી કરવા જ્ઞાન સહાયક યોજના જાહેર કરાય છે. પરંતુ 24 વર્ષો સુધી અભ્યાસ કરીને શિક્ષક બનવા માટે જરૂરી દ્વિસ્તરીય ટેટ – ટાટની પરીક્ષા પાસ કર્યા બાદ પણ કરાર આધારિત નોકરી મળવાની વાતે ગુજરાતના હજારો શિક્ષિત બેરોજગાર યુવાનોમાં રોષ વ્યાપ્યો છે. સાથે જ જ્ઞાન સહાયક યોજના રદ્દ કરીને શિક્ષકોની કાયમી ભરતી કરે એની માંગ બુલંદ કરી રહ્યા છે. નવસારી જિલ્લામાં વાંસદાના કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલ દ્વારા કાયમી શિક્ષક બનવાની ઈચ્છા ધરાવતા સૈંકડો નોકરીવાન્છું ઉમેદવારોને સમર્થન જાહેર કરી, ગત દિવસોમાં વાંસદા અને ચીખલી તાલુકામાં રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર આપી આંદોલનની શરૂઆત કરી હતી. જેમાં આજે નવસારી જિલ્લા સ્તરે કાર્યક્રમ જાહેર કર્યો હતો. જેમાં દક્ષિણ ગુજરાત સહિત અમદાવાદ અને ગાંધીનગરથી પણ શિક્ષક બનવાના સપના જોતા શિક્ષિત બેરોજગાર યુવાનો નવસારી પહોંચ્યા હતા.

ધારાસભ્ય સાથે શિક્ષિત બેરોજગારો રસ્તા પર બેસતા સર્જાઈ ટ્રાફિક સમસ્યા

નવસારી સર્કીટ હાઉસથી રેલી સ્વરૂપે શિક્ષિત બેરોજગારો ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં જિલ્લા કલેકટર કચેરીએ પહોંચ્યા હતા. જ્યાં પરિસર બહાર મુખ્ય રસ્તા પર જ આંદોલનકારીઓ બેસી જતા ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી. રસ્તા પર બેસતા જ યુવાનોને પોલીસ દ્વારા રસ્તા પરથી ખસેડવાનો પ્રયાસ થતા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેશ પટેલ વચ્ચે પડ્યા હતા. જ્યાં પોલીસ અને કોંગી આગેવાનો વચ્ચે ચકમક ઝરી હતી. પરંતુ બાદમાં પોલીસે સમજદારી વાપરી આંદોલનકારીઓને થોડો સમય બેસવા દીધા હતા. બાદમાં કલેકટરને આવેદનપત્ર આપવા કચેરીના ગેટ પર પહોંચતા જ પોલીસે તમામને અટકાવ્યા હતા અને ફક્ત 10 લોકોને મંજૂરી હોવાનું કહેતા ફરી ધારાસભ્ય અનંત પટેલ સાથે ઉમેદવારો જમીન પર બેઠા હતા, અહીં સરકાર વિરોધી સુત્રોચ્ચાર કરવા સાથે રામધૂન ગાઈને સરકારને સદ્દબુદ્ધિ આવે એવી આશા વ્યક્ત કરી હતી. બીજી તરફ કલેકટર કે તેમના કોઈ પ્રતિનિધિ નીચે આવીને આવેદનપત્ર ન સ્વિકારતા કોંગી ધારાસભ્ય અનંત પટેલે નાયબ પોલીસ અધિક્ષક એસ. કે. રાયને જ કલેકટર ગણીને તેમને આવેદનપત્ર આપ્યુ હતું. જેમાં સરકાર કરાર આધારિત જ્ઞાન સહાયક યોજનાને રદ્દ કરે અને શિક્ષકોની કાયમી ભરતી કરે એવી માંગણી કરી છે. નહીં તો આંદોલનને દરેક જિલ્લાઓમાં લઇ જવા સાથે જ સરકારના કાને માંગણીઓ નાંખવા ગાંધીનગર કૂચ કરવાની પણ તૈયારી દર્શાવી છે.

