જિલ્લામાં 1.08 લાખ મતદારો 22 જૂને મતદાન કરી ચુંટશે ગ્રામ્ય સરકાર
નવસારી : ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચુંટણીનું બ્યુગલ વાગી ચુક્યુ છે અને ચુંટણી મેદાનમાં ઉતરનારા મહારથીઓ પણ સજ્જ થઇ ચુક્યા છે. ત્યારે નવસારી જિલ્લામાં પણ 56 માંથી 11 ગ્રામ પંચાયતો સમરસ થતા હવે 45 ગ્રામ પંચાયતોમાં સામાન્ય ચુંટણી, જયારે 82 ગ્રામ પંચાયતોમાંથી 14 ગ્રામ પંચાયતોમાં પેટા ચુંટણી, આગામી 22 જૂન, 2025 ના રોજ યોજાશે.
સામાન્ય ચુંટણીમાં 126 ઉમ્દેવારો સરપંચ અને 433 ઉમેદવારો સભ્યની ચુંટણી લડશે
નવસારી જિલ્લામાં છેલ્લા કેટલાક વર્ષોથી ગ્રામ પંચાયતોમાં વહીવટદારોનું શાસન હતુ. પરંતુ હવે ગ્રામ પંચાયતોની ચુંટણી બાદ ગામ સરકાર રચાશે. ગ્રામ પંચાયતોની જાહેરાત થયા બાદ જ ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો પોતાના સમર્પિત ઉમેદવારોને ચુંટણી મેદાનમાં ઉતારવા થનગની રહ્યા હતા. જેમાં જિલ્લાના 5 તાલુકાઓની 56 ગ્રામ પંચાયતોમાં સામાન્ય ચુંટણી, જયારે 82 ગ્રામ પંચાયતોમાં પેટા ચુંટણી યોજવાની ઘોષણા થઇ હતી. ઉમેદવારીપત્રો ભરાયા બાદ અનેક કારણોમાં સામાન્ય ચુંટણીમાં સરપંચ માટે 183 ઉમેદવારોએ 184 ફોર્મ ભર્યા હતા. જયારે સભ્ય પદ માટે 700 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાંથી સરપંચમાં 1 અને સભ્યમાં 16 ફોર્મ અમાન્ય ઠર્યા હતા અને 45 સરપંચ ઉમેદવારોએ અને 23 સભ્ય ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચ્યા હતા. જયારે 11 ગ્રામ પંચાયતો સમરસ જાહેર થઇ છે. જેથી હવે જિલ્લામાં 45 ગ્રામ પંચાયતોમાં સરપંચ પદ માટે 126 ઉમેદવારો અને સભ્ય પદ માટે 433 ઉમેદવારો ચુંટણી મેદાનમાં ઉતર્યા છે. આગામી 22 જૂને, 45 ગામોના 53,410 પુરૂષ અને 55,276 મહિલા મતદારો મળીને કુલ 108686 મતદારો પોતાના ભાવી સરપંચ અને વોર્ડ સભ્યોને ચુંટશે.
14 ગ્રામ પંચાયતની પેટા ચુંટણીમાં 26,441 મતદારો કરશે મતદાન
બીજી તરફ જિલ્લામાં 82 ગ્રામ પંચાયતોમાં પેટા ચુંટણી પણ જાહેર થઇ હતી. જેમાં પણ મોટી સંખ્યામાં ઉમેદવારો ચુંટણી જંગ લડવા તૈયાર થયા હતા. જેમાં સરપંચ માટે 28 ઉમેદવારો અને સભ્ય માટે 85 ઉમેદવારોએ ચુંટણી જંગમાં ઝંપલાવવા કમર કસી હતી. પરંતુ 2 સભ્ય પદ માટેના ઉમેદવારોના ફોર્મ અમાન્ય ઠર્યા હતા અને સરપંચના 8 અને સભ્યના 8 ઉમેદવારીપત્રો પરત ખેંચાયા હતા. જેમાં 1 સરપંચ અને 42 સભ્યો બિનહરીફ જાહેર થયા છે. જેથી હવે 14 ગ્રામ પંચાયતોમાં 19 ઉમેદારો સરપંચ પદ માટે અને ૩૩ ઉમેદવારો સભ્ય પદ માટે ચુંટણી જંગ ખેલશે. પેટા ચુંટણીમાં 13,241 પુરૂષ અને 13,200 મહિલા મતદારો મળીને કુલ 26,441 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.
જે ગામોમાં સામાન્ય ચુંટણી યોજાવાની છે, એ ગામોની તાલુકા અનુસાર યાદી
નવસારી ગ્રામ્ય : દંડેશ્વર અને નવા તળાવ
જલાલપોર : સિસોદ્રા પારડી (આરક) જૂથ, પનાર, કણીયેટ ચોરમલા ભાઠા, માછીવાડ, માછીવાડ (દીવાદાંડી), આસણા, દાંતી, કૃષ્ણપુર અને ઓન્જલ
ગણદેવી : પીપલધરા, સરીબુજરંગ, તલોધ, અંચેલી, તોરણ ગામ, એંધલ, પીંજરા, વેગામ અને અમલસાડ
ચીખલી : કણભઈ, સતાડીયા, રૂમલા, આંબાપાડા, સ્યાદા, તલાવચોરા, બારોલીયા મંદિર ફળિયા,
વાંસદા : મહુવાસ, અંકલાછ/કામળઝરી જૂથ, લાકડબારી, ગંગપુર, ઉમરકુઇ, મીંઢાબારી, કુકડા, કુરેલિયા, ગોધાબારી, ચોંઢા, કાવડેજ, પીપલખેડ, રવાણીયા, વાઘાબારી, પાલગભાણ, કંબોયા, પ્રતાપનગર અને વાંદરવેલા
જે ગામોમાં પેટા ચુંટણી યોજાવાની છે, એ ગામોની તાલુકા અનુસાર યાદી
નવસારી ગ્રામ્ય : નસીલપોર/વીરવાડી જૂથ, વાડા (અદડા) અને પરતાપોર
જલાલપોર : સાગરા
ગણદેવી : આંતલિયા, માસા, ઉંડાચ લુહાર ફળિયા અને વડસાંગળ
ચીખલી : ઘેકટી, નોગામા, સાદકપોર, ઢોલુમ્બર, સોલધરા અને આમધરા