આરોગ્ય

કુપોષણ સામે નવસારીનો જંગ : કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં ‘આંગણ ઉત્સવ’ ઉજવાયો

Published

on

By

નવસારીના પોષણ ચેમ્પિયન્સનું બહુમાન અને નાગલીની સુખડીથી બાળ સ્વાસ્થ્ય મજબૂત કરવાનો પ્રયાસ

નવસારી : બાળકનું સ્મિત એ સમાજની સૌથી મોટી મૂડી છે અને એ સ્મિત ત્યારે જ ખીલી શકે જ્યારે એની કાયા પોષણથી સમૃદ્ધ હોય. બાળપણને કુપોષણના અંધકારમાંથી મુક્ત કરીને સ્વાસ્થ્યના ઉજાસ તરફ લઈ જવાનો એક માનવીય અને સંવેદનશીલ પ્રયાસ નવસારીના આંગણે આકાર પામ્યો છે. કબીલપોરના આંગણવાડી કેન્દ્રોમાં જ્યારે પાયાના કક્ષાએ કામ કરતી બહેનોનો સ્વેદ અને ભૂલકાંઓનું ઉત્સાહભર્યું સ્મિત એકસાથે મળ્યા, ત્યારે તે માત્ર એક સરકારી કાર્યક્રમ ન રહેતાં મમતા, કાળજી અને સામાજિક જવાબદારીનો એક જીવંત ઉત્સવ બની ગયો હતો.

બાળપણને મળ્યું પોષણનું કવચ અને પ્રોત્સાહનનું ભાથું

નવસારીમાં આજે ‘આંગણ ઉત્સવ’ દરમિયાન કુપોષણની રેખા વટાવીને પૂર્ણ સ્વાસ્થ્ય તરફ આગળ વધેલા ભૂલકાંઓને ‘પોષણ ચેમ્પિયન’ તરીકે બિરદાવવામાં આવ્યા હતા. કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલ, સ્થાનિક ધારાસભ્ય રાકેશ દેસાઈ અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ બાળકોને ફળ, મીઠાઈ અને વિશેષરૂપે પૌષ્ટિક નાગલીની સુખડીથી ભરેલી ‘પોષણ ટોપલી’ નું વિતરણ કરાયું હતું. આ ઉપરાંત, 3 થી 6 વર્ષના તમામ બાળકો સહિત THR (ટેક હોમ રાશન) યોજના હેઠળ બાલશક્તિ, પૂર્ણાશક્તિ અને માતૃશક્તિના લાભાર્થીઓને પણ પૌષ્ટિક સામગ્રી પહોંચાડવામાં આવી હતી. આ અવસરે લાભાર્થી કિશોરીઓ અને ધાત્રી માતાઓએ પોતાના અનુભવો વાગોળતાં પોષણ સેવાઓથી જીવનમાં આવેલા સકારાત્મક પરિવર્તનની અનુભૂતિ વ્યક્ત કરી હતી.

પાયાના ક્ષેત્રે અદ્રશ્ય સેવા આપતી ‘માતૃશક્તિ’ નું બહુમાન

સમાજને કુપોષણમુક્ત બનાવવા માટે દિવસ-રાત જોયા વગર ગ્રાઉન્ડ લેવલ પર પરિશ્રમ કરતી આંગણવાડી કાર્યકરો, તેડાગરો અને આશા વર્કરો ખરી અર્થમાં આ અભિયાનના વાસ્તવિક નાયકો છે. કબીલપોર 01 ની ટીમ દિપ્તીબેન મકવાણા, ગાયત્રીબેન પટેલ, રક્ષાબેન નાયકા અને કબીલપોર 04 ની ટીમ ચંપાબેન પટેલ, પારૂલબેન પટેલ, રાધાબેન પટેલને તેમની ઉત્કૃષ્ટ કામગીરી બદલ પ્રશસ્તિપત્ર અને શાલ અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું. પાયાના આ કર્મયોગીઓના સમર્પણને બિરદાવીને આંગણ ઉત્સવે માત્ર પોષણનો સંદેશ નથી આપ્યો, પરંતુ માતૃ અને બાળ સ્વાસ્થ્ય પ્રત્યેની સામાજિક કટિબદ્ધતાને વધુ દ્રઢ બનાવી છે.

Continue Reading

આરોગ્ય

‘નમો કમલમ’ ના લોકાર્પણ પૂર્વે નવસારીમાં સ્વચ્છતા અને સુપોષણનો મહાયજ્ઞ શરૂ

Published

on

By

કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં 389 ગામોમાં માઇક્રો સફાઇ ઝુંબેશનો પ્રારંભ

નવસારી : રાજકીય કે સરકારી કાર્યક્રમો માત્ર ઔપચારિકતા પૂરતા સીમિત ન રહેતા જ્યારે લોકસેવા અને માનવીય સંવેદનાનો પર્યાય બને છે, ત્યારે સમાજમાં એક નવો આશાવાદ જન્મ લે છે. નવસારી જિલ્લામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગામી પ્રવાસ અને નવસારી ભાજપના હાઇટેક કાર્યાલય ‘નમો કમલમ’ ના ઉદ્ઘાટનને વધાવવા માટે તંત્રે કમર કસી છે. પરંતુ આ તૈયારીઓ માત્ર ઈમારતો કે રસ્તાઓ પૂરતી મર્યાદિત નથી રહી, પણ કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લાને સ્વચ્છ, સુપોષિત અને સ્વસ્થ બનાવવાનો એક અભૂતપૂર્વ સેવાયજ્ઞ પ્રારંભાયો છે.

જનભાગીદારીનો અનોખો સંગમ: 389 ગામોમાં યુદ્ધના ધોરણે માઇક્રો સફાઇ ઝુંબેશ

નવસારી જિલ્લાના ઇતિહાસમાં કદાચ પ્રથમ વખત જનભાગીદારીનું આવું વિરાટ સ્વરૂપ જોવા મળી રહ્યું છે. ચીખલી ખાતેથી કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલના હસ્તે જિલ્લાના તમામ 389 ગામોને સ્વચ્છ બનાવવાના મહાઅભિયાનનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે. 6 સપ્ટેમ્બર સુધીમાં તમામ ગ્રામ્ય વિસ્તારોમાંથી કચરો હટાવી સંપૂર્ણ સ્વચ્છતા કરવાનો દ્રઢ નિર્ધાર કરાયો છે. આ ઝુંબેશની વિશેષતા એ છે કે, ક્વોરી એસોસિએશન દ્વારા સામાજિક જવાબદારીના ભાગરૂપે 50 થી વધુ JCB અને લોડર મશીનો વિનામૂલ્યે ફાળવવામાં આવ્યા છે. દરેક ગામમાં 1 JCB, ટ્રોલી અને 10 મજૂરોની સઘન ટીમ બનાવી માઇક્રો પ્લાનિંગ સાથે કામગીરી તેજ કરી દેવામાં આવી છે.

માનવીય સંવેદનાની મિસાલ : સેવા અને સુપોષણના ક્ષેત્રે ઐતિહાસિક પહેલ

સ્વચ્છતા અભિયાનની સાથે-સાથે નવસારીમાં માનવીય અભિગમ ધરાવતી કલ્યાણકારી યોજનાઓને પણ છેવાડાના માનવી સુધી પહોંચાડવાનો ઉત્તમ પ્રયાસ થયો છે. નવસારીના બી.આર. ફાર્મ ખાતે આયોજિત વિશેષ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ, વલસાડના સાંસદ ધવલ પટેલ, રાજ્યના નાણાં મંત્રી કનુ દેસાઈ અને આદિજાતિ મંત્રી નરેશ પટેલની ખાસ ઉપસ્થિતિ રહી હતી. આ પ્રસંગે જિલ્લાના 3,800 જેટલા કુપોષિત બાળકોને આંગણવાડી કાર્યકરો મારફતે ‘સુપોષિત કીટ’ અને TB ના દર્દીઓને આરોગ્યવર્ધક ‘પોષણ કીટ’ નું વિતરણ કરવામાં આવ્યું હતું. શાસન અને સેવાનો આ સમન્વય દર્શાવે છે કે નવસારી વિનમ્રતાથી વડાપ્રધાનના સ્વાગતની સાથોસાથ એક સ્વસ્થ અને સુદ્રઢ સમાજના નિર્માણ તરફ ડગ માંડી રહ્યું છે.

Continue Reading

રાજકારણ

ભારતના પ્રથમ AI સજ્જ હાઈટેક નવસારી જિલ્લા ભાજપ કાર્યાલય ‘નમો કમલમ’ નું PM નરેન્દ્ર મોદી કરશે લોકાર્પણ

Published

on

By

40 હજાર સ્ક્વેર ફૂટ જગ્યામાં10 કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામ્યુ છે આધુનિક નમો કમલમ

નવસારી : દેશના રાજકીય ઈતિહાસમાં એક સુવર્ણ અધ્યાય ઉમેરાવા જઈ રહ્યો છે. સામાન્ય રીતે કોઈ પણ રાજકીય પક્ષના જિલ્લા કક્ષાના કાર્યાલયનું લોકાર્પણ પ્રાદેશિક નેતાઓના હસ્તે થતું હોય છે, પરંતુ પ્રથમ વખત દેશના વડાપ્રધાન પોતે એક જિલ્લા કાર્યાલયનું લોકાર્પણ કરવા નવસારીના આંગણે આવી રહ્યા છે. આગામી 8 સપ્ટેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવસારીમાંથી પસાર થતા હાઇવે નજીક આકાર પામેલા દેશના પ્રથમ AI સજ્જ અને હાઈટેક કાર્યાલય ‘નમો કમલમ’ નું લોકાર્પણ કરશે, જે નવસારી માટે એક અત્યંત ગૌરવશાળી અને ઐતિહાસિક ક્ષણ બની રહેશે.

હાઈટેક ટેકનોલોજી અને ગ્રીન એનર્જીનો અદ્ભુત સમન્વય

માત્ર પોણા બે વર્ષના વિક્રમી સમયમાં અને અંદાજે 10 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે તૈયાર થયેલું આ 40 હજાર સ્ક્વેર ફૂટનું ‘નમો કમલમ’ માત્ર રાજકીય ગતિવિધિઓનું કેન્દ્ર નથી, પરંતુ આધુનિક ભારતનું એક રોલ મોડલ છે. કોર્પોરેટ શૈલીમાં નિર્મિત આ કેમ્પસ હાઇ-સ્પીડ ઇન્ટરનેટ, સોલર પેનલ્સ અને વોટર હાર્વેસ્ટિંગ જેવી પર્યાવરણપૂરક સુવિધાઓથી સુસજ્જ છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો કાર્યક્ષમ ઉપયોગ કરીને સંગઠનને વધુ સક્રિય અને સુગ્રથિત બનાવતું આ કાર્યાલય દેશના તમામ રાજકીય કાર્યાલયો માટે આધુનિકતા અને ગ્રીન એનર્જીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડે છે.

રાજકીય સુસજ્જતા સાથે જનકલ્યાણનો મહાયજ્ઞ

આ ઐતિહાસિક મુલાકાત માત્ર સંગઠનની શક્તિ પ્રદર્શન પૂરતી સીમિત નથી, પરંતુ તેને જનસેવાના મહાયજ્ઞ સાથે જોડવામાં આવી છે. વડાપ્રધાનના આગમનને વધાવવા નવસારી જિલ્લા પ્રશાસન અને ભાજપ સંગઠન દ્વારા જનભાગીદારીથી એક વ્યાપક કલ્યાણકારી ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. TB મુક્ત નવસારી, કુપોષણ નાબૂદી, 350 થી વધુ ગામોમાં સ્વચ્છતા અભિયાન અને સુકન્યા સમૃદ્ધિ યોજના જેવી સરકારી યોજનાઓને ઘર-ઘર સુધી પહોંચાડવામાં આવી રહી છે. એક તરફ હાઇટેક કાર્યાલયની ગૌરવવંતી ભેટ અને બીજી તરફ છેવાડાના માનવી સુધી પહોંચતો સશક્તિકરણનો લાભ – નવસારી આજે દેશ સામે વિકાસ, આધુનિકતા અને સુશાસનનું નવું શિખર સર કરી રહ્યું છે.

 

Continue Reading
Advertisement

Trending